Dec 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1003

 

અધ્યાય-૧૧૯-દશમો દિવસ (ચાલુ) ભીષ્મ પડ્યા 


॥ संजय उवाच ॥ एवं ते पांडवा सर्वे पुरस्कृत्य शिखंडीनम् I विव्यधुः समरे भीष्मं परिवार्य समंततः ॥१॥

સંજયે કહ્યું-એ પ્રમાણે સર્વ પાંડવ યોદ્ધાઓ શિખંડીને આગળ કરીને,ચારે બાજુથી ભીષ્મને ઘેરી લઈને બાણોથી વીંધતા હતા,ત્યારે ભીષ્મનું બખ્તર અનેક સ્થળેથી ભેદાઈ ગયું હતું.તેમનાં મર્મસ્થાનો ભેદાઈ જતાં હતા છતાં પણ તે વ્યથા પામ્યા ન હતા.ત્યાર પછી,દ્રુપદરાજ અને ધૃષ્ટકેતુને પણ નહિ ગણકારીને પિતામહ,પાંડવ સેનાના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા.ત્યારે સાત્યકિ,ભીમસેન,અર્જુન,દ્રુપદ આદિ મહારથીઓએ તેમને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યા.પણ સામે તે મહારથીઓને અસંખ્ય બાણો છોડીને ભીષ્મ તેમને પણ પીડવા લાગ્યા હતા.

તે પછી,અર્જુન,શિખંડીને આગળ કરીને ભીષ્મ સામે દોડી ગયો,ને ત્યાં જતાં વેંત જ તેણે તેમનું ધનુષ્ય કાપી નાખ્યું.ત્યારે દ્રોણ,કૃતવર્મા,જયદ્રથ,ભૂરિશ્રવા,શલ,શલ્ય અને ભગદત્ત-આ સાત યોદ્ધાઓ અર્જુન સામે ધસી ગયા.તેમની સામે અર્જુનની મદદે આવેલા પાંડવ પક્ષના સાત્યકિ,ભીમ,ધૃષ્ટદ્યુમ્ન,વિરાટરાજ,દ્રુપદ,ઘટોત્કચ,અને અભિમન્યુ-એ સાત યોદ્ધાઓ તેમની સામે યુદ્ધ કરવા લાગ્યા.તેમની વચ્ચે તુમુલ યુદ્ધ થયું.શિખંડીએ કપાઈ ગયેલા ધનુષ્યવાળા ભીષ્મને અને તેમના સારથિને દશ દશ બાણો વડે વીંધી તેમની ધ્વજા ઉડાડી દીધી.ભીષ્મે નવું ધનુષ્ય હાથમાં લીધું,ત્યારે અર્જુને ફરી તેને તોડી નાખ્યું.

વારંવાર પોતાના ધનુષ્યોનું છેદન થતું જોઈને ભીષ્મએ ક્રોધમાં આવી એક શક્તિ અર્જુન તરફ ફેંકી.


અર્જુને,તે શક્તિ સામે પાંચ બાણોનું સંધાન કરી તે શક્તિના પાંચ ટુકડા કરી નાખ્યા,ને તે શક્તિ વીજળીની જેમ કડકડાટ કરતી પૃથ્વી પર પડી.પોતાની શક્તિના ટુકડા થયેલા જોઈને ભીષ્મ વિચાર કરવા લાગ્યા કે-'જો શ્રીકૃષ્ણ પાંડવોનું રક્ષણ કરનાર ન હોત  તો હું એકલો એક ધનુષ્યથી જ પાંડવોનો નાશ કરવા સમર્થ છું,પણ હવે બે કારણથી હું પાંડવો સામે યુદ્ધ નહિ કરું કેમ કે તે પાંડવો અવધ્ય છે અને બીજું આ શિખંડી સ્ત્રી છે.પૂર્વે સત્યવતીની સાથે વિવાહ કરતી વખતે પ્રસન્ન થયેલા મારા પિતાએ મને બે વરદાન આપેલાં છે.એક તો ઇચ્છામાં આવે ત્યારે (મારે) મરવું અને બીજું હું રણમાં અવધ્ય રહીશ.મને લાગે છે કે મારા મૃત્યુનો યોગ્ય સમય આજ છે' ભીષ્મનો આવો નિશ્ચય જાણીને ઋષિઓ ને વસુઓ તેમને કહેવા લાગ્યા કે-'હે તાત,તમારો વિચાર અમને પણ પ્રિય છે.તે જ પ્રમાણે કરો,ને હવે યુદ્ધમાંથી બુદ્ધિને વારી લો'


આ દૈવી વાક્યની સમાપ્તિ થતા જ માંગલિક સુગંધી વાયુ પ્રગટ થયો,દેવોનાં દુંદુભિઓ વાગવા લાગ્યાં ને ભીષ્મ પર દૈવી પુષ્પવૃષ્ટિ થઇ.હે રાજન,વસુઓ અને ઋષિઓ જે બોલ્યા હતા તેને ત્યાં ભીષ્મ સિવાય કોઈ સાંભળી શક્યું નહોતું,પણ વ્યાસમુનિના વરદાનના પ્રભાવથી માત્ર હું જ તે સાંભળી શક્યો હતો.હે રાજન,'સર્વ લોકને પ્રિય એવા ભીષ્મ હમણાં રથ પરથી ગબડી પડશે'એમ વિચારતા દેવોને તે સમયે મહાન દુઃખ થયું હતું.દેવોના વાક્યોને સાંભળીને,ભીષ્મ,પોતે તીક્ષ્ણ બાણોથી વીંધાતા હતા છતાં તે અર્જુન સામે યુદ્ધ કરતા નહોતા.ત્યારે શિખંડીએ નવ બાણોથી તેમની છાતી પર પ્રહાર કર્યો ને અર્જુને પ્રથમ પચીસ ને પછી સો બાણો મૂકીને ભીષ્મના સર્વ અંગોમાં તથા સર્વ મર્મસ્થાનોમાં માર માર્યો.બીજા યોદ્ધાઓ પણ અનેક પ્રકારે તેમને વીંધી રહ્યાં હતા.અર્જુને આગળ ધસીને ભીષ્મના નવા ધનુષ્યને તોડી નાખ્યું.પિતામહે તે પછી જેટજેટલાં ધનુષ્યો હાથમાં લીધાં તે સર્વને અર્જુન બહુ સલુકાઈથી તોડી પાડતો હતો,એટલે છેવટે ભીષ્મે,અર્જુન સામે યુદ્ધ કરવું પડતું મૂક્યું.ત્યારે પણ અર્જુને પચીસ ક્ષુદ્રક બાણોનો ભીષ્મ પર પ્રહાર કર્યો.


ભીષ્મ આમ અત્યંત વીંધાયા ત્યારે તે દુઃશાસનને કહેવા લાગ્યા કે-'આ ક્રોધાયમાન અર્જુન,અનેક બાણોથી મને જ હણી રહ્યો છે.આ અર્જુનને સાક્ષાત ઇન્દ્ર પણ યુદ્ધમાં જીતી શકે નહિ.તેમ જ મને પણ ઇન્દ્ર સહીત દેવો કે દાનવો જીતવા સમર્થ નથી તો મનુષ્યવતારી આ મહારથીઓનો શો ભાર છે?' ભીષ્મ આમ વાત કરતા હતા ત્યારે અર્જુને શિખંડીને આગળ કરીને ફરી તેમને તીક્ષ્ણ બાણો વડે વીંધ્યા.ભીષ્મે મોં મલકાવીને દુઃશાસનને કહેવા લાગ્યા કે-'અર્જુને તીક્ષ્ણ બાણોથી મને અત્યંત વીંધી નાખ્યો છે.મારા કવચને તોડી પાડીને ઘૂસી જતાં આ બાણો,શિખંડીના નથી,પણ અર્જુનના જ છે.અર્જુન સિવાયના બીજા રાજાઓ એકત્ર થઈને પણ મને દુઃખી કરી શકે તેમ નથી.'


આમ બોલતા તે ભીષ્મે કોપાયમાન થઈને અર્જુન સામે એક શક્તિ ફેંકી.જે શક્તિને,અર્જુને સર્વ કુરુવીરોના દેખતાં,ત્રણ બાણોથી ટુકડા કરી નાખી.ત્યારે મૃત્યુ કે જય-એ બેમાંથી એકને મેળવવા ઇચ્છતા ભીષ્મે સોનેથી મઢેલી ઢાલ ને તલવાર હાથમાં લીધી ને રણમાંથી ઉતરવા જતા હતા તે વખતે જ અર્જુને,બાણો મૂકીને તે ઢાલના સો ટુકડા કરી નાખ્યા.હે રાજન,તે ઘણું આશ્ચર્ય જેવું બન્યું હતું.ત્યાર પછી યુધિષ્ઠિરના કહેવાથી તેમના સૈન્યના સર્વ યોદ્ધાઓ અનેક પ્રકારના અસ્ત્રો લઈને,તે એકલા ભીષ્મ સામે ધસ્યા.તે સમયે પાંડવ સૈન્યમાં સર્વત્ર સિંહનાદ થઇ રહ્યો હતો.તથા ભીષ્મના જયની ઈચ્છાથી તમારા પુત્રો પણ ગર્જના કરતા હતા.ભીષ્મનું રક્ષણ કરતા તેઓ શત્રુ સામે તુમુલ યુદ્ધ કરી રહ્યા હતા.


હે રાજન,દશમા દિવસના ભીષ્મ અને અર્જુનના સમાગમમાં,એક મુહૂર્ત સુધી અન્યોન્યનો સંહાર કરતા એ યોદ્ધાઓનો,તે સમય રૂવાં ખડાં કરી દે તેવો હતો.લોહીથી છંટાયેલી આખી રણભૂમિ ભયંકર સ્વરૂપવાળી થઇ ગઈ હતી.તે સમયે સૈન્યના મોખરા પર ઉભેલા અર્જુને,કૌરવ સેનાના મધ્ય ભાગમાં પ્રવેશ કરીને સેનાને નસાડવા માંડી હતી.છતાં,સૌવીરો,ત્રિગર્તો,કૈકયો આદિ-અનેક યોદ્ધાઓ અર્જુનના બાણોથી પીડાતા હોવા છતાં,ભીષ્મને છોડી ગયા નહોતા.અનેક પાંડવ યોદ્ધાઓએ સર્વ કૌરવોને હાંકી કાઢીને ભીષ્મ પર જ બાણોનો વરસાદ કરીને તેમને ઢાંકી દેવા માંડ્યા હતા.તે સંગ્રામમાં ભીષ્મના શરીર પરનો બે આંગળ જેટલું  પણ અંતર ઘવાયા સિવાયનું નહોતું.સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો ત્યારે,અર્જુનના અનેક બાણોથી છિન્ન ભિન્ન થયેલા ભીષ્મ,તમારા પુત્રોના દેખતાં જ પૂર્વ તરફ રહેલા મસ્તકે રથ પરથી નીચે પડ્યા.


ભીષ્મ આમ જયારે રથ પરથી પડયા ત્યારે આકાશમાં રહેલા દેવોનો તથા પૃથ્વી પર રહેલા રાજાઓનો 'હા,હા' એવો શબ્દ થઇ રહ્યો.હે રાજન,તેમના પડવાની સાથે આપણા મહારથીઓનાં મન પણ તેમની સાથે પડી ગયાં.અનેક બાણોના સમૂહથી ભીષ્મનું શરીર વ્યાપ્ત થયેલું હતું તેથી તેઓ પૃથ્વીનો સ્પર્શ કરી શકતા ન હતા.એ સમયે એ રીતે રથમાંથી પડેલા અને બાણશૈયામાં સુતેલા તે મહાધનુર્ધર,પુરુષશ્રેષ્ઠમાં દિવ્ય ભાવ દાખલ થયો.મંદ મંદ વરસાદ વરસવા લાગ્યો ને પૃથ્વી કંપવા લાગી.પડતાં પડતાં ભીષ્મને જણાયું કે-'હાલમાં દક્ષિણાયનનો સૂર્ય છે,આ અશુભ કાળ છે' એમ માનીને તે પોતાના પ્રાણને ધારી રાખવા માટે બરાબર સાવધ થયા.એ વેળા આકાશમાં દિવ્ય વાણી સાંભળવા લાગી કે-'મહાત્મા ભીષ્મ આ દક્ષિણાયન સમયમાં દેહાવસાન કેમ કરશે?' ત્યારે પિતામહે ઉત્તર આપ્યો કે-'હું જીવતો છું' 


આમ ઉત્તરાયણમાં પ્રાણ છોડવાનો તેમનો અભિપ્રાય જાણીને હિમાલય પુત્રી ગંગાએ,હંસરૂપધારી ઋષિઓને મોકલ્યા.કે જે ઋષિઓ ત્યાં આવીને ભીષ્મના દર્શન કરીને તેમની પ્રદિક્ષણા કરવા લાગ્યા.તે ઋષિઓને ઉદ્દેશીને ભીષ્મ કહેવા લાગ્યા કે-'જ્યાં સુધી સૂર્ય દક્ષિણાયનના રહેશે ત્યાં સુધી હું મારા પ્રાણ છોડીશ નહિ.મારી ઈચ્છા મુજબ પ્રાણ ત્યાગવા હું સમર્થ છું.મારા પિતાએ મને સ્વચ્છંદ મૃત્યુનું વરદાન આપેલું છે તે આ સમયે સાર્થક હો.એ વરદાનના પ્રભાવથી હું મારા પ્રાણોનો ત્યાગ કરવામાં સંપૂર્ણ અધિકારી છું.મારી ઇચ્છાનુસાર વર્તીને હું મારા પ્રાણોને ધારણ કરી રાખીશ' એ પ્રમાણે તે હંસોને કહીને ભીષ્મ બાણશૈયા પર સુઈ રહ્યા.તે જે સમયે પડ્યા ત્યારે પાંડવો ને સૃન્જયો આનંદના સિંહનાદો કરવા લાગ્યા.


પણ,તે સમયે તમારા પુત્રોને કંઈ પણ સૂઝ પડી  નહિ અને સર્વ કૌરવોમાં મહાન ગભરાટ થઇ રહ્યો.કૃપાચાર્ય,દુર્યોધન વગેરે સર્વે નિશ્વાસ નાખી નાખીને રડવા લાગ્યા ને શોકના પ્રભાવથી ઘણા વકહ્ત સુધી ભાન વિનાના થઈને ઉભા રહ્યા.બધા વિચારમાં પડી ગયા હતા અને કોઈનું યુદ્ધ કરવામાં મન લાગતું નહોતું.સર્વ કૌરવ સૈનિકોના મનમાં એવો જ વિચાર થવા લાગ્યો કે-'કોઈનાથી પણ માર્યા ન મારે તેવા મહાતેજસ્વી ભીષ્મ આમ જયારે પડ્યા ત્યારે કુરુરાજનો પણ સહસા અભાવ જ સમજી લેવો'

અર્જુનથી પરાજય પામેલા તે સર્વેને 'હવે શું કરવું?' તેની સૂઝ પડી નહિ.


શૂરા પાંડવો,સોમકો ને પાંચાલો-આદિ આનંદિત થઈને શંખો ફૂંકવા લાગ્યા.આખા સૈન્યમાં હજારો વાજિંત્રો વાગી રહ્યાં હતાં.અને ભીમસેન તે વખતે છાતી ઠોકવા લાગ્યો  ને મોટી ગર્જના કરવા લાગ્યો.ભીષ્મ જયારે આમ પડ્યા ત્યારે બંને પક્ષના યોદ્ધાઓ શસ્ત્રોનો ત્યાગ કરીને વિચારમાં પડી ગયા હતા,કેટલાક રુદન કરવા લાગ્યા,કેટલાક દિગ્મૂઢ બની ગયા,કેટલાક ક્ષાત્રધર્મની નિંદા કરવા લાગ્યા,કેટલાક ભીષ્મના વખાણ કરવા લાગ્યા.ઋષિઓને પિતૃઓ એ મહાવ્રત ભીષ્મની પ્રશંસા કરવા લાગ્યા.

તે સમયે બુદ્ધિમાન અને વીર્યવાન શાંતનુપુત્ર ભીષ્મ,મહા ઉપનિષદ અને યોગમાર્ગનો આશ્રય કરી,પ્રણવમંત્રનો જાપ કરતા ઉત્તરાયણના સમયની રાહ જોઈને પ્રાણ ધરી,રાખીને બાણશૈયા પર સૂતા રહ્યા હતા. (122)

અધ્યાય-119-સમાપ્ત