અધ્યાય-૨૫-દ્વંદ્વ યુદ્ધ
II संजय उवाच II महद्भैरव मासिन्न: सन्निवृत्तेषु पांडुषु I द्रष्ट्वा द्रोणं छाद्यमानं तैर्मास्करमिवांयुदः II १ II
સંજય બોલ્યો-જયારે પાંડવો યુદ્ધ કરવા પાછા ફર્યા ત્યારે,જેમ મેઘો સૂર્યને ઢાંકી દે છે તેમ તેમણે દ્રોણને ઢાંકી દીધા.તેમણે ઉડાડેલી તીવ્ર રજે તમારી સેનાને ઢાંકી દીધી તેથી સર્વ પ્રદેશ દેખાતો બંધ પડ્યો અને અમે તો માની જ લીધું કે દ્રોણાચાર્ય માર્યા ગયા.ત્યારે દુર્યોધને તત્કાળ પોતાના સૈન્યને આજ્ઞા કરી કે-તમે ઉત્સાહ,શક્તિ,બળ અને સંયોગો પ્રમાણે આ પાંડવોની સેનાને આગળ વધતી અટકાવો.એટલે તમારો પુત્ર દુર્મુષણ,ભીમ સામે ધસી ગયો ને તેનો જીવ લેવાની ઈચ્છાથી તેના પર બાણો ફેંકી તેને ઢાંકી દીધો,ભીમે પણ સામે બાણો મારીને તેને વ્યથિત કરી દીધો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થઇ રહ્યું.
કૃતવર્મા,દ્રોણ પર ધસી આવતા સાત્યકિને અટકાવી રહ્યો હતો,સિંધુરાજ જયદ્રથ ક્ષત્રવર્માને અટકાવતો હતો ત્યારે ક્ષત્રવર્માએ જયદ્રથનાં ધજા ને ધનુષ્ય કાપી નાખ્યાં.જયદ્રથે બીજું ધનુષ્ય લઈને ક્ષત્રવર્માને વીંધવા માંડ્યો.સુબાહુએ યુયુત્સુને ખાળી રાખ્યો.મદ્રરાજાએ યુધિષ્ઠિરની સામે યુદ્ધ કરવા માંડ્યું ને તેમને રોકી રાખ્યા.બાહલીકે દ્રુપદને ખાળી રાખ્યો.અવંતીકુમારો સૈન્યને સાથે લઈને મત્સ્યદેશના વિરાટરાજને રોકવા લાગ્યા.નકુળનો પુત્ર શતાનીક જયારે બાણોનો વરસાદ વરસાવી દ્રોણ સામે જતો હતો ત્યારે ભૂતકર્માએ તેને વારી રાખ્યો.શતાનીકે ભલ્લ બાણો મૂકીને તેને બાહુ ને મસ્તક વગરનો કર્યો.
દ્રોણ તરફ ઘસતા અર્જુનપુત્ર સુતસોમને વિવિંશતિ અટકાવી રહ્યો હતો.એટલામાં ભીમરથે,લોખંડી બાણો વડે શાલ્વને,ઘોડા ને સારથી સહીત યમરાજને ઘેર મોકલી દીધો.શ્રુતકર્મા ધસી આવ્યો ત્યારે ચિત્રસેનના પુત્રે તેને અટકાવી રાખ્યો.પ્રતિવિન્દ્યને આગળ આવતો જોઈને અશ્વત્થામાએ તેને બાણો વડે રોકવા માંડ્યો.ત્યારે દ્રૌપદીના બધા પુત્રોએ અશ્વત્થામાને બાણોની વૃષ્ટિથી ઢાંકી દીધો.અર્જુન અને દ્રૌપદીનો પુત્ર શ્રુતકીર્તિ દ્રોણ સામે ધસ્યો ત્યારે દુઃશાસનના પુત્રે તેને અટકાવ્યો.શ્રુતકીર્તિએ તીક્ષ્ણ બાણો મૂકી તેને ધનુષ્ય,ધ્વજ ને સારથી વગરનો કરી મુક્યો ને દ્રોણની સામે તે આગળ ચાલ્યો.
સમુદ્ર દેશના રાજાને લક્ષ્મણે અટકાવ્યો હતો.વિકર્ણે,શિખંડી સામે યુદ્ધ રી તેને અટકાવ્યો હતો.ઉત્તમૌજાને,અંગદે અટકાવ્યો.પુરુજિતને દુર્મુખે અટકાવ્યો હતો.પાંચ કેકયભાઈઓને કર્ણે બાણોની વૃષ્ટિ કરીને અટકાવ્યા.તેમની વચ્ચે તુમુલ યુદ્ધ થયું.નીલ,કાશીરાજ અને જયત્સેન એ ત્રણ જણાને દુર્જય,જય અને વિજય નામના તમારા ત્રણ પુત્રોએ વારી રાખ્યા હતા.
ક્ષેમમૂર્તિ અને બૃહન્ત નામના બંને ભાઈઓ યુદ્ધમાં ચઢી આવતા સાત્યકિ સામે યુદ્ધ કરી રહ્યા.ચેદિરાજે અમ્બષ્ઠને અટકાવ્યો ત્યારે તેણે ચેદિરાજને ધરતી પર ઢાળી દીધો.કૃપાચાર્યે,યાદવ વંશના વાર્ધક્ષેમીને અટકાવ્યો.
સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવાએ,મણિમાન રાજાને અટકાવ્યો ત્યારે તેણે સામે પ્રહાર કરીને ભૂરિશ્રવાના ધનુષ્યને,ધ્વજને ને સારથિને રથ પરથી ગબડાવી પાડ્યા.ભૂરિશ્રવાએ રથમાંથી કૂદી તલવાર વડે તે મણિમાનને કાપ્યો.ને પોતે જ રથને હંકારીને પાંડવોની સેનાનો સંહાર કરવા મંડ્યો.પાંડ્યરાજાને સમર્થ વૃષસેને બાણોના સમૂહથી નિવાર્યો.ત્યારે દ્રોણ સામે ઘસતા ઘટોત્કચને,રાક્ષસરાજ અલંબુષ અટકાવી રહ્યો.તેમની વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું.હે રાજન,આ પ્રમાણે ત્યાં પરસ્પર સેંકડો દ્વંદ્વ યુદ્ધો થતાં હતા.બંને પક્ષના યોદ્ધાઓ વચ્ચે આ જે સંગ્રામ થયો હતો તેવો મેં પૂર્વે કદી જોયો કે સાંભળ્યો નથી.એ યુદ્ધ ઘોર,આશ્ચર્યજનક અને રૌદ્ર હતું.વળી તે સ્થળે બીજાં પણ અનેક યુદ્ધો ચાલી રહ્યાં હતાં.(65)
અધ્યાય-25-સમાપ્ત