Jul 26, 2019

ભાગવત રહસ્ય-૧૮

ભાગવત કથાનું પાન કરવા નારદજી ત્યાંથી ગંગા કિનારે આવ્યા છે.
શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.ભોગ ભૂમિમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.ભોગભૂમિ એ ભક્તિમાં બાધક છે.ગંગા કિનારો –જ્ઞાન- ભૂમિ છે.માટે આજ્ઞા કરી છે-કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે,ગંગા કિનારે આનંદવનમાં આવ્યા છે.

નારદજી હાથ જોડીને બેઠા છે.ત્યાં ઋષિ મુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા છે.
જે નહોતા આવ્યા તે એક એકના ઘેર ભૃગુ ઋષિ જાય છે અને વિનયથી વંદન કરી મનાવીને કથામાં લઇ આવે છે.સત્કર્મ બીજાને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે.
કથાના આરંભમાં જય-જયકાર કરે છે.અને –હરયે નમઃ –નો શબ્દોચ્ચાર કરે છે. આ મહામંત્ર છે.

બધી પ્રવૃત્તિ છોડીને માનવી ધ્યાનમાં બેસે છે,ત્યારે માયા વિઘ્ન કરે છે.અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે. કોઈ ભક્તિ કરે તે માયાને ગમતું નથી.જીવ ઈશ્વર જોડે જાય તે માયાને ગમતું નથી, જીવ સર્વ પ્રકારનો મોહ છોડી માયા પાસે જાય તે માયાને ગમતું નથી.આ માયાનું કોઈ એક સ્વરૂપ નથી.ઈશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક જેવી જ છે.જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે.

માયા મનને ચંચળ બનાવે છે, માયા મનુષ્યને સમજાવે છે-કે-આ સંસારમાં જ સુખ છે. સ્ત્રીમાં સુખ છે.
માયા અનેક રીતે જીવને ઈશ્વરથી દૂર ફેંકે છે.મનુષ્યને માયા હરાવે છે. મનુષ્યની હાર અને માયાની જીત થાય છે.માયા ની જીત થાય છે કારણ કે –મનુષ્ય ભગવાનનો જયજયકાર કરતો નથી.
કથા ભજનમાં ઈશ્વરનો પ્રેમથી જય જયકાર કરવો.—માયાની હાર થાય અને મારી જીત થાય---
પ્રભુનો જય જયકાર કરો તમારી પણ જીત(માયા સામે-બુદ્ધિ સામે) થશે.

ભુખ તરસને ભુલશો નહિ-- તો પાપ થશે. ભુખ તરસને સહન કરવાની ટેવ પાડો. આગળ કથા આવશે કે--
પરીક્ષિતની -બુદ્ધિ -ભુખ-તરસે જ બગાડેલી.

સુતજી સાવધાન કરે છે. નારદજી અને સર્વે ઋષિજનો આસન પર બિરાજી ને પ્રભુના નામ નો જય જયકાર કરે છે અને પછી –હરયે નમઃ-નું ઉચ્ચારણ કરે છે.સતત –હરયે નમઃ-બોલવાની ટેવ પાડો. તમારા હાથે પછી પાપ થશે નહિ.આ ભાગવતની કથા અતિ દિવ્ય છે.આ કથા એવી મંગલમય છે કે જે પ્રેમથી શ્રવણ કરશે –
તેના કાનમાં થી પરમાત્મા હૃદયમાં આવશે.

નેત્ર(આંખ) અને શ્રોત (કાન) ને જે પવિત્ર રાખે તેના હૃદયમાં પ્રભુ આવે છે.
તમે જેને પ્રેમથી જુઓ છો તે આંખમાંથી હૃદયમાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણ કાનમાંથી ,આંખમાંથી હૃદયમાં આવે છે.વારંવાર શ્રીકૃષ્ણ કથા જે સાંભળે છે, તેના કાનમાંથી શ્રી કૃષ્ણ હૃદયમાં પધારે છે.
અંદરનો આનંદ મળે તો માનજો કે –પરમાત્મા હૃદયમાં આવ્યા છે.

તમે ભગવાનની કથા સાંભળશો –તો મન ભગવાનમાં સ્થિર થશે. કાનમાંથી ભગવાન હૃદયમાં આવશે.
આંખ અને કાન –એ –ભગવાનને હૃદય માં દાખલ કરવાના –દેહના (શરીરના) બે દરવાજા છે.
ઘણાં આંખથી પ્રભુના સ્વરૂપને હૃદયમાં ઉતારે છે,ઘણાં કાનથી શ્રવણ કરી ભગવાનને હૃદયમાં ઉતારે છે.
આથી આંખ અને કાન બંને પવિત્ર રાખો. ત્યાં શ્રીકૃષ્ણને પધરાવો.

દરેક સત્કર્મના આરંભમાં શાંતિ પાઠ કરવામાં આવે છે. તેનો મંત્ર છે—ઓમ ભદ્રમ કર્ણેભી શ્રેણુંયામ દેવાઃ –
જેનો અર્થ છે કે-હે દેવ ! કાનો વડે અમે કલ્યાણમય વચનો સાંભળીએ.
મંગલમય શબ્દ અમે સાંભળીએ-મંગલમય સ્વરૂપના અમે દર્શન કરીએ.

મનુષ્ય નાકથી ક્યાં પાપ કરે છે ? આંખ અને કાનથી જ વધારે પાપ થાય છે. એટલે તેને પવિત્ર કરવાની જરૂર રહે છે.ઘેર પૂજા કરાવો છો ત્યારે પૂજાની શરૂઆત માં -ગોર મહારાજ – આંખે અને કાને પાણી અડાડવાનું કહે છે.કાન અને આંખ પવિત્ર થયા પછી જ સત્કર્મનો પ્રારંભ થાય છે.

આંખ અને કાન બહુ શુદ્ધ હશે તો જ ભક્તિ આવશે. આથી બંનેને શુદ્ધ કરો અને તે પછી પૂજા કરો.
આ બંને (આંખ ને કાન) જો શુદ્ધ ના હોય તેને પૂજા કરવાનો અધિકાર નથી.આંખ અને કાન –સ્થિર થાય છે-તે પછી જ તન અને મન સ્થિર થાય છે.(ઇન્દ્રિયો સ્થિર થાય છે-શુદ્ધ થાય છે) શુદ્ધ ઇન્દ્રીયોમાં જ પરમાત્માનો પ્રકાશ થાય છે.આથી ઈન્દ્રિયોને –અને મનને- શુદ્ધ કરો ને શુદ્ધ રાખો.
કાળ (સમય) બગડ્યો નથી- પણ કાળજું (બુદ્ધિ) બગડ્યું છે.


સનકાદિ મુનિઓ કહે છે કે-આ ભાગવતમાં અઢાર હજાર શ્લોકો છે. –અઢાર- ની સંખ્યા પરિપૂર્ણ છે.
ભાગવતમાં મુખ્ય કથા છે-નંદ મહોત્સવની –તેના શ્લોકો પણ અઢાર છે. મહાભારતના પર્વ અઢાર છે.
ગીતાજીના અધ્યાયો પણ –અઢાર-છે. ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્લોકો અઢાર છે.
અઢારનો –આંકડો- વ્યાસજીને બહુ પ્રિય છે.

ભાગવત પરની પ્રાચીન અને ઉત્તમ ટીકા (ભાગવત નું રહસ્ય-તત્વ-સાર) છે –શ્રીધર સ્વામી ની—
તેમણે કોઈ સંપ્રદાય( કે દેવો) નો –દુરાગ્રહ રાખ્યા વિના- ભાગવત તત્વ-(રહસ્યનો) નો વિચાર કર્યો છે.

આ શ્રીધરી ટીકા પર બંસીધર મહારાજ ની ટીકા છે.તેમણે બતાવ્યું છે કે- આપણા ઋષિ મુનિઓએ કોઈ પણ જાતના સ્વાર્થ વગર આપણા કલ્યાણ માટે આ ગ્રંથોની રચના કરી છે.
ભાગવતનો મહિમા કોણ વર્ણવી શકે ?
જે –શક્તિ- (બુદ્ધિ-જ્ઞાન- શક્તિ) ભગવાનમાં છે- તે શક્તિ ભાગવત શાસ્ત્રમાં છે.  

      PREVIOUS PAGE
       NEXT PAGE               
     INDEX PAGE