Dec 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1002

 

અધ્યાય-૧૧૮-દશમો દિવસ (ચાલુ) ભીષ્મનું છેવટનું અદભુત કર્મ 


॥ संजय उवाच ॥ समं व्युढेष्वनिकेषु भुयिष्ठेवनिवर्तिनः I ब्रह्मलोकपराः सर्वे समपद्यंत भारत ॥१॥

સંજયે કહ્યું-હે ભારત,બધા સૈન્યના યોદ્ધાઓ,લગભગ બ્રહ્મપરાયણ થઈ,પછી પાની કરવી નહિ તેવા વિચારના થઇ ગયા હતા.અર્થાંત 'મારવું કે મરવું' એવા નિશ્ચય પર આવી ગયા હતા.એ સંકુલ યુદ્ધમાં એક સૈન્ય બીજા સૈન્ય સાથે વ્યવસ્થિત થઈને લડતું નહોતું.રથીઓ,ઘોડાઓ,હાથીઓ ને પાળાઓ અન્યોન્ય સામે વ્યવસ્થા પૂર્વક લડતા નહોતા,પણ ઉન્મત્તવત બની જઈને યુદ્ધ કરતા હતા.બંને સેનામાં રૌદ્ર સેળભેળ(મિશ્ર)ભાવ થઇ ગયો હતો.ઉન્મત્તતાને લીધે મહાઘોર નાશ થઇ રહ્યો હતો. 

પછી,શલ્ય,કૃપાચાર્ય,ચિત્રસેન,દુઃશાસન,વિકર્ણ આદિ યોદ્ધાઓ પોતપોતાના રથમાં આવી પાંડવોની સેનાને કંપાવવા લાગ્યા.

ભીષ્મ પાંડવ સૈન્યનો અને અર્જુન કૌરવ સૈન્યનો મહા વિનાશ સર્જી રહ્યા હતા.ને પોતાનું પરાક્રમ પ્રગટ કરી રહ્યા હતા.ત્યારે સારાસારા યોદ્ધાઓનો મહાન ક્ષય થઇ ગયો.તેમના એ પરાક્રમને જોઈને તમારા સર્વે પુત્રો 'આ વીરોના નાશમાં જો પોતાનું મરણ થશે તો સ્વર્ગપ્રાપ્તિ થશે' એવી ઈચ્છાપૂર્વક પોતાનાં સૈન્યોને આગળ કરીને પાંડવો સામે ચઢી ગયા.સામે શૂરા પાંડવો પણ પોતાને થયેલાં દુઃખનું સ્મરણ કરીને નિર્ભયપણે બ્રહ્મલોકમાં જવા તત્પર થઈને તમારા પુત્રો સામે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા.


એ સમયે ધૃષ્ટદ્યુમ્ન,પોતાની સેનાને કહેવા લાગ્યો કે-'હે સોમકો,સૃન્જયોને સાથે રાખીને ભીષ્મ સામે ધસારો કરો' એનું વચન સાંભળીને સોમકો ને સૃન્જયો,પોતે ભીષ્મના બાણોથી હણાતા છતાં ભીષ્મ સામે ધસી ગયા.ચારે બાજુથી ઘેરાયેલા ભીષ્મે,પૂર્વે પરશુરામે,શત્રુ સૈન્યનો નાશ કરનારી જે અસ્ત્રવિદ્યા શીખવી હતી,તેનો આશ્રય કરીને,શત્રુઓનો નાશ કરવા મંડ્યો.ભીષ્મે એકલાએ જ સાત મહારથીઓને મારી,પાંચ હજાર રથીઓ,ચૌદ હજાર પાળાઓ,હજાર હાથીઓ ને દશ હજાર ઘોડાઓનો નાશ કરી નાખ્યો.ભીષ્મે જયારે વિરાટરાજાના ભાઈ શતાનીકને હણી નાખ્યો ત્યારે ભીષ્મથી ઉદ્વેગ પામેલા યોદ્ધાઓ મોટા પોકાર કરીને અર્જુનને બોલાવવા બૂમો મારવા લાગ્યા.


જે જે પાંડવ પક્ષના રાજાઓ અર્જુનના અનુયાયી તરીકે ભીષ્મ સામે આવ્યા હતા તે સર્વ યમધામમાં પહોંચી ગયા.ચારે બાજુ સૈન્યને છાઈ દઈને ભીષ્મ સેનાના મધ્ય ભાગમાં ઉભા હતા ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,આ મધ્યભાગમાં ઉભેલા ભીષ્મને તું બળપૂર્વક મારીશ તો જ તારો વિજય થશે.જે સ્થળે તે આપણી સેનામાં ભંગાણ પાડે છે તે સ્થળે તું એમને બલાત્કારે રોકી રાખ,કેમ કે તારા સિવાય બીજો કોઈ યોદ્ધો ભીષ્મના બાણો સહન કરવાને હિમ્મત કરી શકે તેમ નથી'શ્રીકૃષ્ણની પ્રેરણાથી અર્જુને,બાણોથી ભીષ્મને,તમેન રથ,ઘોડાઓ ને ધ્વજ સહીત ઢાંકી દીધા.પિતામહ પણ સામે બાણોથી અર્જુનના બાણોને બહુધા ખાળી નાખવા લાગ્યા.તે સમયે જયારે ભીષ્મના બાણોથી પીડાયેલા પાંડવ સૈન્યના મહારથીઓ શોકસાગરમાં ડૂબ્યા હતા,ત્યારે અર્જુને તે બધાનો બચાવ કરીને ઉદ્ધાર કર્યો.


પછી,અર્જુનના રક્ષણ તળે રહેલો શિખંડી,અર્જુન સાથે જ ભીષ્મ સામે ધસ્યો.તે સમયે ફરી જોશમાં આવેલા પાંડવ સૈન્યના સાત્યકિ-આદિ મહારથીઓ પણ ભીષ્મ સામા ધસ્યા.તે સર્વે એકત્ર થઈને બાણોનો પ્રહાર કરીને ભીષ્મને ઢાંકી દેવા લાગ્યા.

સામે પિતામહ પણ સર્વ બાણોને વિખેરી નાખીને પાંડવ સેનામાં આગળ આગળ પ્રવેશ કરવા લાગ્યા.ભીષ્મના બાણોથી આખા સૈન્યમાં ત્રાહિત્રાહિના પોકાર થવા લાગ્યા.પોતાની સામે આવતા મત્સ્ય,ચેદી,પાંચાલ આદિ યોદ્ધાઓને પોતાના બાણોથી છાઈ દઈને,તે એકલા ભીષ્મ,સૂર્યની જેમ તપી રહ્યા હતા.(54)

અધ્યાય-118-સમાપ્ત