અધ્યાય-૨૩-ઘોડા,ધ્વજ-આદિનું વર્ણન
II धृतराष्ट्र उवाच II सर्वेमापेव मे ब्रूहि रथचिह्नानि संजय I ये द्रोणमभ्यवर्तन्त कृद्वा भीम पुरोगमाः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ભીમસેન વગેરે જે યોદ્ધાઓ ક્રોધાયમાન થઈને દ્રોણ પર ચડી આવ્યા હતા
તે બધા રથોનું,ઘોડાઓનું તથા ધજાઓનું તું મારી પાસે વર્ણન કર.
સંજય બોલ્યો-ભીમસેન જયારે,રીંછના જેવા રંગવાળા ઘોડાઓ દોડાવીને દ્રોણ પર ચડી આવ્યો ત્યારે તે જોઈને રૂપેરી રંગના ઘોડાઓવાળો સાત્યકિ પણ ત્યાં ચડી આવ્યો.યુધામન્યુ,પોતાના કાબરચીતરા ઘોડાઓ સાથે ને ધૃષ્ટદ્યુમ્ન કબુતરના રંગના ઘોડાઓ લઈને ત્યાં ચડી આવ્યો.પોતાના પિતાનું રક્ષણ કરવા ઈચ્છતો ક્ષત્રધર્મા લાલ રંગના ઘોડાઓને લઈને ત્યાં ધસી આવ્યો.શિખંડીનો પુત્ર ક્ષત્રદેવ કમળનાં પાંદડાં સમાન રંગવાળા ઘોડાઓને પોતે જાતેજ દોડાવતો આવી પહોંચ્યો હતો.
પોપટનાં પીંછાં સમાન રંગવાળા સુંદર ઘોડાઓ,રથમાં બેઠેલા નકુલને લઈને ત્યાં આવ્યો.મેઘ સમાન શ્યામ રંગના ઘોડાઓ સાથે ઉત્તમૌજા આવ્યો.તેતર સમાન કાબરા રંગના ઘોડાઓ સાથે સહદેવ અને હાથીદાંત જેવા ધોળા રંગના ઘોડાઓ સાથે યુધિષ્ઠિર ત્યાં પહોંચ્યા હતા.તેમની પાછળ વેગમાં વાયુસમાન ઘોડાઓને લઈને સર્વ સૈન્યો પણ યુદ્ધ માટે ચડી આવ્યા હતા.વળી,લલાટના મધ્યમાં રહેલા ચાંદલાવાળા ઘોડાઓથી યુક્ત દ્રુપદરાજ રાજાઓની મધ્ય ભાગમાં રહ્યો હતો.ગુલાબ સમાન રંગવાળા ઘોડાઓ સાથે વિરાટરાજ તેની પાછળ હતો ને કેકયકુમારો,શિખંડી ને ધૃષ્ટકેતુ તેની સાથે હતા.
હળદળ સમાન રંગવાળા ઘોડાઓ વિરાટરાજના પુત્ર ઉત્તરને લઇ જતા હતા,લાલ રંગના ઘોડાઓ કેકયકુમારોને ને ભૂખરા રંગના ઘોડાઓ શિખંડીને લઇ જતા હતા.પાંચાલોના બાર હજાર મહારથીઓ પણ તે યુદ્ધમાં આવ્યા હતા,જેમાંથી છ હજાર તો શિખંડીની પાછળ ચાલતા હતા.શિશુપાલના પુત્રને સારંગ નામના મૃગ જેવા શરીરે નિશાનવાળા ઘોડાઓ રણમાં લઇ જતા હતા.
ચેદીમાં શ્રેષ્ઠ ધૃષ્ટકેતુ કાબરચીતરા રંગના ઘોડાઓ લઈને યુદ્ધ કરવા ચડી આવ્યો હતો.કેકય દેશના સુકુમાર બૃહત્ક્ષેત્ર રાજાને સિંધુદેશના ભૂરા રંગના ઘોડાઓ ને બાહલીક દેશમાં ઉત્પન્ન થયેલા ઘોડાઓ શિખંડીના પુત્ર ઋક્ષદેવને લઇ જતા હતા.
ધોળા ને પીળા રંગના કેળવાયેલા ઘોડાઓ સેનાબિંદુને,ધોળા રંગના અને કાળી ડોકવાળા ઘોડાઓ પ્રતિવિંધ્યને લઇ જતા હતા.અર્જુનપુત્ર સુતસોમને અડદના પુષ્પ સમાન જરા ધોળા તથા પીળા ઘોડાઓ લઇ જતા હતા.નકુલપુત્ર શતાનીકને શાલપુષ્પના સરખા લાલ અને પીળા રંગના ઘોડાઓ,મરકત (લીલા)મણિ સમાન વર્ણવાળા ઘોડાઓ શ્રુતકર્માને ને બપૈયાના પીંછા સમાન રંગવાળા ઘોડાઓ શ્રુતકીર્તિને લઇ જતા હતા.અભિમન્યુને પિંગળા રંગના ઘોડાઓ લઇ જતા હતા તો કૌરવોમાંથી છુટા પડેલ યુયુત્સુને પરાળના જેવા રંગવાળા પ્રચંડકાય ઘોડાઓ લઇ જતા હતા.
શ્યામ વર્ણના ઘોડાઓ વાર્ધક્ષેમીને,કાળા રંગના પગવાળા ઘોડાઓ સૌચિત્તને,સોનેરી રંગના પીઠવાળા ગોરા તથા પીળા રંગના ઘોડાઓ શ્રેણીમાનને,ગૌર વર્ણના ઘોડાઓ કાશીરાજને,લાલ રંગના ઘોડાઓ સત્યધ્રુતિને અને કબુતરના રંગના ઘોડાઓ ધૃષ્ટદ્યુમ્નને રણભૂમિ પ્રતિ લઇ જતા હતા.ધૃષ્ટદ્યુમ્નની પાછળ કાંમ્બોજ દેશના છ હજાર પ્રભદ્રક યોદ્ધાઓ સુવર્ણસમાન ચળકતા રથો સાથે જતા હતા.પિંગળા ને ધોળા રંગના ઘોડાઓ ચેકિતાનને,ઇંદ્રધનુષ્ય સમાન રંગવાળા ઘોડાઓ કુંતીભોજને,વાદળી રંગના ઘોડાઓ રોચમાન રાજાને,કાબરા રંગના,પગે કાળા રંગના ઘોડાઓ જરાસંઘના પુત્ર સહદેવને રણમાં લઇ જતા હતા.
કમળના દાંડલા સમાન રંગના ને વેગમાં બાજ જેવા ઘોડાઓ સુદામા રાજાને,ધોળા ને લાલ વર્ણન તથા ધોળી કેશવાળીવાળા ઘોડાઓ સિંહસેનને,સરસવના ફુલ સમાન રંગવાળા ઘોડાઓ પાંચાલોમા લોકપ્રસિદ્ધ જન્મેજયને,અડદના સરખા વર્ણવાળા-ધૉળી પીઠવાળા ને રંગબેરંગી મુખવાળા ઘોડાઓ પાંચાલ્યને,કમાલના કેસરા સમાન રંગવાળા ઘોડાઓ દંડધારને,અને લાલ તથા મલિન ધોળા રંગની પીઠવાળા ઘોડાઓ વ્યાઘ્રદત્તને રણમાં લઇ જતા હતા.કાળા મસ્તકવાળા ઘોડાઓ પાંચાલવંશના સુધન્વાને,ઇન્દ્ર્ગોપક કીડા સમાન વર્ણવાળા ઘોડાઓ ચિત્રાયુધને,ધોળાશ પડતા રંગયુક્ત પેટવાળા ઘોડાઓ સુક્ષત્રને,
અને કાબરચીતરા ને ઊંચા ઘોડાઓ ક્ષેમિરાજને યુદ્ધમાં લઇ જતા હતા.
ત્યાં શુક્લ નામનો રાજા,ધજા,કવચ,ઘોડા અને ધનુષ્ય એ બધાં ધોળા રંગના લઈને યુદ્ધ કરવા આવ્યો હતો.ચંદ્ર સમાન રંગવાળા ઘોડાઓ ચંદ્રસેનને,નીલકમળ સમાન વર્ણવાળા ઘોડાઓ શૈબ્ય રાજાને,વટાણાના ફૂલ સરખા રંગવાળા અને ધોળી તથા લાલ કેશવાળીવાળા ઘોડાઓ રથસેન રાજાને,પોપટિયા રંગના ઘોડાઓ સમુદ્રદેશના રાજાને,ખાખરાના પુષ્પ સમાન રંગવાળા ઘોડાઓ ચિત્રાયુધ રાજાને લઇ જતા હતા તો નીલરાજા ધજા,કવચ,ધનુષ્ય,રથ ને ઘોડા એ સર્વ શ્યામ વર્ણનું જ લઈને રણમાં આવ્યો હતો.વળી,ચિત્ર નામનો રાજા અનેક પ્રકારનાં રત્નોનાં ચિહનવાળા રંગબેરંગી કવચો,રથ,ઘોડા ને ધજા સાથે આવ્યો હતો.
આકાશી રંગ સમાન વર્ણવાળા ઘોડાઓ,રોચમાનના પુત્ર હેમવર્ણને,ધોળા રંગની પીઠવાળા,ધોળા વૃષણવાળા અને તેથી જ ઈંડા સરખા દેખાતા ઘોડાઓ દંડકેતુ રાજાને યુદ્ધમાં લઇ જતા હતા.પાંડ્યવંશનાં પ્રકારં તથા ધનનો આશ્રયરૂપ સાગરધ્વજ રાજા,
વૈડૂર્યમણિના સાજવાળા ઘોડાઓને રથમાં જોડીને દ્રોણ સામે ધસી આવ્યો હતો.અરડુસાના પુષ્પ સમાન રંગવાળા ઘોડાઓ પાંડ્યરાજાના અનુયાયી એવા એક લાખ ને ચાલીસ હજાર યોદ્ધાઓને રણમાં વહી જતા હતા.અનેક પ્રકારના સ્વરૂપવાળા તથા જુદીજુદી આકૃતિ ને મુખવાળા ઘોડાઓ ઘટોત્કચને વહેતા હતા.બૃહન્ત રાજાને અરટ્ટ દેશમાં ઉત્પન્ન થયલે પ્રચંડકાય ઘોડાઓ રણમાં લઇ જતા હતા.સોનેરી રંગના ઘોડાઓ પર સવાર થયેલા ઘોડેસ્વારો યુધિષ્ઠિરની ચારે બાજુ ચાલતા હતા.
દેવ સરખા રૂપવાળા અનેક પ્રભદ્રક યોદ્ધાઓ જુદાજુદા અનેક રંગવાળા ઘોડાઓ પર સ્વર થઈને ચાલતા હતા.ભીમ સહિત બરાબર સાવધ રહેલા તથા સોનેરી ધજાવાળા તે સર્વ યોદ્ધાઓ દેવો સરખા દીસતા હતા.તે સર્વ યોદ્ધાઓ કરતાં પણ ધૃષ્ટદ્યુમ્ન અધિક કાંતિવાળો દેખાતો હતો.પણ દ્રોણાચાર્ય તો સર્વ કરતાં પણ અધિક દીપતા હતા.દ્રોણાચાર્યનો કાળા મૃગના ચામડાનો બનાવેલો ધ્વજ અને કેવળ સોનાનું કમંડલું અત્યંત શોભતા હતા.હે રાજન,ત્યાં ભીમના દેદીપ્યમાન અને મોટા સિંહના નિશાનવાળા ધ્વજને હું જોતો હતો.યુધિષ્ઠિરનો ચંદ્ર અને ગ્રહગણોથી યુક્ત સોનેરી ધ્વજ જોવામાં આવ્યો હતો.
એ ધર્મરાજના રથની ધ્વજ પર નંદ-ઉપનંદ નામનાં બે દિવ્ય મૃદંગો હતાં કે જે આપમેળે વાગ્યા કરતાં હતાં.નકુલના રથ પર સોનેરી પીઠવાળા શરભના ચિહનવાળો ધ્વજ ફરકતો હતો ને રૂપેરી હંસના નિશાનવાળો સહદેવનો રથધ્વજ દેખાતો હતો.
દ્રૌપદીના પુત્રોના ધ્વજમાં અનુક્રમે,ધર્મ,વાયુ,ઇન્દ્ર અને અશ્વિનીકુમારોની પ્રતિમાઓ શૉભી રહી હતી.અભિમન્યુના ધ્વજમાં સારંગપક્ષી ચીતરેલું હતું.ઘટોત્કચના ધ્વજમાં ગીધપક્ષી શોભી રહ્યું હતું.
યુધિષ્ઠિર પાસે મહેન્દ્ર નામનું,ભીમ પાસે વાયવ્ય નામનું,નકુલ પાસે વૈષ્ણવ નામનું,સહદેવ પાસે અશ્વિનીકુમાર સંબંધી ધનુષ્ય અને ઘટોત્કચ પાસે દિવ્ય અને ભયંકર પૌલસ્ત્ય ધનુષ્ય હતું.દ્રૌપદીના પાંચ પુત્રો પાસે રૌદ્ર,આગ્નેય,કૌબેર,ચામ્ય અને ગિરીશ આ પાંચ ઉત્તમ ધનુષ્યો હતાં.રોહિણીના પુત્ર બળરામે,રુદ્રદેવની શક્તિવાળું જે ઉત્તમ ધનુષ્ય મેળવ્યું હતું તે તેમને પ્રસન્ન થઈને અભિમન્યુને આપ્યું હતું.હે રાજન,આ મેં જે વર્ણવ્યા તે અને એ સિવાયના અનેક બીજા શુરવીરોના સુવર્ણભૂષિત ધ્વજો તે રણભૂમિ પર શત્રુઓના શોકની વૃદ્ધિ કરે તેવા દેખાતા હતા.વળી,તે સૈન્ય તે વેળા જાણે ચિત્રમાં ચીતરેલું હોય તેવું લાગતું હતું.
અધ્યાય-23-સમાપ્ત