Dec 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-999

 

અધ્યાય-૧૧૫-દશમો દિવસ (ચાલુ) મરણનો નિશ્ચય 


॥ धृतराष्ट्र उवाच ॥ कथं शान्तनवो भीष्मो दशमेहनि संजय I अयुध्यत महावीर्यः पांडवै: सह स्रुन्जयेः ॥१॥

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ દશમે દિવસે મહાપરાક્રમી શાંતનુકુમાર ભીષ્મ,પાંડવો અને સૃન્જયો સાથે કેવી રીતે લડ્યા?

તેમનું યુદ્ધ કેવી રીતે થયું હતું?ને કૌરવોએ યુદ્ધમાં આગળ વધતા પાંડવોને કેવી રીતે વાર્યા? 

સંજયે કહ્યું-હે ભારત,હંમેશાં મોટામોટા અસ્ત્રોનો પ્રયોગ કરીને અર્જુને તમારા પક્ષના મહારથીઓને પરલોકમાં વિદાય કરી દેવા માંડ્યા હતા.તેમ જ ભીષ્મપિતામહ પણ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે પાંડવપક્ષના યોદ્ધાઓનો ઘાણ વાળી રહ્યા હતા.અર્જુન અને ભીષ્મના પરાક્રમને જોઈને તે દિવસે કોનો વિજય થશે?એમાં અમને સંશય લાગતો હતો.અતિભયંકર એવો સંખ્યાબંધ પાંડવ યોદ્ધાઓનો નાશ ભીષ્મ દ્વારા થઇ રહ્યો હતો.આમ દશ દિવસ સુધી પાંડવોની સેનાને સંતાપીને ધર્માત્મા ભીષ્મ,પોતાના જીવન પરથી વિરક્ત થયા હતા.ને 'પોતાનો નાશ થાય તો સારું' એમ ઇચ્છતા એ મહાબાહુ 'હવે હું સંગ્રામમાં ઘણા મહાન યોદ્ધાઓનો નાશ નહિ કરું' એમ મનમાં વિચારીને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-


'હે યુધિષ્ઠિર,હું તને ધર્મયુક્ત અને સ્વર્ગપ્રદ વચન કહું  છું તે તું સાંભળ.રણમાં અનેક પ્રાણીઓનો સંહાર કરતાં કરતાં મારો ઘણો કાળ વીતી ગયો છે.માટે જો તું મારુ પ્રિય ઈચ્છતો હો તો,અર્જુનને,પાંચાલોને ને સૃન્જયોને આગળ કરીને મારો વધ કરવા પ્રયત્ન કર' આ રીતે ભીષ્મપિતામહનો અભિપ્રાય જાણીને યુધિષ્ઠિર,સૃન્જયોને સાથે લઈને ભીષ્મ સામે ધસ્યા ને તેમના સૈન્યને ઉત્સાહ અને પ્રેરણા આપીને કહેવા લાગ્યા કે-'હે સૈનિકો,ધસો,ભીષ્મ સામે યુદ્ધ કરો અને આજના યુદ્ધમાં તેમને જીતો,ડરશો નહિ,અર્જુન,ભીમ અને ધૃષ્ટદ્યુમ્ન તમારું રક્ષણ કરનારા છે.આજે તમે ભીષ્મ તરફથી જરા પણ ભય ન રાખો કારણકે આપણે શિખંડીને આગળ કરીને અવશ્ય તેમને જીતીશું'


આ પ્રમાણે સંકેત કરીને,પાંડવ સૈન્ય 'મારવું કે મરવું'એવો નિશ્ચય કરીને,શિખંડી અને અર્જુનને આગળ કરીને ભીષ્મના નાશનો પરમ પ્રયત્ન કરવા લાગ્યા.તે સમયે તમારા પુત્ર દુર્યોધનની આજ્ઞા થતાં,મહાબળવાન અને મોટી મોટી સેનાઓ લઈને અનેક દેશના રાજાઓ,તે સંગ્રામના મધ્યમાં રહેલ ભીષ્મનું રક્ષણ કરવા લાગ્યા.બંને પક્ષે અન્યોન્ય પર પ્રહારો કરવા માંડ્યા ને બંને સૈન્યે મહાભયંકર પરાક્રમ કરવા માંડ્યું,ત્યારે અન્યોન્ય સામે દોડાદોડ કરતાં સૈન્યોથી પૃથ્વી જાણે કંપતી હતી.ઠેરઠેર યોધ્ધાઓના મહાશબ્દનો,દુંદુભિઓનો,શંખોનો,હાથીઓનો શબ્દ થઇ રહ્યો હતો.રથી યોદ્ધાઓ,ઘોડેસ્વારો,હાથીસ્વારો,પાળાઓ અન્યોન્ય પર પ્રહાર કરીને ટપોટપ યુદ્ધભૂમિ પર રગદોળાતા હતા.જેમ,બે બાજ પક્ષીઓનું એક માંસના ટુકડા માટે યુદ્ધ ચાલે,તેમ પાંડવો અને કૌરવોનું,ભીષ્મનો વધ અને ભીષ્મનું રક્ષણ કરવા માટે મહાદારુણ યુદ્ધ થઇ રહ્યું હતું.(43)

અધ્યાય-115-સમાપ્ત