અધ્યાય-૧૨૨-અગીયારમો દિવસ-ભીષ્મ પાસે કર્ણની પ્રાર્થના
॥ संजय उवाच ॥ ततस्ते पार्थिवाः सर्वे जग्मुः स्वानालयान्पुन :I तूष्णीं भूते महाराज भीष्मे शांतनुनन्दने ॥१॥
સંજયે કહ્યું-એ પ્રમાણે શાંતનુપુત્ર ભીષ્મ જયારે શાંત થયા ત્યારે સર્વ રાજાઓ પોતપોતાના તંબુ તરફ ગયા.તે વખતે રાધાપુત્ર કર્ણ,થોડો ભયભીત થઈને ભીષ્મ પાસે ગયો.ભીષ્મને બાણશૈય્યામાં સુતેલા જોઈને તેના આંખમાં આંસુ ભરાઈ આવવાથી ગદગદ કંઠે તે ભીષ્મને સંબોધીને બોલ્યો કે-'હે કુરુશ્રેષ્ઠ,હંમેશાં તમારી નજર આગળ રહેનારો અને સર્વસ્થળે તમારા શત્રુ તરીકે રહેનારો હું રાધાપુત્ર કર્ણ,આપનાં દર્શને આવેલો છું' કર્ણનું વચન સાંભળીને ભીષ્મે પોતાની આંખો ઉઘાડીને આસપાસના ચોકીદારોને ખસી જવાનું કહ્યું ને પછી,એકાંતમાં એક હાથથી તેના હાથને હાથમાં લઈને સ્નેહપૂર્વક બોલ્યા-
'આવ,મારા પ્રતિસ્પર્ધી,કર્ણ આવ.તું હંમેશાં મારા પ્રતિ સ્પર્ધા કરે છે એ ખરું છે.પણ આ સમયે તું મારી પાસે આવ્યો નહોત તો તારું અવશ્ય તારું શ્રેય થાત નહિ.હે મહાબાહુ,તું રાધાનો પુત્ર નથી પણ કુંતીનો પુત્ર છે.તારા પિતા અધિરથ નથી પણ તું સૂર્યથી ઉત્પન્ન થયો છે.તારા સંબંધી આ વૃતાંત મેં નારદ અને વ્યાસ પાસેથી સાંભળેલું છે,તે સત્ય છે એમાં જરાયે સંશય નથી.બેટા,હું તને સત્ય કહું છું કે મને તારા પર દ્વેષ નથી પરંતુ તું વિના કારણે પાંડવો તરફ આક્ષેપ ને દ્વેષ કર્યા કરતો હતો ત્યારે તારું પાણી ઉતારવા માટે હું તને કઠોર વચનો કહ્યા કરતો હતો.
જે કારણથી દુર્યોધન તને વારંવાર પ્રેરણા કરતો હતો અને જે કારણથી કુંતીએ કન્યાવસ્થામાં ધર્મનો લોપ કરીને તને ઉત્પન્ન કર્યો છે,તે કારણથી -તથા વધારામાં નીચ પુરુષોનો આશ્રય કરવાથી તારી બુદ્ધિ,આવી રીતે ગુણવાનો તરફ દ્વેષ અને મત્સરવાળી થઇ છે,જે બુદ્ધિના કારણથી જ હું તને કુરુસભામાં કઠોર વાક્યો સંભળાવતો હતો.બાકી તારું યુદ્ધમાં શત્રુઓથી સહન ન થઇ શકે તેવું,પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલું પરાક્રમ હું જાણું છું.
વળી,તારી બ્રાહ્મણો તરફની ભક્તિ,શૌર્ય અને દાન કરવામાં ઉત્કૃષ્ટ સ્થિતિ,એ પણ મારા જાણવામાં છે.પુરુષોમાં તારા સરખો અન્ય કોઈ બીજો પુરુષ નથી પરંતુ મારા કુરુકુળમાં માંહોમાંહે ફાટફૂટ થશે એવા ભયથી હું તને કઠોર વચન કહ્યા કરતો હતો.બાણ યોજવામાં.અસ્ત્રોનું સંધાન કરવામાં,હસ્તકૌશલમાં તથા અસ્ત્રોમાં તું અર્જુન અને શ્રીકૃષ્ણ સરખો જ છે.
તારા પ્રત્યેનો મારો પૂર્વકાળનો જે કોપ હતો તે આજે દૂર થયો છે.થવાનું હતું તે થઇ ગયું છે કારણકે દૈવને-પ્રારબ્ધને,પુરુષાર્થ કર્યા છતાં પણ ઉલ્લંઘન કરી શકાતું નથી.ભાવિ મિથ્યા થતું નથી,માટે હે કર્ણ,પાંડવો અને તું એ છ એ જણા એક જ ઉદરમાં જન્મેલા સગા ભાઈઓ છો,માટે જો તું મારુ પ્રિય કરવા માંગતો હોય તો તેમની સાથે સલાહ કર.મારા મરણની સાથે તમારું વૈર સમાપ્ત થવા દે અને પૃથ્વીના સર્વ રાજાઓનું આજે કુશળ થવા દે'
કર્ણે કહ્યું-હે મહાબાહુ,આપ જે પ્રમાણે કહો છે તે પ્રમાણેનો સર્વ વૃતાંત મારા જાણવામાં છે.અવશ્ય હું સૂર્યથી કુંતા વિષે ઉત્પન્ન થયેલો કુંતાપુત્ર છું,એમાં જરા પણ સંશય નથી.પણ,મને કુંતીએ જન્મ આપીને તજી દીધેલો છે ને અધિરથ સુતે મને ઉછેરીને મોટો કર્યો છે અને મેં આજ સુધી દુર્યોધનના ઐશ્વર્યનો ઉપભોગ કરીને મોજશોખ કર્યો છે ને તેનું નિમક ખાધું છે તો હવે હું તેનું ખાધેલું મિથ્યા કરવા ઉત્સાહ કરી શકતો નથી.શ્રીકૃષ્ણ જેમ અર્જુન માટે વ્રત લઇ બેઠા છે તેમ મેં પણ મારુ આ શરીર,ધન,પુત્ર,
સ્ત્રી યશ આદિનો દુર્યોધન માટે ત્યાગ કર્યો છે.મારુ શરીર દુર્યોધનના માટેના યુદ્ધમાં ભલે મરણ પામે તેવો મારો વિચાર છે.
મેં દુર્યોધનનો આશ્રય કરીને પાંડવોને હંમેશા કોપાવ્યા છે અને આ ભાવિ અવશ્ય બનવાનું હશે,કે જેને અટકાવી શકાય તેમ હતું નહિ.હે પિતામહ,તમને પ્રથમથી જ પૃથ્વીનો નાશ સુચવનારાં નિમિત્તો જાણવામાં આવ્યાં હતા,કે જેને તમે સભા વચ્ચે કહ્યાં પણ હતાં.હું સારી રીતે જાણું છું કે મનુષ્યોથી પાંડવો ને વાસુદેવ જીતી શકાય તેમ નથી,છતાં અમે તેમની સામે લડીશું,મારુ મન સાક્ષી પુરે છે કે હું પાંડવોને જીતી શકીશ.આ દારુણ વૈર હવે છોડતાં છૂટે તેમ નથી.
મારા ક્ષત્રિય ધર્મમાં રહી,પ્રસન્ન મનથી હું અર્જુન સામે યુદ્ધ કરીશ,હે તાત,તમારી આજ્ઞા લીધા પછી જ મારે યુદ્ધ કરવું એવો મારો વિચાર છે,તો મને આજ્ઞા આપો.મારાથી કંઈ ન બોલવાનું બોલાઈ ગયું હોય,કે કોઈ વિપરીત આચરણ થયું હોય તો તે સઘળાની આપ હવે મને ક્ષમા આપો'
ભીષ્મે કહ્યું-હે કર્ણ,હું જાણું છું કે આ વૈર છોડાયું છોડાય તેમ નથી તેથી હું તને યુદ્ધ કરવાની આજ્ઞા આપું છું,સ્વર્ગની ઈચ્છા રાખીને સુખેથી યુદ્ધ કર.જરા પણ કોપ રાખ્યા વિના,મનમાં દ્વેષ લાવ્યા વિના તારી શક્તિ ને ઉત્સાહ પ્રમાણે યુદ્ધ કરીને તારો જન્મ સફળ કર.તું જે ઈચ્છતો હોય તે પામ.સ્વર્ગ-આદિ લોકને તું અર્જુનના હાથે પામીશ.તું અહંકારરહિત થઈને,છળકપટરૂપ અધર્મથી રહિત થઈને ધર્મયુદ્ધ કરજે કેમ કે ક્ષત્રિય માટે તે વિના બીજું કોઈ કલ્યાણ નથી.મેં સલાહસંપ માટે અનેક પ્રયત્નો કર્યા પણ સંપ કરાવવા શક્તિમાન ના થયો,મને લાગે છે કે દૈવેચ્છા બળવાન છે.'
પછી,કર્ણ તેમને વંદન કરી ત્યાંથી ગયો.(39)
અધ્યાય-122-સમાપ્ત
ભીષ્મ પર્વ સમાપ્ત