અધ્યાય-૧૧૭-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ शिखंडी तु रणे भीष्ममासाद्य पुरुषर्षभम् I दसभिर्निशितैर्मल्लैराजधान्सतनांतरे ॥१॥
સંજયે કહ્યું-શિખંડીએ રણસંગ્રામમાં પુરુષશ્રેષ્ઠ ભીષ્મ પાસે આવીને તીક્ષ્ણ એવાં દશ બાણોથી તેમને છાતીમાં પ્રહાર કર્યો.ત્યારે ભીષ્મ ક્રોધથી પ્રજ્વલિત થયેલી આંખો વડે જાણે શિખંડીને બાળી નાખતા હોય તેમ તેને જોવા લાગ્યા અને 'આ સ્ત્રી છે'એમ કહીને તેની પર તેમણે પ્રહાર ન કર્યો.તે વેળા,અર્જુન શિખંડીને કહેવા લાગ્યો કે-'હે વીર,તમે જલ્દી ભીષ્મ સામે ધસો ને તેમને હણી નાખો.હું તમને વારંવાર શું કહું? યુધિષ્ઠિરના સસૈન્યમાં તમારા સિવાય બીજો કોઈ યોદ્ધો જોવામાં આવતો નથી કે જે ભીષ્મ સામે યુદ્ધ કરવા શક્તિમાન થાય,આ હું તમને સત્ય કહું છું.'
અર્જુનના વચનોથી શિખંડી ભીષ્મ સામે ધસીને તેમને બાણોથી છાઈ દેવા લાગ્યો ત્યારે તેના બાણોને નહિ ગણકારતા,ભીષ્મ અર્જુનને જ આગળ વધતો અટકાવવા લાગ્યા.ને સૈન્યનો સંહાર કરવા લાગ્યા.ચારે બાજુથી ઘેરાયેલા ભીષ્મનું રક્ષણ કરતા દુઃશાસનના પરાક્રમને સર્વ લોકો જોઈ રહ્યા હતા.તે પોતે એકલો હતો પણ અર્જુન સહીત સમગ્ર પાંડવો સામે યુદ્ધ કરી રહ્યો હતો.જેમ,અગ્નિ,લાકડાંઓને પામીને ભડભડાટ સળગી ઉઠે,તેમ તમારો પુત્ર દુઃશાસન પ્રજ્વલિત થઈને પાંડવોની સેનાનો નાશ કરી રહ્યો હતો.તે વખતે અર્જુન સિવાય બીજો કોઈ પાંડવ યોદ્ધો તેની સામે લડવા ઉત્સાહ કરી શકતો નહોતો.ત્યારે અર્જુને આવીને દુઃશાસનને જીતીને સર્વ સૈન્યના દેખતાં જ ભીષ્મ સામે ધસારો કરી રહ્યો હતો.
શિખંડી સર્પસમાન ઝેરી બાણો વડે ભીષ્મપિતામહને વીંધી રહ્યો હતો પણ તેને બાણો ભીષ્મને પીડા કરતા નહોતા.પણ સામે તે અનેક બાણોથી શત્રુ સૈન્યને સંહારી રહ્યા હતા.ત્યાર પછી દુર્યોધને સર્વ સૈન્યોને આજ્ઞા કરી કે-તમે સર્વ અર્જુન સામે ધસારો કરો,ભીષ્મ કવચરૂપ થઈને તમારા સર્વનું રક્ષણ કરશે.દેવો પણ ભીષ્મ સામે ઉભા રહેવા સમર્થ નથી તો મનુષ્ય અવતારી આ પાંડવો કોણ છે? હું પણ બરાબર સજ્જ થઈને અર્જુન સામે યુદ્ધ કરીશ' તમારા પુત્રનું આવું વચન સાંભળીને સર્વે યોદ્ધાઓપોતાના સૈન્યો સહીત,જેમ,પતંગીયાં અગ્નિ સામે ધસી જાય,તેમ,અર્જુન સામે ધસ્યા.ત્યારે અર્જુન,તેમને પોતાના પ્રતાપથી જેમ અગ્નિ,પતંગિયાંને બાળી નાખે તેમ બાળી નાખવા માંડ્યો.હજારો બાણો છોડતું તેનું ગાંડીવ અગ્નિ સમાન દેદીપ્યમાન દેખાતું હતું.સામેના સર્વ રાજાઓ અર્જુન સામે ટકી શકતા નહોતા.
અર્જુનના બાણોથી મરાયેલા રથીઓ,ઘોડેસ્વારો ને હાથીસવારો પોતાના વાહન સહીત રણભૂમિ પર ઢળી પડવા લાગ્યા.
તમારી સેનાને નસાડી મૂકીને અર્જુને દુઃશાસન સામે અનેક બાણો છોડીને તેના સારથી અને રથને પટકી પાડ્યા.એ જ રીતે તેણે વિવંશતીને પણ રથ વગરનો કરી દીધો.પછી,કૃપાચાર્ય,વિકર્ણ,અને શલ્યને પણ રથ વગરના કરી દીધા.તે વખતે રથ વિનાના થયેલા એ સર્વે રણસંગ્રામમાંથી પલાયન થઇ ગયા.દશમા દિવસના તે પૂર્વભાગમાં,તે મહારથીઓને જીતીને,અર્જુન,નિર્ધુમ અગ્નિની જેમ પ્રજ્વલિત થઈને મહાપરાક્રમ કરી રહ્યો હતો.હે રાજન,ગદા,શક્તિ અને ધનુષ્યોને તેમનાં તેમ ધારણ કરીને ભોંય પર ઢળી પડેલા ક્ષત્રિયો ચારે બાજુ જોવામાં આવતા હતા.
ત્યારે પછી,પોતાના દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરતા ભીષ્મપિતામહ સર્વ ધનુર્ધરોના દેખતાં અર્જુન સામે દોડી ગયા.તેમને આમ જતા જોઈને શિખંડી તેમના તરફ ધસ્યો.એટલે તુરત જ અગ્નિસમાન ઉપમાવાળું પોતાનું દિવ્ય અસ્ત્ર ભીષ્મપિતામહે પાછું ખેંચી લીધું.તે જ સમયે અર્જુન,પિતામહને મોહ પમાડીને તમારા સૈન્યને સંહારવા મચી પડ્યો.(65)
અધ્યાય-117-સમાપ્ત