Page list

Jan 31, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1033

 

અધ્યાય-૨૭-સંશપ્તકોનો સંહાર 


II संजय उवाच II यन्मां पार्थस्य संग्रामे कर्माणि परिप्रुच्छसि I तछ्रुणुश्व महाबाहो पार्थो यदकरोद्रयो II १ II

સંજય બોલ્યો-હે મહાબાહુ,હવે બીજી બાજુ અર્જુને રણમાં જે કરી દેખાડ્યું હતું તે તમે સાંભળો.ભગદત્તના હાથીની ગર્જનાઓ સાંભળી અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે મધુસુદન,ત્યાં ભગદત્ત યુદ્ધ કરવા નીકળ્યો હોય તેમ લાગે છે.હાથી પર બેસી યુદ્ધ કરવામાં એ કુશળ છે ને તેનો હાથી પણ સર્વ હાથીઓમાં શ્રેષ્ઠ છે,તેની સામે કોઈ પણ ટક્કર ઝીલે તેમ નથી.તેનો હાથી હથિયારોના મારાને સહન કરનારો છે ને તેને અગ્નિનો સ્પર્શ પણ અસર કરી શકતો નથી.આથી તે એકલો જ આપણા સૈન્યનો ઘાણ કાઢી નાખશે.આપણા બે સિવાય તેને જીતવાને કોઈ સમર્થ નથી,માટે આપણે ત્યાં જઈએ.તે ભગદત્ત પોતાના હાથીના બળથી ગર્વિષ્ઠ થઈ ગયો છે ને પાકી ગયેલી ઉંમરથી તે રૂઢ અહંકારવાળો થયો છે,આજે તેને હું ઇન્દ્રના અતિથિ તરીકે મોકલી દઈશ.'

અર્જુનના કહેવાથી શ્રીકૃષ્ણે,ભગદત્ત પ્રતિ રથ હંકાર્યો,પણ તે જ વખતે પાછળથી યુદ્ધ માટે આહવાન કરતા ચૌદ હજાર સંશપ્તકો ત્યાં ચડી આવ્યા.ત્યારે અર્જુન મૂંઝવણમાં પડ્યો,પણ પછી સંશપ્તકોનો સંહાર કરવામાં જ સ્થિર બુદ્ધિવાળો થયો.અને એકદમ તેમના પ્રતિ યુદ્ધ કરવા તત્પર થયો.અર્જુનનો નાશ કરવાના ઉપાયમાં દુર્યોધન અને કર્ણનો પણ એવો જ નિશ્ચય હતો કે-એક તરફ સંશપ્તકોનું અર્જુન સામે યુદ્ધ કરાવવું અને બીજી તરફ ભગદત્તનું યુધિષ્ઠિરના સૈન્ય સામે યુદ્ધ કરાવવું.


સંશપ્તક મહારથીઓએ સેંકડો ને હજારો બાણો મૂકીને અર્જુન અને શ્રીકૃષ્ણને છાઈ દીધા.ત્યારે ત્યાં કશું જ દેખાતું નહોતું.તે જોઈ અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ને લગભગ તે બધાં બાણોનો નાશ કરીને બીજાં અનેક બાણોથી તે મહારથીઓનો સંહાર કરવા માંડ્યો.અર્જુનના બાણોથી રથો,ઘોડાઓ,હાથીઓ સહિત અનેક યોદ્ધાઓનો સંહાર થવાથી,રણભૂમિ લોહીથી ભરપૂર થઈને ભયંકર દેખાતી હતી.ઠેરઠેર કપાયેલાં મસ્તકો,મરાયેલા હાથી ઘોડાઓ નજરે ચડતાં હતા.ઇન્દ્રસમા તે અર્જુનનું પરાક્રમ જોઈને વિસ્મય પામેલા શ્રીકૃષ્ણ તેને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,આજના રણમાં તેં જે કર્મ કર્યું છે તે ઇન્દ્ર,યમ,કે કુબેર પણ કરવા શક્તિમાન નથી,એમ મને લાગે છે.આ યુદ્ધમાં તે એકી સાથે સેંકડો ને હજારો યોદ્ધાઓને રગદોળી નાખ્યા છે'

એ પ્રમાણે સામે આવેલા અનેક સંશપ્તકોનો સંહાર કરીને અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું-'ચાલો હવે ભગદત્ત તરફ'

અધ્યાય-27-સમાપ્ત