Jul 27, 2019

ભાગવત રહસ્ય-૧૯

ભાગવત –એ -નારાયણનું સ્વરૂપ છે.ભગવાન શ્રીકૃષ્ણ જયારે ગોલોક ધામમાં પધાર્યા, ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું-એમ એકાદશ સ્કંધમાં લખ્યું છે. તેથી ભાગવત –ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે.ઉદ્ધવજીએ જયારે શ્રીકૃષ્ણને પૂછેલું કે- આપના સ્વધામગમન પછી આ પૃથ્વી પર અધર્મ વધશે, ત્યારે ધર્મ કોને શરણે જશે ? ભગવાને ત્યારે કહ્યું છે કે-મારા ભાગવતનો આશ્રય જે લેશે –તેના ઘરમાં કળિ આવશે નહિ.

પરમાત્મા શ્રીકૃષ્ણનું નામ સ્વરૂપ –એ જ આ ભાગવતશાસ્ત્ર છે,જે પરમાત્મા સાથે સંબંધ જોડી આપે છે.
પરમાત્માના નામ સાથે પ્રીતિ કરવાની બહુ જરૂર છે. નામ સાથે સંબંધ ના થાય ત્યાં સુધી –નામી -પરમાત્મા- સાથે સંબંધ થતો નથી. સહુથી પહેલાં શબ્દ-સંબંધ . નામ સ્વરૂપથી મન શુદ્ધ થયા પછી સ્વરૂપ-સેવાનો અધિકાર મળે છે.

મનના મેલને દૂર કરવા અને મનને શુદ્ધ કરવા આ ભાગવતકથા છે. કથા સાંભળ્યા પછી પણ પાપ કરવાનું ચાલુ રાખશો,તો યમદુતો તરફથી બે ફટકા વધારે પડશે.—તું જાણતો હતો –છતાં તે પાપ કર્યું ?
ઈશ્વર સાથે પ્રેમ કરવાનું –સાધન-આ ભાગવત શાસ્ત્ર છે. મનુષ્ય પત્ની,ધન અને ભોજન માં પ્રેમ કરે છે.પણ પ્રભુમાં પ્રેમ કરતો નથી તેથી દુઃખી છે.

રામાનુજાચાર્યના ચરિત્રમાં એક પ્રસંગ છે.ધનુંર્દાસ કરીને એક શેઠ હતા,તે એક વેશ્યામાં અતિ આસક્ત હતા. એક દિવસ ધનુંર્દાસ અને તે વેશ્યા –રંગનાથના મંદિર પાસેથી જઈ રહ્યાં હતા. ધનુંર્દાસ –વેશ્યાના માથે છત્રી ધરીને ચાલે છે.તે જ વખતે રામાનુજાચાર્ય મંદિરમાંથી બહાર નીકળતા હતા તેમણે –આ દૃશ્ય જોયું. લોકોને પૂછ્યું –આ કોણ છે ? લોકોએ કહ્યું-તે વેશ્યા નો પ્રેમી છે, એક ક્ષણ પણ વેશ્યાના રૂપને જોયા વગર રહી શકતો નથી.રામાનુજાચાર્યે વિચાર્યું –આનો આવો પ્રેમ ભગવાન પર હોત તો તેનો ઉદ્ધાર થઇ જાત.
શેઠને મળવા –શેઠનો ઉદ્ધાર કરવાની ભાવનાથી રસ્તે જઈ તે ધનુંર્દાસને મળે છે. અને કહે છે કે-તમે આ વેશ્યા પર જે પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ થાય છે, અસ્થિ-વિષ્ઠાથી ભરેલી –આ સ્ત્રીમાં જ જે પ્રેમ કરો છો,પણ તે સ્ત્રી કરતાં મારા રંગનાથ ઘણાં સુંદર છે. આ સ્ત્રીમાં જેવો પ્રેમ કરો છો તેવો પ્રેમ મારા પ્રભુજીમાં કરો તો મને વિશેષ આનંદ થશે. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે.

ધનુંર્દાસ કહે છે કે-આ વેશ્યા અતિ સુંદર છે,તેને જોયા વગર હું જીવી શકીશ નહિ.
રામાનુજાચાર્ય કહે છે કે-પરંતુ એનાથી ય વધારે સુંદર કોઈ મળી જાય તો ?
ધનુંર્દાસ કહે છે-કે- તો વિચાર કરું.

રામાનુજાચાર્ય તેણે રંગનાથના મંદિરમાં લઇ ગયા.આરતીના દર્શન થતાં હતા,ધનુંર્દાસને રંગનાથના દર્શન થયા,ધનુંર્દાસને સમાધિ લાગી છે. પ્રભુનું દિવ્ય સૌન્દર્ય જોઈ-તે વેશ્યાના સૌંદર્યને ભૂલી ગયો.
તે દિવસ પછી, ધનુંર્દાસે એ સ્ત્રીમાં પ્રેમ કર્યો નથી. અને રામાનુજાચાર્યનો ખાસ શિષ્ય બની ગયો.

પ્રભુમાં આસક્તિ થાય તો પછી સંસારમાં આસક્તિ થતી નથી.
મનુષ્ય –પ્રેમ પાત્ર-ક્ષણે-ક્ષણે બદલે છે. પરંતુ ક્યાંય તેણે સંતોષ,શાંતિ મળતા નથી.
બાલ્યાવસ્થામાં મા પર પ્રેમ કરે છે. જરા મોટો થતાં મિત્રો સાથે પ્રેમ કરે છે. લગ્ન થાય એટલે પત્ની સાથે પ્રેમ કરે છે.(વખત જતાં તે જ વહાલી પત્ની પર અણગમો આવે છે અને “મેં લગ્ન કર્યા એ જ મારી મોટી ભૂલ છે” એમ માને છે) ત્યાર બાદ પુત્ર પર પ્રેમ કરે છે,પૈસા ઉપર પ્રેમ કરે છે...વગેરે ,,,,વગેરે...
પણ સંતોષ અને શાંતિ નથી.

ઈશ્વરને પ્રેમનું પાત્ર બનાવો કે જેથી, પ્રેમનું પાત્ર બદલવાનો પ્રસંગ કદી નહિ આવે.
ભાગવતશાસ્ત્ર વારંવાર સાંભળશો તો –પરમાત્મા સાથે પ્રેમ થશે અને પ્રેમ વધશે.આજકાલ લોકો ભક્તિ બહુ કરે છે. પરંતુ તે ભગવાનને –સાધન-માને છે. અને સંસારના સુખને –સાધ્ય- માને છે.
(સાધન વડે સાધ્ય –અંતિમ લક્ષ્ય સુધી પહોચાય છે) 
તેથી ભક્તિ ફળતી નથી. ભગવાન ને –સાધ્ય- માનો, સંસારના વિષય સુખને નહિ.
કથામાં હાસ્ય રસ ગૌણ છે,કથા કોઈને હસાવવા માટે નથી. કથા ઈશ્વરને રાજી કરવા માટે છે.
શ્રોતાઓના હૃદય માં જે શોક જાગૃત કરે તે શુક.કથા શુદ્ધ હૃદયે રડવા માટે છે. મારા જીવનનો આટલો સમય નકામો ગયો-વગેરે –ભાવ –હૃદયમાં જાગે તો કથા સાંભળી સાર્થક. કથા સાંભળ્યા પછી-વૈરાગ્ય ના આવે-પાપ ના છૂટે તો –કથા સાંભળી શું કામની ?

ગમે તેવો પાપી હોય પણ –આ ભાગવતની કથા પ્રેમથી સાંભળે તો તેના પાપનો વિનાશ થાય છે. પણ......શરત એક જ છે.કે- --કથા સાંભળ્યા પછી પાપ ના કરે. કથા સાંભળ્યા પછી જે પાપ ના કરે તેના અગાઉના પાપ પ્રભુ માફ કરે છે.

ધન્ધુકારી જેવા પાપીનો આ કથાથી ઉદ્ધાર થયો છે. ભાગવતના શ્રવણ માત્રથી જ સદગતિ મળે છે.
કથા શ્રવણનો લાભ –આત્મદેવ-બ્રાહ્મણનું ચરિત્ર કહીને સંભળાવ્યો છે.
દ્રષ્ટાંત વગર સિદ્ધાંત સામાન્ય માનવીના મનમાં ઠસતો નથી.
તેથી આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર કહ્યું છે.(અહીં –આત્મ દેવ –નામ-રૂપક છે)
કથા એકલું રૂપક નથી, કથાની –લીલા- સત્ય છે. અને તેમાં રહેલું –અધ્યાત્મ-પણ સત્ય છે.
  

      PREVIOUS PAGE
       NEXT PAGE               
     INDEX PAGE