Aug 27, 2019

ભાગવત રહસ્ય-૪૫

વ્યાસજી કહે છે- તમારી વાત સાચી છે. મારું મન અશાંત છે.પણ અશાંતિનું કારણ શું છે? તે સમજાતું નથી. જાણતો નથી.મારી કાંઇક ભૂલ થઇ છે. પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી મને મારી ભૂલ બતાવો.હું તમારો ઉપકાર માનીશ.મારી ભૂલ હું સુધારીશ.

પ્રત્યક્ષમાં વખાણ કરનાર ઘણા મળે છે.પણ ભૂલ બતાવનારા મળતા નથી.જેને તમારી લાગણી હશે તે જ તમને તમારી ભૂલ બતાવશે. માટે જે-તમારી ભૂલ બતાવે તેનો ઉપકાર માનજો. મનુષ્યને પાપ કરતાં શરમ નથી આવતી-પણ પાપની કબુલાત કરતાં શરમ આવે છે. ભૂલ કબુલ કરતાં શરમ આવે છે.વ્યાસજીનો વિવેક જોતાં-નારદજીને આનંદ થયો.

નારદજીએ કહ્યું-મહારાજ આપ નારાયણના અવતાર છે. તમારી ભૂલ શું થાય ? તમે જ્ઞાની છો,તમારી કોઈ ભુલ થઇ નથી. છતાં આપ આગ્રહ કરો છો-તો એક વાત કહું છું-કે-આપે બ્રહ્મ-સૂત્રમાં વેદાંતની બહુ ચર્ચા કરી. આત્મા-અનાત્માનો બહુ વિચાર કર્યો. જીવ કેવો છે?ઈશ્વર કેવો છે? જગત કેવું છે ? –તેવી બહુ ચર્ચા કરી.
યોગસૂત્રના ભાષ્યમાં –યોગની બહુ ચર્ચા કરી.સમાધિના ભેદોનું બહુ વર્ણન કર્યું.

પુરાણોમાં ધર્મની વ્યાખ્યાઓ કરી-વર્ણાશ્રમ ધર્મનું વર્ણન કર્યું. -પણ-ધર્મ-જ્ઞાન અને યોગ –એ સર્વના આધાર-શ્રીકૃષ્ણ છે. આ સર્વના આત્મા શ્રીકૃષ્ણ છે. તેની લીલા-કથા આપે પ્રેમમાં પાગલ થઇને વર્ણવી નથી. તમે ભગવાનનો નિર્મળ યશ પૂર્ણ રીતે વર્ણવ્યો નથી.હું માનું છું-કે –જે વડે ભગવાન પ્રસન્ન ના થાય-તે શાસ્ત્ર અપૂર્ણ જ છે.વળી તમારું તત્વ જ્ઞાન કળિયુગના વિલાસી-ભોગી લોકોને ઉપયોગી થશે નહિ.

તમારુ જીવન કલિયુગના જીવોનું કલ્યાણ કરવા-જીવોનો ઉદ્ધાર કરવા થયો છે. તમારું તે અવતાર કાર્ય હજુ તમારે હાથે પૂર્ણ થયું નથી.તેથી તમારા મનમાં ખટકો છે.જ્ઞાની પુરુષ પણ પરમાત્માના પ્રેમમાં પાગલ ના થાય –ત્યાં સુધી આનંદ મળતો નથી.પ્રભુ મિલન માટે જે આતુર થતો નથી તેનું જ્ઞાન શું કામનું ?

મને એમ લાગે છે કે -કળિયુગનો ભોગી મનુષ્ય યોગાભ્યાસ કરી શકશે નહિ-અને કદાચ કરવા જશે તો રોગી થશે.કળિયુગનો ભોગી જીવ –તમારા બ્રહ્મસુત્ર-વગેરે સમજી શકશે નહિ. વિલાસી મનુષ્ય તમારા ગહન સિદ્ધાંતો શી રીતે સમજી શકશે ?

આપે જ્ઞાનની બહુ ચર્ચા કરી છે-કર્મયોગનું સ્વરૂપ બતાવ્યું-યોગશાસ્ત્ર ઉપર ભાષ્ય રચ્યું.તમે કોઈ ગ્રંથમાં જ્ઞાન ને તો કોઈ ગ્રંથમાં કર્મ ને મહત્વ આપ્યું છે. મહાભારતમાં કૃષ્ણ કથા વર્ણવી-પણ તેમાં –ધર્મને મહત્વ આપ્યું છે. આપે આ બધાં ગ્રંથોમાં પ્રભુ પ્રેમને ગૌણ ગણ્યો. અને ક્યાંય તમે ભગવાનની લીલા-કથાનું-પ્રેમથી-વિસ્તારપૂર્વક વર્ણન કર્યું નથી.

પૂર્વ મીમાંસા - માં આપે કર્મમાર્ગ-પ્રવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું.-કહ્યું-કે –જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્કર્મ છોડશો નહિ.ઉત્તર મીમાંસા –માં નિવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું, અને સન્યાસ-જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું.
મને એમ લાગે છે કે-આ બંને માર્ગો-કળિયુગમાં ઉપયોગી થઇ શકશે નહિ. કોઈ મધ્યમ રસ્તો બતાવો.
કર્મ કરે પણ –તે કૃષ્ણ પ્રેમ વિનાનું હોય –તો તેની કિંમત થતી નથી. સત્કર્મ કરતાં “હું”-અહમ વધી જાય-ને પ્રભુમાં પ્રેમ ના જાગે તો –એ સત્કર્મ શા કામનું ?

આ બધું –પ્રભુને માટે કરું છું-એવી ભાવનાથી કર્મ થવું જોઈએ.કૃષ્ણ પ્રેમ વગર-કર્મનો આગ્રહ-વ્યર્થ છે-જ્ઞાન વ્યર્થ છે-યોગ વ્યર્થ છે-ધર્મ વ્યર્થ છે.કૃષ્ણ પ્રેમ વગર જ્ઞાનની શોભા નથી.-એ જ્ઞાન શુષ્ક છે. જ્ઞાનનું ફળ-પૈસા-પ્રતિષ્ઠા કે પરોપકાર નથી-પણ પ્રભુ ના ધ્યાનમાં મગ્ન રહેવું-એ જ્ઞાનનું ફળ છે.

બધાં પ્રવૃત્તિ(કર્મ)માં ફસાયેલાં રહે-તે પણ યોગ્ય નથી-પ્રવૃત્તિમાં વિવેક રાખવો જોઈએ.
બધાં નિવૃત્તિ (જ્ઞાન)માં રહે તે પણ યોગ્ય નથી.પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય –કૃષ્ણ પ્રેમથી થાય છે.
વ્યવહાર અને પરમાર્થનો સમન્વય –કૃષ્ણપ્રેમથી થાય છે.
પ્રવૃત્તિ-પરમાત્મા માટે કરે-પરોપકાર માટે કરે –તો તે પ્રવૃત્તિ પણ નિવૃત્તિનું ફળ આપે છે.

પરમાત્માને પ્રસન્ન કરવા જે –પ્રવૃત્તિ કરે- તે નિવૃત્તિ જ છે.
પ્રવૃત્તિ અને નિવૃત્તિનો –સમન્વય કરી બતાવે-તેવી કથા આપ કરો.
ભગવત-પ્રેમમાં મનુષ્ય તન્મય બને તો –તેને જ્ઞાન અને યોગ –બંનેનું ફળ મળે છે.
કૃષ્ણ-કિર્તન અને કૃષ્ણકથા –વગર કળિયુગમાં મનુષ્ય નુ જીવન સુધરશે નહિ.
કૃષ્ણ પ્રેમ જાગે તો જ જીવન સુધરે છે.
  
      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE