અધ્યાય-૨૬-ભગદત્તનું યુદ્ધ
II धृतराष्ट्र उवाच II तेष्वेवं सन्निवृतेषु प्रत्युध्यातेषु भागशः I कथं युयुधिरे पार्या मामकाश्च तरस्विनः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-એ પ્રમાણે જયારે તે પાંડવો યુદ્ધ કરવાને પાછા ફર્યા અને વિભાગ પ્રમાણે સામે ધસી આવ્યા ત્યારે
મારા બળવાન પુત્રો ને કુંતાના પુત્રો કેવી રીતે લડ્યા?વળી,અર્જુને સંશપ્તકો સામે કેવું પરાક્રમ કર્યું હતું તે મને કહે.
સંજય બોલ્યો-આમ જયારે પાંડવો યુદ્ધ કરવા પાછા ફર્યા ત્યારે દુર્યોધન પોતે જ હાથીઓનું સૈન્ય લઈને ભીમ પર ચડી આવ્યો.ને જયારે તેણે ભીમ સામે યુદ્ધનું તેડું કર્યું ત્યારે ભીમ તેની સામે ધસ્યો અને પોતાના બાહુબળથી હાથીઓની સૈન્ય રચનાને વિખેરી નાખી.હાથીઓનો સંહાર કરી રહેલા એ ભીમને જોઈને ક્રોધાયમાન થયેલા દુર્યોધને તેને તીક્ષ્ણ બાણો વડે વીંધવા માંડ્યો,એટલે ભીમે પણ સામે તેના ધ્વજને અને ધનુષ્યને એકદમ કાપી નાખ્યાં.એમ ભીમસેન દુર્યોધનને પીડતો હતો ત્યારે હાથી પર બેઠેલો અંગરાજા ભીમસેનને ક્ષોભ પમાડવા ત્યાં તેની સામે આવી પહોંચ્યો.
સામે ધસી આવતા હાથીને જોઈને ભીમસેને તે હાથીને ગંડ સ્થળમાંથી વીંધી નાખ્યો અને બીજાં બાણોથી તે હાથીનું શરીર ચીરી નાખ્યું ત્યારે તે હાથી પૃથ્વી પર પડવા લાગ્યો.તે જ વખતે ભીમે એક ભલ્લ બાણ છોડીને તે મ્લેચ્છ રાજાનું મસ્તક કાપી નાખ્યું.
તે રાજા મરાયો ત્યારે તેનું હાથીઓનું સૈન્ય નાસભાગ કરવા માંડ્યું.સૈન્યમાં ભંગાણ પડ્યું એટલે ત્યાં ભગદત્ત રાજા પોતાના હાથી પર બેસીને ત્યાં ધસી આવ્યો.જે ઐરાવત હાથી પર બેસીને ઇન્દ્રે દાનવોને જીત્યા હતા તે જ હાથીના વંશજ પર બેસીને ભગદત્ત ત્યાં આવ્યો ત્યારે તેનો હાથી એકાએક ભીમને કચડી નાખવા ઈચ્છતો હોય તેમ તેની સામે ધસ્યો.
તે હાથીએ પોતાના આગળના બે પગ ઊંચા કરી,સૂંઢને સંકોચી,ભીમના રથના,ઘોડાઓ સાથે ચૂરેચૂરા કરી નાખ્યા.ત્યારે ભીમસેન પણ એકદમ પગપાળા દોડ્યો અને તે અંજલિકાવેધ (હાથીને રમાડવાની કળા)ને જાણતો હતો તેથી તે હાથીના શરીરના અવયવોના ભાગમાં ભરાઈ જઈને,તેને વારંવાર હાથ વડે મારવા લાગ્યો.તે વખતે ભીમને ગોતી કાઢવા ઈચ્છતો,દશ હજાર હાથીઓ સમાન બળવાળો તે હાથી કુંભારના ચાકડાની જેમ સત્વર ચક્કર ચક્કર ફરવા લાગ્યો.ભીમસેન ત્યાંથી બહાર નીકળ્યો પણ ત્યાં ભગદત્તના બીજા સુપ્રતીક નામના બળવાન હાથીએ સૂંઢથી તેને પકડ્યો.ભીમ ગોળાકારે ફરી,ત્યાંથી છટકીને હાથીના શરીર તળે ભરાયો ને તે હાથીની સામે પોતાના સૈન્યનો બીજો કોઈ હાથી લડવા આવે તેની રાહ જોવા લાગ્યો.પછી લાગ મળતાં તે ભીમ,હાથીના શરીર નીચેથી નીકળી બહાર ગયો.પાંડવોની સેના તે હાથીથી ત્રાસી જઈ નાસભાગ કરતી હતી.
ભીમસેનને ત્યાં ન જોઈને,તેને માર્યો ગયેલો માનીને યુધિષ્ઠિર ધૃષ્ટદ્યુમ્નને લઈને ભગદત્તને ઘેરી વળ્યા.ને તેની પર હજારો બાણોથી પ્રહાર કર્યો.પણ તે ભગદત્તે સામે તે હાથી દ્વારા પાંડવ અને પાંચાલ યોદ્ધાઓને ખૂંદવા માંડ્યા.ભગદત્ત વૃદ્ધ હતો પણ તેના બળવાન હાથી પર બેસીને તેણે જે યુદ્ધ કર્યું તે અદભુત હતું.તેવામાં વક્રગતિ કરી જાણનારા ને ઉતાવળી ચાલવાળા હાથી પર બેસીને દશાર્ણ દેશનો રાજા ભગદત્ત સામે ચડી આવ્યો.ને તે બે હાથીઓ વચ્ચે ભયંકર સંગ્રામ થયો.ભગદત્તે તે દશાર્ણ દેશના રાજાના હાથીનું જમણું પડખું ચીરી નાખીને તેને પૃથ્વી પર પટકી પાડ્યો ને પોતાના શત્રુરાજાને મારી નાખ્યો.તે જોઈ યુદ્ધિષ્ઠિર ભગદત્તને બાણોથી વીંધ્યો તથા મોટું રથસૈન્ય લઈને તેને ચારે બાજુથી ઘેરી લીધો.તે હાથી બાણવૃષ્ટિ કરતા મહારથીઓની મધ્યમાં ફૂદડી ફરવા લાગ્યો ને તે હાથીને વશ કરી ભગદત્તે તેને એકાએક સાત્યકિ (યુયુધાન)ના રથ સામે દોડાવ્યો.હાથીએ એકદમ જ સાત્યકિના રથને ઊંચક્યો ને તેને દૂર ફેંકી દીધો.પણ તે પહેલાં જ સાત્યકિ રથ પરથી કૂદી પડ્યો હતો ને બીજા રથ પર ચડી ગયો.એ અરસામાં તે હાથી રાજાઓના ઘેરામાંથી બહાર નીકળીને ત્રાસ વર્તાવવા માંડ્યો.
એ યુદ્ધમાં ભગદત્ત પાંડવ સૈન્યને હાંકી કાઢતો હતો ત્યારે હાથી અને ઘોડાઓનો મહાન શબ્દ થઇ રહ્યો.ત્યાં ક્રોધાયમાન થયેલો ભીમ ફરીથી ભગદત્ત સામે યુદ્ધ કરવા દોડી આવ્યો પણ ભગદત્તના હાથીએ પોતાની સૂંઢમાંથી પાણી ઉડાડી ભીમસેનના ઘોડાઓને ભડકાવી દીધા ને તે ઘોડાઓ રણમાંથી દૂર દોડી ગયા.તે જોઈને કૃતિનો પુત્ર રુચીપર્વા ભગદત્ત સામે ધસી આવ્યો,ત્યારે ભગદત્તે એક જ બાણથી તેને યમલોકમાં વળાવી દીધો.પછી,અભિમન્યુ,દ્રૌપદીના પુત્રો,ચેકિતાન,ધૃષ્ટકેતુ અને યુયુત્સુ આદિ યોદ્ધાઓ બાણો વરસાવીને તે હાથીને પીડવા લાગ્યા.હાથીએ આગળ આવીને યુયુત્સુના સારથિને મારી નાખ્યો એટલે યુયુત્સુ રથ છોડીને ત્યાંથી ભાગ્યો.બાકીના પાંડવ યોદ્ધાઓ હાથી પર બાણો છોડી ગર્જનાઓ કરવા લાગ્યા.તે ભગદત્તને,અભિમન્યુએ,યુયુત્સુએ,દ્રૌપદીના પુત્રોએ અને ધૃષ્ટકેતુએ તીક્ષ્ણ બાણોથી વીંધતા હતા,પણ ભગદત્તનો હાથી
શત્રુસેનાને વારંવાર ઘેરીને તેને ભગાડતો હતો.સર્વ લોકો ભગદત્તના તે એક જ હાથીએ સંખ્યાબંધ હાથી સરખો માનવા લાગ્યા.
અધ્યાય-26-સમાપ્ત