Jan 28, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1030

 

અધ્યાય-૨૪-ધૃતરાષ્ટ્રની ચિંતા 


 II धृतराष्ट्र उवाच II व्यथयेयुरिमे सेनां देवानामपि संजय I आहवे ये न्यवर्तन्त वृकोदरमुखा नृपाः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,આ જે ભીમસેન વગેરે ને રાજાઓ યુદ્ધમાં દ્રોણ સામે પાછા ફર્યા હતા,તેઓ દેવોની સેનાને પણ ગભરાવી દે તેવા છે.આ જગતનો પુરુષવર્ગ દૈવ સાથે સંબંધવાળો થઈને જ ઉત્પન્ન થાય છે.અવશ્ય તે દૈવમાં જ જુદાંજુદાં સર્વ પ્રયોજનો દેખાય છે.કારણકે જે યુધિષ્ઠિર દીર્ઘકાળ સુધી વનમાં મૃગચર્મ ધારણ કરીને લોકથી છાનો છાનો ફરતો હતો,તે જ યુધિષ્ઠિર અહીં રણમાં મોટી સેનાને આમતેમ ફેરવી રહ્યો છે.આ બધું દૈવયોગે જ થઇ રહ્યું છે.મારા પુત્રનું પ્રથમ જે રાજ્ય હતું તે પણ દૈવયોગે જ હતું.માટે જ પુરુષ ભાગ્ય સાથે જોડાઈને ઉત્પન્ન થાય છે અને દૈવની ઇચ્છાએ જ આકર્ષાય છે નહિ કે પોતાની ઇચ્છાએ.જે યુધિષ્ઠિર જુગારના વ્યસનને પામી પ્રથમ દુઃખી થયો હતો તો તેણે જ આજે દૈવયોગે સહાયકો મેળવ્યા છે.

હે સૂત,મંદબુદ્ધિનો દુર્યોધન મને પહેલાં કહ્યા કરતો હતો કે-'આજે કેકેયો,કાશીદેશના ને ચેદી રાજાઓ મારે વશ થયા છે,સમગ્ર પૃથ્વી મારી છે પણ યુધિષ્ઠિરની નથી' પણ આજે તે જ દુર્યોધનની સેનાના મધ્યભાગમાં સારી રીતે રક્ષણમાં રહેલા દ્રોણાચાર્યને,ધૃષ્ટદ્યુમ્ને યુદ્ધમાં મારી નાખ્યા,તો તેમાં દૈવ વિના બીજું શું કારણ હોય? એ દ્રોણાચાર્યનું મૃત્યુ કેમ થયું?મને ઉપરાઉપરી ભારે કષ્ટો આવી પડેલાં છે અને તેથી હું પરમ મોહને પામ્યો છું.ભીષ્મ ને દ્રોણને માર્યા ગયેલા જોઈને હું જીવવાનો પણ ઉત્સાહ કરતો નથી.પુત્રના ફંદામાં ફસાયેલો જોઈને મને વિદુરે જે કહ્યું હતું તે મેં પ્રાપ્ત કર્યું છે.


હજી પણ,દુર્યોધનનો ત્યાગ કરીને હું મારા બાકી રહેલા પુત્રોને બચાવવાની ઈચ્છા કરું તો તે મારુ ઘાતકીપણું જ કહેવાય,પણ તેથી બધાઓનું મરણ તો ન નીપજે?જે પુરુષ ધર્મનો ત્યાગ કરીને અર્થપરાયણ જ રહે છે તે પુરુષ લોકથી હીન થાય છે અને મૂઆ પછી નારકીભાવને પામે છે.સર્વશ્રેષ્ઠ દ્રોણાચાર્ય માર્યા ગયા ત્યારે હવે ભાંગી પડેલા ઉત્સાહવાળા આ સમગ્ર રાષ્ટ્રનો અશેષે નાશ જ થશે એમ મને દેખાય છે.હવે મને જે પ્રમાણે યુદ્ધ થયું હતું તે કહી સંભળાવ.કયા કયા યોદ્ધાઓએ સખત પ્રહારો કરીને યુદ્ધ કર્યું હતું?ને કોણ યુદ્ધમાંથી ભાગ્યા હતા? અર્જુને ને ભીમે શું કર્યું હતું? તે બંનેથી મને ભય લાગે છે.પાંડવો જયારે યુદ્ધ કરવા પાછા ફર્યા ત્યારે તારું મન કેવું થઇ ગયું હતું?ને મારા સૈન્યમાંથી તેમને કોણે અટકાવ્યા હતા? (20)

અધ્યાય-24-સમાપ્ત