(૭) દ્રોણ પર્વ
દ્રોણાભિષેક પર્વ
અધ્યાય-૧-ધૃતરાષ્ટ્ર પ્રશ્ન
મંગલાચરણ
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II
ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને
'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.
II जनमेजय उवाच II तमप्रतिमसत्वोजो बलवीर्यपराक्रमं I हतं देवव्रतं श्रुत्वा पांचाल्येन शिखंडीना II १ II
જન્મેજય બોલ્યા-હે વિપ્રર્ષિ,પાંચાલપુત્ર શિખંડીએ અજોડ ધૈર્ય,મનોબળ,શરીરબળ,વીર્ય અને પરાક્રમવાળા પોતાના પિતા દેવવ્રત ભીષ્મને હણી નાખ્યા છે,એ સાંભળીને ધૃતરાષ્ટ્રની આંખો શોકથી વ્યાકુળ થઇ હતી,તો પોતાના પિતા હણાઈ ગયા ત્યારે તેણે શું કર્યું?તેનો પુત્ર દુર્યોધન,ભીષ્મ-દ્રોણ આદિ પ્રમુખ મહારથીઓ દ્વારા પાંડવોને હરાવીને રાજ્ય ઈચ્છી રહ્યો હતો,તો સર્વ ધનુર્ધરોના શિરમોર એ ભીષ્મ માર્યા ગયા ત્યારે એ કુરુવંશીએ શું કર્યું?તે મને કહો.
વૈશંપાયન બોલ્યા-પોતાના પિતાને માર્યા ગયેલા સાંભળીને ધૃતરાષ્ટ્ર ચિંતા તથા શોકથી ઘેરાઈ ગયો અને તેને શાંતિ મળી નહિ.એટલામાં વિશુદ્ધ હૃદયનો સંજય આવી પહોંચ્યો ત્યારે અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રે તેને પૂછ્યું.તેના ઉત્તરમાં ભીષ્મનું મરણ સાંભળીને ધૃતરાષ્ટ્ર મનમાં અત્યંત દુઃખી થયો અને પોતાના પુત્રોના વિજયની ઈચ્છાથી અત્યંત વિલાપ કરવા લાગ્યો.(8)
ધૃતરાષ્ટ્ર બોલ્યો-હે સંજય,કાળથી પ્રેરાયેલા કૌરવોએ ભીષ્મનો શોક કરીને શું કર્યું?પાંડવોનું તે મહાઉગ્ર સૈન્ય તીવ્ર ભય ઉત્પન્ન કરે તેવું છે.દુર્યોધનના સૈન્યમાં એવો મહારથી પુરુષ કોણ છે કે તેનો આશ્રય કરીને યોદ્ધાઓ ત્રાસ ન પામે?
સંજય બોલ્યો-હે રાજન,સત્યપરાક્રમી ભીષ્મપિતામહ જયારે રણમાં રોળાઈ પડ્યા ત્યારે તમારા પુત્રો અને પંડવો જુદાજુદા વિચાર કરવા લાગ્યા.ક્ષાત્રધર્મનો વિચાર કરીને તેઓ વિસ્મય પામ્યા હતા તેમ હર્ષ પણ પામ્યા હતા.વળી,તેમણે પોતાના ધર્મની નિંદા કરીને અને અમાપ કર્મવાળા ભીષ્મને પ્રણામ કર્યા ને બાણશૈય્યા પર સૂતેલા તે ભીષ્મને અર્જુને બાણોનું ઉશીકું આપ્યું,ને તેમના રક્ષણ માટે ચારે બાજુ રક્ષકો મુક્યા.પછી પરસ્પર વાતચીત કરી,ભીષ્મની સંમતિ લઇ તેમની પ્રદિક્ષણા કરી.
પછી,ક્રોધથી લાલ થયેલી આંખોવાળા તે ક્ષત્રિયો ફરી યુદ્ધ માટે સજ્જ થયા,કારણકે તેઓ કાળ વડે જ પ્રેરાયેલા હતા.
ભીષ્મ પિતામહ વિનાના થઇ પડેલા તે સર્વ રાજાઓ ત્યાં મનમાં અત્યંત ઉદાસ થઇ ગયા હતા.કૌરવોની સેના જાણે નિસ્તેજ થઈને,નક્ષત્રવિહોણી રાત્રિ જેવી કે વાયુવિહોણા વાદળ જેવી થઇ ગઈ હતી.તે વખતે કૌરવોએ કર્ણનું સ્મરણ કર્યું,કારણકે તે ભીષ્મના જેવો જ પરાક્રમી હતો.રાજાઓ 'કર્ણ ઓ કર્ણ' એમ બૂમો મારવા લાગ્યા કેમકે ભીષ્મપિતામહ યુધ્ધે ચડ્યા હતા તે દશ દિવસ સુઘી કર્ણ ને તેના અમાત્યો યુદ્ધમાં ઉતર્યા નહોતા.બળવાન અને પરાક્રમશાલી મહારથીઓની ગણતરીના સમયે ભીષ્મપિતામહે સર્વ ક્ષત્રિયોના દેખતાં કર્ણને અર્ધરથી કહ્યો હતો ત્યારે કર્ણે ક્રોધથી તે વખતે ભીષ્મને કહ્યું હતું કે-
'તમે જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી હું ક્યારેય લડીશ નહિ,જો તમે કદાચ યુદ્ધમાં પાંડવોને મારી નાખશો તો હું દુર્યોધનની રજા લઈને વનમાં ચાલ્યો જઈશ અથવ જો તમે પાંડવોના હાથે મરીને સ્વર્ગે જશો તો તમે જેને મહારથી માણો છો તે બધાને હું કેવળ એક રથની મદદથી જ સંહારી નાખીશ' એમ કહીને તેણે દશ દિવસ સુધી યુદ્ધ કર્યું નહોતું.ભીષ્મ રણમાં પડ્યા ત્યારે તમારા પુત્રોએ તેનું સ્મરણ કરવા માંડ્યું.ને કહેવા લાગ્યા કે-'આ તારે પરાક્રમ કરવાનો સમય છે'
હે રાજન,જેમ,આપત્તિકાળમાં મનુષ્યોનું મન પોતાના બંધુ પ્રત્યે જાય તેમ,આપણા પક્ષના સૌનું મન પરશુરામે શિક્ષિત કરેલા તથા અસ્ત્રવિદ્યામાં અસહ્ય પરાક્રમવાળા તે કર્ણ પ્રત્યે ગયું.જેમ,ગોવિંદ જેમ નિરંતર દેવોનું ભયથી રક્ષણ કરવામાં સમર્થ છે તેમ,આપણા સર્વનું,આ મહાભયંકર રણમાં તે કર્ણ રક્ષણ કરવામાં સમર્થ છે.
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-આપણા સર્વ પક્ષનું મન,આમ જયારે કર્ણ પ્રત્યે ગયું ત્યારે તમે,પોતાના પ્રાણ પણ ઓવારી દેનારા એ શૂરવીર કર્ણને મળ્યા હતા?રક્ષણની ઈચ્છા કરનારા તે બધાઓના મનોરથને તે કર્ણે નિષ્ફળ તો કર્યા નહોતા ને ? ભીષ્મના જવાથી કૌરવોની અંદર જે અધૂરપ આવી ગઈ હતી તે ધનુર્ધરોમાં શ્રેષ્ઠ એવા કર્ણે યુદ્ધમાં પૂરી કરી હતી કે? કર્ણ લોકમાં પુરુષવ્યાઘ્ર કહેવાય છે,તો કૌરવોના રક્ષણ માટે એ કર્ણે પોતાના પ્રાણ પાથરીને અને મારા પુત્રોના વિજયની આશા સફળ કરી હતી કે?
અધ્યાય-1-સમાપ્ત