Jan 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1028

 

અધ્યાય-૨૨-કર્ણ અને દુર્યોધનની વાતચીત 


 II धृतराष्ट्र उवाच II भारद्वाज भग्नेषु पांडवेषु महामृधे I पांचालेषु च सर्वेषु कश्चिदन्योम्पवर्तत II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-તે મહાન યુદ્ધમાં દ્રોણાચાર્યે પાંડવોના સૈન્યમાં ભંગાણ પાડ્યું તે વખતે બીજો કયો પુરુષ તેમની સામે યુદ્ધ કરવા આવ્યો હતો? અહો,એ આશ્ચર્યની વાત છે કે-એ પાંડવસૈન્યમાં તેવો કોઈ પુરુષ નહોતી કે જે દ્રોણાચાર્યને જોઈને ત્યાંથી પાછો ન હઠે!દ્રોણાચાર્યને ત્યાં ઉભેલા જોઈને કયા ક્યા શૂરવીર યોદ્ધાઓ યુદ્ધ કરવા પાછા ફર્યા હતા?

સંજય બોલ્યો-જેમ,નદીના મહાવેગમાં,વહાણો તણાઈ જાય છે તેમ,દ્રોણના બાણોના વેગથી પાંચાલો,મત્સ્યો,પાંડવો,

સૃન્જયો-આદિ સર્વ યોદ્ધાયુદ્ધમાં ચલિત થઈને તણાવા લાગ્યા હતા.તે વેળા સૈન્યની મધ્યમાં રહેલો દુર્યોધન હર્ષમાં આવી ગયો અને મંદહાસ્ય કરીને કર્ણને કહેવા લાગ્યો કે-'હે રાધાપુત્ર,તું જો તો ખરો,આ પાંચાલ યોદ્ધાઓને દ્રોણાચાર્યના બાણોએ કેવા હાંકી કાઢ્યા છે ! તેઓ આકુળવ્યાકુળ થઈને નાસાનાસ કરે છે.તેઓ કદી પણ પુનઃ યુદ્ધ કરવાની ઈચ્છા કરશે નહિ એમ હું માનું છું.આ મહાક્રોધી ભીમ પણ પોતાના રક્ષક વિના એકલો થઈને ઉભો છે.મારા યોદ્ધાઓ તેને ચારે બાજુથી ઘેરી વળ્યા છે,એ જોઈને મને ઘણો જ આનંદ થાય છે.મને તે જીવિત ને રાજ્યથી નિરાશ થઇ ગયેલો લાગે છે.

કર્ણ બોલ્યો-'હે રાજન,આ મહાબાહુ ભીમસેન જીવતો છે ત્યાં સુધી કદી પણ યુદ્ધનો ત્યાગ કરે તેમ નથી,તેમ જ આ સિંહનાદોને તે સહન કરી લેશે નહિ.વળી,પાંડવો આ યુદ્ધમાંથી પાછા હઠે એમ હું માનતો જ નથી.વળી,ઝેર,અગ્નિ,જુગાર,અને વનવાસ-આદિ દુઃખોનું સ્મરણ કરી રહેલા એ પાંડવો યુદ્ધનો ત્યાગ કરશે નહિ એમ હું નિશ્ચિતપણે માનું છું.અમાપ તેજવાળો ભીમ જયારે યુદ્ધ કરવા મચી પડશે ત્યારે આપણા સારાસારા મહારથીઓને મારી નાખશે.ને અસંખ્ય યોદ્ધાઓનો સંહાર કરશે.


સાત્યકિ વગેરે મહારથીઓ તથા પાંચાલ,કેકય,મત્સ્ય ને તેના પાંડવ ભાઈઓ તે ભીમસેનને અનુસરે છે.ભીમ તેમને પ્રેરણા કરશે ત્યારે તેઓ આપણા સૈન્યનો સંહાર કરી નાખશે.અત્યારે પણ તેઓ તે ભીમનું રક્ષણ કરતા દ્રોણાચાર્ય સામે લડી રહયા છે.તે સર્વ અસ્ત્રકુશળ છે ને દ્રોણને અટકાવવાને પૂરતા છે.માટે હું માનું છું કે-આ સમયે દ્રોણ પર મોટો બોજો આવી પડ્યો છે,માટે ચાલો આપણે બધા જ્યાં દ્રોણ છે ત્યાં પહોંચીએ કે જેથી તે સર્વ દ્રોણને મારી ન જાય.'

કર્ણનું વચન સાંભળીને દુર્યોધન પોતાના ભાઈઓ ને કર્ણ સાથે દ્રોણાચાર્યના રથ પાસે જઈ પહોંચ્યો.

અધ્યાય-22-સમાપ્ત