Dec 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1005

 

અધ્યાય-૧૨૧-અગીયારમો દિવસ-ભીષ્મનો દુર્યોધનને ઉપદેશ


॥ संजय उवाच ॥ वयुष्टायां तु महाराज शर्वर्या सर्वपार्थिवाः I पांडवा धार्तराष्टाश्च उपातिष्ठन पितमहम् ॥१॥

સંજયે કહ્યું-હે મહારાજ,રાત્રી વીતી ગયા પછી જયારે સવાર થયું ત્યારે પાંડવ-કૌરવ આદિ સર્વ રાજાઓ પુનઃ પિતામહ સામે આવીને ઉભા.કૌરવ અને પાંડવો યુદ્ધ કરવું પડતું મૂકીને કવચો તથા આયુધો ઉતારીને અન્યોન્ય તરફ પ્રેમવાળા થઈને પોતપોતાની યોગ્યતા પ્રમાણે અનુક્રમે સર્વે ભીષ્મની આસપાસ બેઠા.એ સમયે,બાણોથી વ્યાપ્ત થયેલા ભીષ્મ,પોતાને થતી વેદનાને ધૈર્યથી નિયમમાં રાખીને નિશ્વાસ મૂકીને સર્વ રાજાઓ સામે જોઈને બોલ્યા 'પાણી લાવો' ત્યારે સર્વ ક્ષત્રિયો દોડીને શીતળ જળના કળશો લઇ આવ્યા.પણ ભીષ્મે કહ્યું-'મારે અર્જુનને મળવાની ઈચ્છા છે'

એ વાક્ય સાંભળતાં જ અર્જુન તેમની પાસે આવીને વંદન કરીને નમ્રતાથી બોલ્યો-હે પિતામહ,શી આજ્ઞા છે? હું તમારું શું પ્રિય કરું?'ત્યારે ભીષ્મ પ્રસન્ન થઈને તેને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,મારુ મુખ સુકાય છે અને મારુ શરીર અત્યંત બળે છે.યથાવિધિ જળ પ્રદાન કરવાને માટે તું જ સમર્થ છે માટે તું મને પાણી આપ' અર્જુને કહ્યું-'જેવી આપની આજ્ઞા' એમ કહીને તેણે ગાંડીવ પર મંત્ર ભણીને પર્જન્યાસ્ત્રનો પ્રયોગ કરીને,જમીનને બાણ વડે વીંધી,એટલે તરત જ પૃથ્વીમાંથી સુંદર,નિર્મલ,ઠંડી અને અમૃતસમાન દિવ્યરસના ગંધવાળી પાણીની ધારા ઉછળવા લાગી.કે જે શીતળ ધારાથી અર્જુને પિતામહને તૃપ્ત કર્યા.અર્જુનનું આ મનુષ્યોથી ન બની શકે તેવું પરાક્રમ જોઈને ત્યાં બેઠેલા સર્વ રાજાઓ,પ્રેમ વિસ્મય પામ્યા.


ચારે તરફ,શંખ અને દુંદુભીઓનો તુમુલ ઘોષ થઇ રહ્યો.તૃપ્ત થયેલા ભીષ્મ,સર્વ રાજાઓની સમક્ષ અર્જુનના વખાણ કરતા કહેવા લાગ્યા કે-'હે અર્જુન,તું આવું અદભુત કર્મ કરી દેખાડે તેમાં કોઈ આશ્ચર્ય નથી.નારદે તને પૂર્વે ઋષિ (નર) તરીકે વર્ણવેલો છે,તું વાસુદેવ (નારાયણ)ની સહાયથી મહાન કર્મ કરી શકે તેમ છે.જેઓ દેવરહસ્યને જાણનારા છે તેઓ તો તને બરાબર જાણે જ છે કે તું સર્વ ક્ષત્રિયોના સાક્ષાત કાળરૂપ છે.તું ધનુર્ધરોમાં શ્રેષ્ઠ છે.મેં અને વિદુરે આ સંબંધમાં દુર્યોધનને બહુ વાક્યો કહ્યાં છે,પણ તેણે તે સાંભળ્યાં જ નહિ.તેમ જ દ્રોણાચાર્ય,પરશુરામ,શ્રીકૃષ્ણ અને સંજયે પણ વારંવાર કહ્યું છે છતાં વિપરીત બુદ્ધિવાળા તથા લગભગ ભાન વિનાના થયેલા દુર્યોધને કોઈના વચન પર શ્રદ્ધા રાખી નહિ,હવે શાસ્ત્રોનું ઉલ્લંઘન કરનારો તે ભીમસેનથી પરાભવ પામીને રણભૂમિમાં દીર્ઘ નિંદ્રામાં શયન કરશે' આ સાંભળી દુર્યોધન ઉદાસીન થઇ ગયો.


ત્યારે ભીષ્મ દુર્યોધનના તરફ જોઈને બોલ્યા-'હે દુર્યોધન,હજી પણ સમજ,પાંડવો પરના ક્રોધને છોડી  દે.તેં તારી નજરે જોયું ને?તેણે અમૃતસમાન શીતળ જલધારા પૃથ્વીમાંથી ઉત્પન્ન કરી આપી.આવું પરાક્રમ કરનાર આ લોકમાં બીજો કોઈ નથી.

સર્વ દેવોનાં દૈવી અસ્ત્રોને આ મનુષ્યલોકમાં એક અર્જુન જ જાણે છે.અર્જુનને કોઈ પણ રીતે યુદ્ધમાં જીતી શકાય તેમ નથી.કેમ કે શ્રીકૃષ્ણ તેની સાથે છે.આવા અર્જુનની સાથે સંધિ થવા દે વિલંબ કર નહિ.હે પુત્ર,જ્યાં સુધી શ્રીકૃષ્ણ તારા પર કોપાયમાન થયા નથી ત્યાં સુધી અર્જુન સાથે તારે સંધિ કરવી યોગ્ય છે.


જ્યાં સુધીમાં અર્જુન તારી સેનાનો તારા બચેલા ભાઈઓ સાથે સંહાર કરી ના નાખે ત્યાં સુધી તું સંધિ કરી લે.વળી,એ જ રીતે તેના પાંડવ ભાઈઓ પણ તારી સેનાનો નાશ કરી નાખે તે પહેલાં તેમની સાથે સંધિ કર,કેમ કે તેમાં જ તારું કલ્યાણ થશે એમ હું માનું છું.મેં તને જે આ વાક્યો કહ્યાં છે તેને તું પસંદ કર.ક્રોધનો ત્યાગ કરીને પાંડવોની સાથે શાંત થા.અર્જુને જે આ પરાક્રમ કરી બતાડ્યું છે તે તને ચેતવા માટે પૂરતું છે.મારા મરણ પછી પણ તમારામાં પ્રેમભાવ થવા દે અને બાકી રહેલાંને નિરાંતે જીવવા દે.એમનું અર્ધું રાજ્ય આપી દે.ધર્મરાજા ભલે ઇન્દ્રપ્રસ્થ ભણી જાય.મિત્રદ્રોહી ન થા,હું તને સત્ય કહું છું કે જો તું મારું વચન નહિ માને તો રાજાઓમાં નીચ તરીકે ગણાઇશ ને અપકીર્તિને પામીશ.સમયને યોગ્ય એવાં મારાં આ વચનોને,મોહવિષ્ટ થયેલો તું મંદબુદ્ધિથી સ્વીકારીશ નહિ તો યાદ રાખજે તારે અંતે પસ્તાવું પડશે.અને વધારામાં એ પણ સમજી લેજે કે તમે બધા આ યુદ્ધની સમાપ્તિ સુધીના જ આ જગતના પરોણા છો.આ વાણી હું સત્ય કહું છું'


ગંગાપુત્ર ભીષ્મ આમ,સર્વ રાજાઓના મધ્યમાં,પ્રેમપૂર્વક દુર્યોધનને વચનો સંભળાવીને,પોતાની વેદનાને સહન કરીને પોતાના આત્માને યોગધારણામાં જોડી દઈને શાંત થયા.ભીષ્મનાં એ નિર્દોષ,હિતાવહ વચનો તમારા પુત્રે લક્ષ્યપૂર્વક સાંભળ્યાં,છતાં પણ જેમ,મરણ પથારીએ પડેલા મનુષ્યને હિતાવહ એવું ઔષધ ગમતું નથી,તેમ,તેને આ વાક્યો ગમ્યાં નહિ (57)

અધ્યાય-121-સમાપ્ત