અધ્યાય-૨-કર્ણના વીરોદગારો
II संजय उवाच II हतं भीष्ममथा धिरथिर्विदित्वा भिन्नां नायभिवात्यगाधे कुरूणां I
सौन्दर्यवत व्यसनात्सुतपुत्र: संतारयिष्यंस्तव पुत्रस्य सेनाम् II १ II
સંજય બોલ્યો-ભીષ્મને હણાયેલા જાણીને અધિરથના પુત્ર કર્ણે,બંધુની જેમ,અતિ અગાધ મહાસાગરમાં ભાંગી પડેલી નૌકા જેવી તે કૌરવવોની સેનાને દુઃખમાંથી તારવાની ઈચ્છા કરી અને તે તમારા પુત્રની સેનાએ તરફ આવી પહોંચ્યો.ને બોલ્યો-
'હે વીરો,જેમ,ચંદ્ર વિષે લાંછન સનાતન કાળનું છે,તેમ,સદા કૃતજ્ઞ તથા બ્રાહ્મણોના શત્રુઓનો સંહાર કરનારા પિતામહ ભીષ્મ વિષે ધીરજ,બુદ્ધિ,પરાક્રમ,તેજ,સત્ય,સ્મરણશક્તિ,વીર પરુષોના ગુણો,દિવ્ય અસ્ત્રો,નમ્રતા,પ્રિય વાણી અને ઈર્ષારહિતપણું વગેરે ગુણો સર્વ કાળ માટે હતા.તે ભીષ્મ જયારે આ રણમાં રોળાયા છે ત્યારે હવે હું સર્વ વીરોને પણ રણમાં રોળાયેલા જ માનું છું.કર્મના અનિત્ય યોગથી આ જગતમાં કોઈ સ્થિર વસ્તુ જ નથી,છતાં,મહાવ્રતધારી ભીષ્મ જયારે આજે માર્યા ગયા છે ત્યારે 'આવતીકાલે સૂર્યનો ઉદય થશે' એમ કયો પુરુષ સંશયરહિત થઈને શ્રદ્ધા કરશે? (અર્થાંત મૃત્યુનો જય કરનારા પિતામહનું પણ જો મૃત્યુ થયું તો આપણે બધાને જીવવાની આશા તો શાની જ હોય?) વસુઓના જેવા પ્રભાવવાળા અને વસુઓના જેવા વીર્યથી ઉત્પન્ન થયેલા એ ભીષ્મ વસુ નામના દેવોની પાસે ચાલ્યા ગયા છે ત્યારે હવે તમે બધા તમારા ધન,પુત્ર,પૃથ્વી અને આ સમગ્ર સેનાનો શા માટે શોક કરો છો?' આમ કહી કર્ણ મનમાં અત્યંત દુઃખ પામ્યો ને નિસાસા નાખવા લાગ્યો.
કર્ણનાં વચન સાંભળીને તમારા પુત્રો અને સર્વ સૈનિકો મોટા શબ્દોથી પોક મૂકવા માંડ્યા ત્યારે કર્ણે કહ્યું-'આ જગત અનિત્ય છે અને હંમેશાં મૃત્યુ સામે જ દોડી રહ્યું છે' આમ વિચારતાં મને કોઈ પણ વસ્તુ સ્થિર જણાતી નથી,જો એમ ન હોય તો તમારા જેવા વીર પુરુષો પાસે ઉભા હોવા છતાં,ભીષ્મ રણમાં કેમ રોળાઈ પડ્યા?ભીષ્મ રોળાયા છે ત્યારે,જેમ,વૃક્ષો પર્વતને પણ ઉથલાવી પાડનાર પવનને સહન કરવા સમર્થ નથી તેમ,આ સર્વ રાજાઓ અર્જુનને સહન કરવા સમર્થ નથી છતાં,આ સૈન્યનું મારે સંગ્રામમાં રક્ષણ કરવું જ જોઈએ.આ બધો ભાર મારા માથે આવી પડ્યો છે ત્યારે હું શા માટે ભય રાખું? આ રણમાં ઘૂમીને હું મારા બાણોથી પાંડવોને યમરાજને ઘેર મોકલી દઈશ અને આ જગતમાં ઉજ્જવળ યશ પામીશ અથવા તો તે શત્રુઓથી માર્યો જઈને હું પૃથ્વીની પથારી કરીશ.
યુધિષ્ઠિરમાં ધીરજ,બુદ્ધિ,સત્ય અને પરાક્રમ છે,ભીમમાં સો હાથીનું બળ છે,અર્જુન ઇન્દ્રનો પુત્ર છે ને દેવો પણ તેને સહેલાઈથી જીતી શકે તેમ નથી,નકુલ-સહદેવ પણ સાક્ષાત યમરાજ સમા છે તેમ જ સાત્યકિ અને શ્રીકૃષ્ણ પણ છે.કોઈ કાયર પુરુષ તો એ સૈન્ય સામે જઈ જ શકે નહિ અને જો કદાચ જાય તો જીવતો પાછો ફરે નહિ.છતાં મારુ મન,શત્રુઓનું નિવારણ કરવામાં પર્વત સમાન અચલ છે.' એમ કહીને તે સારથિને કહેવા લાગ્યો કે-'હે સારથી,આમ મારુ મન,અનુકૂળ છે તેથી હું આજે શત્રુઓ સામે જઈને તેમના પ્રભાવને ખાળી દઈશ અને તેમને પરાજય પમાડીશ.આજે હું સત્પુરુષોને યોગ્ય શ્રેષ્ઠ કાર્ય કરીશ અને મારા પ્રાણોનો ત્યાગ કરીને ભીષ્મની પાછળ જઈશ કે સર્વ શત્રુઓને હણી નાખીશ.મારે દુર્યોધન માટે યુદ્ધ કરવું જ જોઈએ.
હવે તું મને કવચ પહેરાવ,માથે ટોપ પહેરાવ,ધનુષ્ય ધારણ કરાવ અને મારાં બાણોને સજાવીને બાણોના ભાથાં મારી પાછળ બાંધી દે.મારાં દિવ્ય ધનુષ્યો,તલવાર,શક્તિ,ગદાઓ અને શંખને લાવ.ઉત્તમ રથને તું ઘોડાઓ જોડીને ઝટ લઇ આવ.
વિજયમાળ લાવ ને વિજયને માટે રણભેરી વગડાવ ને જે સ્થળે પાંડવો ઉભા છે ત્યાં મને લઇ ચાલ.આજે તેમને સંગ્રામમાં હું હણીશ કે હું હણાઇને ભીષ્મની પાસે પહોંચી જઈશ.આજે હું અવશ્ય,તે પાંડવોના મધ્યમાં જઈશ,એથી હું અત્યારે જ કહી દઉં છું કે-જેઓ મિત્રદ્રોહી હોય,દુર્બળ ભક્તિવાળા હોય,પાપી હોય તે મારા સહાયક ન હો.' પછી,કૌરવો જેને પૂજી રહ્યા હતા તે કર્ણ,રથમાં બેઠો ને ત્યાંથી જ્યાં રણભૂમિ પર ભીષ્મ પડેલા હતા ત્યાં જઈ પહોંચ્યો.(37)
અધ્યાય-2-સમાપ્ત