અધ્યાય-૧૧૬-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ अभिमन्युर्महाराज तवपुत्रमयोधत I महत्या सेनयायुक्तं भीष्महेतोः पराक्रमी ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,પરાક્રમી અભિમન્યુ,મોટી સેનાને લઈને ઉભેલા તમારા પુત્ર દુર્યોધન સામે ભીષ્મનો પરાજય કરવા યુદ્ધ કરતો હતો.ત્યારે ક્રોધાયમાન થયેલા દુર્યોધને તેના પર પ્રહાર કરીને તેને છાતીમાં વીંધી નાખ્યો.સામે અભિમન્યુએ એક ભયંકર શક્તિ દુર્યોધન સામે ફેંકી,કે જેને દુર્યોધને બાણ મૂકીને ટુકડા કરી નાખી.પોતાની શક્તિને આમ વ્યર્થ થયેલી જોઈને અભિમન્યુએ દુર્યોધનના બંને બાહુઓમાં અને છાતીમાં પ્રહાર કરી તેને માર માર્યો.બંને વચ્ચેનું યુદ્ધ મહાઘોર ને અદભુત હતું.
બીજી તરફ,અશ્વત્થામાએ,પોતાની સામે યુદ્ધ કરવા આવેએ સાત્યકિ પર નારાચ બાણ માર્યું,ત્યારે સાત્યકિએ પણ સામે નવ બાણો મારીને ગુરુપુત્રને ઘાયલ કર્યો.અન્યોન્ય વચ્ચે મહાસંગ્રામ ચાલી રહ્યો.તેમની નજીકમાં જ પૌરવ અને ધૃષ્ટકેતુનું યુદ્ધ ચાલી રહ્યું હતું.બંને મહારથીઓએ અન્યોન્યના ધનુષ્યને કાપી નાખ્યા ને બંને રથ વગરના થઈ ધરી પર મૂર્છાવશ થયા ત્યારે,તમારા પુત્ર જયત્સેને રણભૂમિ પર પડેલા પૌરવને પોતાના રથમાં બેસાડીને રણસંગ્રામમાંથી દૂર લઇ ગયો.તે જ રીતે ધૃષ્ટકેતુને,સહદેવ પોતાના રથમાં ઊંચકીને રણમાંથી દૂર લઇ ગયો.
બીજી બાજુ પાંડવ પક્ષના સુશર્મા (વાઘક્ષેમી) અને ચિત્રસેનનું યુદ્ધ ચાલી રહ્યું હતું.ને અભિમન્યુ (કોશલરાજ)બૃહદબલ જોડે યુદ્ધ કરતો હતો.બંને અન્યોન્ય પર ભયંકર પ્રહારો કરતા હતા.તે સમયે હાથીઓના સૈન્યમાં યુદ્ધ કરતો ભીમસેન,હજારો હાથીઓનો નાશ કરી રહ્યો હતો.મરેલા મોટા હાથીઓ,પૃથ્વી પર કાજળના પર્વતો સમાન દેખાતા હતા.યુધિષ્ઠિર શલ્યને પીડી રહ્યા હતા,ને શલ્ય સામે બાણોનો પ્રહાર કરીને યુધિષ્ઠિરને પીડી રહ્યો હતો.તેમની નજીક જયદ્રથ અને વિરાટરાજ અન્યોન્ય પર તીવ્ર બાણોનો પ્રહાર કરીને અન્યોન્યને વીંધી રહ્યા હતા.
તે સમયે,ધૃષ્ટદ્યુમ્ન અને દ્રોણાચાર્યનું અદભુત યુદ્ધ થઇ રહ્યું હતું.દ્રોણાચાર્યે,ધૃષ્ટદ્યુમ્નનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે ક્રોધમાં આવેલા ધૃષ્ટદ્યુમ્ને કાળના દંડ સમાન ભયંકર ગદા તેમની સામે ફેંકી,જેને દ્રોણાચાર્યે બાણો મૂકી આગળ વધતી અટકાવી તોડી દીધી.
પોતાની ગદાને તૂટેલી જોઈને,તેણે લોખંડની શક્તિ ફેંકી,જેને પણ દ્રોણાચાર્યે તોડી નાખી,બાણોથી ધૃષ્ટદ્યુમ્નને પીડયો.
ભીષ્મપિતામહ તરફ આગળ વધતા અર્જુનને અટકાવવા ભગદત્ત ધસી આવ્યો ત્યારે અર્જુન તેને લોખંડી બાણોથી વીંધવા લાગ્યો,ને તે સમયે તે શિખંડીને પ્રેરણા કરતો હતો કે-'તમે આગળ વાંધો ને ભીષ્મને હણી નાખો' તા વખતે અર્જુનની નજીક દ્રુપદરાજા ધસી આવ્યા ત્યારે ભગદત્ત અર્જુનને છોડીને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યો.
પછી,અર્જુન શિખંડીને આગળ કરીને ભીષ્મ તરફ જવા લાગ્યો ત્યારે,તમારા સૈન્યના શૂરા મહારથીઓ મોટી ગર્જના કરીને અર્જુન સામે દોડી ગયા.પણ આશ્ચર્ય જેવું તો એ જ હતું કે,તમારા પુત્રના એ સૈન્યને,જેમ વાયુ આકાશમાંના વાદળોને વિખેરી નાખે તેમ,અર્જુને અસંખ્ય બાણોનો પ્રહાર કરીને તે સૈન્યને વિખેરી નાખ્યું.એટલે શિખંડી પિતામહ ભીષ્મ પાસે આવીને અવ્યગ્ર થઈને અનેક બાણો વડે પ્રહાર કરવા લાગ્યો.સામે તેનાં બાણોને ન ગણકારીને ભીષ્મે ચારે બાજુ ઘુમીને,અર્જુનના સહાયક એવા અનેક સોમક યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો.ભીષ્મના ધનુષ્યના પણછનો અવાજ સાંભળીને સર્વ સૈનિકો ધ્રુજી જતા હતા.ભીષ્મનાં બાણો સફળ થઈને જ ચારે બાજુ પડતા હતા.સારથિ ને રથીઓ વિનાના થયેલા ઘોડાઓ આમતેમ દોડીને અનેક સૈનિકોને કચરી નાખતા હતા.ચેદી,કાશી અને કરુષદેશના,મહારથી તરીકે પ્રસિદ્ધ થયેલા કુલપુત્રો,કે જેઓ પ્રાણ જતાં પણ રણમાંથી પાછા ન હઠે,તેઓને ભીષ્મે પરલોક તરફ વિદાય કર્યા.હે રાજન,સોમક યોદ્ધાઓમાં તેવો એક પણ યોદ્ધો નહોતો કે ભીષ્મ સામે જઈને તેમને જીતવાનું મન કરી શકે.તે વખતે શિખંડી અને અર્જુન સિવાય બીજો કોઈ યોદ્ધો નહોતો કે ભીષ્મ સામે યુદ્ધ કરવા ધસતો હતો.(80)
અધ્યાય-116-સમાપ્ત