Dec 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1004

 

અધ્યાય-૧૨૦-દશમો દિવસ (ચાલુ) અર્જુને ભીષ્મને આપેલું ઉશીકું 


॥ धृतराष्ट्र उवाच ॥ कथमासस्तदा योधा हिन भीष्मेण संजय I बलिना देवकल्पेन गुर्वर्थे ब्रह्मचारिणा ॥१॥

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પોતાના પિતા માટે બ્રહ્મચારી થયેલા,દેવ સરખા બળવાન એવા એ ભીષ્મ વિનાના થયેલા મારા યોદ્ધાઓની શી દશા થઇ? ભીષ્મે 'આ સ્ત્રી છે' એમ માનીને જયારે શિખંડી પર પ્રહાર ન કર્યો ત્યારે જ મેં માની લીધું કે કૌરવો,પાંડવોના હાથે માર્યા ગયા.અરેરે,અફસોસની વાત છે કે,આથી વધારે હું બીજું કયું દુઃખ માનું કે દુષ્ટ બુદ્ધિવાળો હું આજે મારા પિતાને મરણ પામેલા સાંભળું છું.અવશ્ય મારું હૃદય કેવળ લોખંડનું જ બનેલું છે કારણકે આજે મારા પિતા ભીષ્મને મુએલા સાંભળીને તે સો કકડા થઈને ચિરાઈ જતું નથી.મારા પિતા દેવવ્રત,રણમાં મરણ પામ્યા,એ વિચારને મનમાં લાવતાં મને એટલું બધું દુઃખ થાય છે કે જે હું સહન કરી શકતો નથી.અરેરે,જે ભીષ્મને પૂર્વે પરશુરામ પોતાના દિવ્ય અસ્ત્રોથી મારી શક્યા  ન હતા તેમને આજે પાંચાલપુત્ર શિખંડીએ મારી નાખ્યા !!(ઘણું જ આશ્ચર્ય ને અફસોસ)

સંજયે કહ્યું-લગભગ સાયંકાળ થતાં,કૌરવોને ખેદ પમાડતા,પિતામહ ભીષ્મ,ઘવાઈને રણભૂમિ પર પડ્યા ત્યારે પાંચાલોએ હર્ષ કર્યો.એ પિતામહ પૃથ્વીને સ્પર્શ ન કરતા,માત્ર બાણો પર જ સુતા હતા.હે રાજન,ત્યારે કૌરવ અને પાંડવ સેનામાં રહેલા ક્ષત્રિયોને ભયાવેશ થયો.ભીષ્મના પતન સમયે આકાશ અંધકારથી આવૃત્ત થઇ ગયું,સૂર્ય ઝાંખો પડી ગયો અને પૃથ્વી જાણે આર્તનાદ કરવા લાગી.સિદ્ધ અને ચારણો સહીત ઋષિઓ માંહેમાંહે વાતો કરવા લાગ્યા કે-'આ ભીષ્મની મહત્તાનું શું વર્ણન કરવું?એમને પૂર્વે પિતાને કામથી પીડિત થયેલા જાણીને,તેમને સંતોષ પમાડવા માટે પરણવાની સંમતિ આપી હતી,ને પોતે (પોતાને કોઈ પુત્ર ન થાય-કેમકે તે કદાચ જો થાય તો રાજા બને-તે માટે) જીવન પર્યન્ત બ્રહ્મચારી રહયા છે'


આ પ્રમાણે ઋષિઓ ભીષ્મની સ્તુતિ કરતા હતા ત્યારે તમારા સર્વ પુત્રો 'હવે શું કરવું' એ સંબંધમાં કંઈ પણ જાણી શકતા નહોતા.તેઓની કાંતિ હરાઈ ગઈ હતી અને શરમના માર્યા નીચે મુખે ઉભા હતા.તે સમયે પાંડવસૈન્યમાં હર્ષનાં વાજિંત્રો વાગી રહ્યાં હતાં.ભીમ,પોતાના મહાબળવાન શત્રુને રણભૂમિ પર પડેલો જોઈને હર્ષથી ક્રીડા કરતો જોવામાં આવતો હતો.તે વેળા માત્ર કૌરવોને જ તુમુલ ગભરાટ થઇ રહ્યો હતો.કર્ણ ને દુર્યોધન વારંવાર નિશ્વાસ નાખી રહયા હતા.સર્વ સૈન્યોમાં મોટી અવ્યવસ્થા થઇ રહી.દુઃશાસન,એકદમ વેગપૂર્વક દ્રોણાચાર્યની પાસે ગયો ને તેમને ભીષ્મના સમાચાર કહ્યા.દ્રોણને એકદમ મૂર્છા આવી ગઈ પણ સાવધ થઈને તેમણે પોતાના સૈન્યોને પાછા વાળવાની આજ્ઞા આપી.


ત્યારે કૌરવોને યુદ્ધમાંથી નિવૃત્ત થયેલા જોઈ,પાંડવોએ પણ પોતાના સૈન્યોને યુદ્ધ કરતા અટકાવ્યા ને પાછા વાળ્યા.પછી,સર્વ રાજાઓ પોતાના કવચો ઉતારીને ભીષ્મ પાસે આવવા લાગ્યા.એ પ્રમાણે સર્વ પાંડવો તથા કૌરવો ભીષ્મની બાણશૈય્યા પાસે આવીને ઉભા ત્યારે તેમને જોઈને ભીષ્મે કહ્યું-'હે મહારથીઓ તમે ભલે આવ્યા.તમારા દર્શનથી હું પ્રસન્ન થયો છું.મારુ મસ્તક અત્યંત લટકી રહ્યું છે માટે તેને ઊંચું કરવા માટે મને ઉશીકું આપો' તે સાંભળી સર્વ રાજાઓ સારાં સારાં ઉશીકાં લાવ્યા,પણ પિતામહે તેને લેવાની ઈચ્છા કરી નહિ અને જાણે હસતા હોય તેમ મુખ મલકાવીને તે રાજાઓને કહેવા લાગ્યા કે-'હે રાજાઓ તમે લાવેલાં આ ઉશીકાં વીરશય્યાને લાયક નથી'ને પછી તેમણે અર્જુન પ્રતિ જોઈને તેને કહ્યું કે-'હે અર્જુન,મારુ મસ્તક લટકી રહેલું છે તો આ વીરશય્યાને યોગ્ય એવું જે ઉશીકું તું માનતો હોય તે મને આપ.તું સર્વ ધનુર્ધરોમાં શ્રેષ્ઠ છે,સમર્થ છે,ક્ષાત્રધર્મને જાણનારો છે,ને બુદ્ધિ તથા ધૈર્યનાં ગુણોથી યુક્ત છે'


ત્યારે અર્જુને 'જેવી આપની આજ્ઞા' કહીને ગાંડીવને હાથમાં પકડીને ત્રણ બાણો મસ્તક આગળ મૂકીને તેમના મસ્તકને ઊંચું કર્યું.અર્જુન પોતાના અભિયપ્રાયને સમજી ગયો,એ જોઈને ભીષ્મ તેને પર અત્યંત પ્રસન્ન થયા ને કહ્યું-'હે અર્જુન,તેં મારા અભિપ્રાયને જાણીને મને આ શય્યાને યોગ્ય ઓશીકું આપ્યું છે.ધર્મની અંદર સ્થિર રહેનાર ક્ષત્રિયે,આ જ પ્રમાણે બાણશૈય્યા પર સૂવું જોઈએ.હે ક્ષત્રિયો આ સૂર્ય દક્ષિણાયનના મટીને ઉત્તરાયણના થશે ત્યાં સુધી હું આ શય્યામાં સુઈ રહીશ.મારા નિવાસ પાસે ખાઈઓ ખોદાવો.ત્યાં સુધીના કાળમાં હું (ત્યાં) સૂર્યનું ઉપાસન કરીશ'


ત્યારે બાણોને ખેંચી નાખવામાં કુશળ ઉપાધ્યાયો,વૈદ્યો આદિ ઉપચાર કરવાનાં સર્વ સાધનો સહીત ત્યાં આવી પહોંચ્યા,ત્યારે તેમને જોઈને ભીષ્મએ કહ્યું કે-'ધન આપીને આ વૈદ્યોને અહીંથી વિદાય કરો.આ સ્થિતિમાં હવે મને વૈદ્યોનું શું પ્રયોજન છે?ક્ષાત્રધર્મમાં જે ગતિ વખણાય છે,તે પરમ ગતિને હું પામી ગયો છું.આ બાણશૈય્યામાં રહેલા મારે ઔષધ ઉપચાર કરાવવા તે મારો ધર્મ નથી.હે રાજાઓ,આ શરીરમાં રહેલાં બાણોને કાઢ્યા વિના જ,બાણો સાથે જ મારો અગ્નિસંસ્કાર કરજો'

ત્યાં ઉભેલા અનેક દેશના રાજાઓ ભીષ્મની,ધર્મની અંદર  આવી ઉત્કૃષ્ટ સ્થિત જોઈ આશ્ચર્ય પામી ગયા.પછી,સંધ્યાકાળ થતાં સર્વ પાંડવો અને કૌરવો,ભીષ્મને વંદન કરીને તેમને ત્રણ પ્રદિક્ષણા કરી,તેમની ચારે બાજુ પહેરેગીરો મૂકીને,શોકથી આતુર થયેલા તેઓ પોતપોતાના તંબુઓ ભણી ગયા,ને આરામ કરવા લાગ્યા.


તે વખતે શ્રીકૃષ્ણ,યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-'હે મહારાજ,બહુ સારું થયું કે આજે તમે ભીષ્મને પાડીને જયને પામ્યા છો.સત્ય પ્રતિજ્ઞાવાળા તથા સર્વ શાસ્ત્રોનો પર પામેલા એ મહારથી ભીષ્મ મનુષ્યોથી તો અવધ્ય જ હતા.પરંતુ માત્ર દૃષ્ટીપાતથી જ શત્રુઓને હણી નાખનાર એવા તમારી સામે આવીને તમારા ઘોર નેત્રરૂપ અગ્નિથી તે બળી ગયા છે' ત્યારે યુધિષ્ઠિર બોલ્યા કે-'હે કેશવ,જેઓનું તમે રક્ષણ કરનારા છો તેઓનો સંગ્રામમાં વિજય થાય એમાં કંઈ આશ્ચર્ય નથી'ત્યારે શ્રીકૃષ્ણે હસીને કહ્યું કે-'હે રાજન,આવા નિરાભિમાનના શબ્દો ખરેખર તમારા જેવા યોગ્ય પુરુષો જ બોલી શકે છે' (71)

અધ્યાય-120-સમાપ્ત