Aug 26, 2019

ભાગવત રહસ્ય-૪૪

સૂતજી કહે છે-દ્વાપરયુગની સમાપ્તિનો સમય હતો.
બદ્રીનારાયણ જતાં રસ્તામાં કેશવ-પ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજીનો-સમ્યપ્રાશ- આશ્રમ છે. ભાગવતની રચના ત્યાં થઇ છે.વ્યાસજીને કળિયુગના દર્શન થયાં. તેમને-તે વખતે-પાંચ હજાર વર્ષ પછી શું થશે?-તેના દર્શન થયાં.
(બારમાં સ્કંધમાં આનું વર્ણન કર્યું છે.વ્યાસજીએ જેવું (સમાધિમાં) જોયું તેવું લખ્યું છે.)

વ્યાસજીએ જોયું(વિચાર્યું)- કે –કળિયુગમાં લોકો વિલાસી થશે-મનુષ્યો બુદ્ધિહીન થશે. વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહિ. આથી તેમણે વેદના ચાર વિભાગ કર્યા. પણ પાછું ફરીથી વિચાર્યું કે-વેદનું પણ કદાચ અધ્યયન કરે તો તેને સાચી રીતે સમજી શકશે નહિ-તેના તાત્પર્યનું (તત્વનું) જ્ઞાન થશે નહિ. તેથી 
સત્તર પુરાણોની રચના કરી. વેદોનો અર્થ સમજાવવા –વ્યાસજીએ પુરાણો ની રચના કરી.
પુરાણો વેદ પરનું ભાષ્ય છે. દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવીને –સરળ ભાષામાં વેદનો સાર જ પુરાણોમાં સંભળાવ્યો છે.

વેદો પર તેમણે વિરાગીને (સાત્વિક બુદ્ધિ-વૃત્તિ વાળાને) વેદ શ્રવણનો અધિકાર આપેલો..
(વેદોનું તત્વ –સાચી રીતે સમજવા-અતિ-સાત્વિક –બુદ્ધિ અને વિરાગ –મહત્વનો છે-એટલે ?-કદાચ??)
પણ સર્વજનોનું કલ્યાણ થાય અને સર્વજનો- સરળતાથી વેદોનું તાત્પર્ય સમજી શકે-અધિકારી બની શકે- એમ વિચારી મહાભારતની રચના કરી. મહાભારત એ સમાજ શાસ્ત્ર છે.એમાં બધી જ જાતના પાત્રો છે.મહાભારત –એ –જાણે પાંચમો વેદ છે-જેના શ્રવણ માટે - સર્વને અધિકાર આપ્યો છે.(બધાં સમજી પણ શકે છે)

આ શરીર જ ક્ષેત્ર છે.(ધર્મ-ક્ષેત્રે-કુરુ-ક્ષેત્રે). તેમાં ધર્મ-અધર્મનું યુદ્ધ થાય છે.
મહાભારત –દરેકના મનમાં-અને ઘરમાં-રોજે-રોજ ભજવાય છે.
સદ-વૃત્તિઓ(દૈવિક) અને અસદ-વૃત્તિઓ (આસુરી) નું યુદ્ધ- એ –મહાભારત.
જીવ-ધૃતરાષ્ટ્ર છે. જેને આંખ નથી તે ધૃતરાષ્ટ્ર નથી-પણ જેની આંખમાં કામ છે-તે આંધળો ધૃતરાષ્ટ્ર છે.(વિષયાનુરાગી) અધર્મ-રૂપ કૌરવો અનેક વાર ધર્મને મારવા જાય છે. યુધિષ્ઠિર અને દૂર્યોધન –રોજ લડે છે.

આજે પણ દૂર્યોધન આવે છે.પ્રભુ ભજન માટે સવારે ચાર વાગે ઠાકોરજી જગાડે છે-ધર્મરાજા કહે છે કે-ઉઠ-સત્કર્મ કર.પણ દૂર્યોધન કહે છે કે-પાછલા પહોરની મીઠી ઊંઘ આવે છે-વહેલા ઉઠવાની શું જરૂર છે ? તું હજુ આરામ કર.શું બગડી જવાનું છે ? કેટલાક જાગે છે-પણ પથારી છોડવાની ઈચ્છા થતી નથી. જગ્યા પછી પથારીમાં આળોટતા રહેવું તે મૂર્ખાઈ નથી ? પ્રાતઃકાળની નિદ્રા પુણ્યનો નાશ કરે છે.

પરમાત્મા જગાડે છે-પણ માનવ સાવધ થતો નથી.ધર્મ અને અધર્મ –આમ અનાદિ-કાળથી લડે છે. ધર્મ ઈશ્વરના શરણે જાય તો-ધર્મનો વિજય થાય છે.

આટલા ગ્રંથોની રચના કરી પણ –તેમ છતાં –વ્યાસજીના મનને શાંતિ મળતી નથી.
જ્ઞાની પુરુષો પોતાની અશાંતિ નું કારણ –અંદર-શોધે છે. અજ્ઞાનીઓ અશાંતિના કારણને બહાર શોધે છે.
તમારા દુઃખનું કારણ બહાર નથી-પણ અંદર છે. અજ્ઞાન –અભિમાન-એ દુઃખના કારણો છે.

વ્યાસજી અશાંતિનું કારણ શોધે છે.મેં કોઈ પાપ તો કર્યું નથી ને ?(પાપ વગર અશાંતિ થતી નથી) 
ના-ના-હું નિષ્પાપ છું.પણ મને મનમાં કઈક ખટકે છે. મારું કોઈ પણ કાર્ય અધૂરું છે. મારી કંઈક ભૂલ થઇ છે.
વિચારે છે-કે-મને કોઈ સંત મળે તો-ભૂલ મને બતાવે.

સત્સંગ વગર મનુષ્યને પોતાના દોષનું ભાન થતું નથી.સાત્વિક –આહાર-સદાચાર-પ્રભુના નામનો આશ્રય કર્યો હોય-છતાં મન છટકી જાય છે. તેવા સાધકને ઈચ્છા થાય કે –કોઈ સદગુરુ મારાં મનને વિશુદ્ધ બનાવે.(સત્સંગ) વ્યાસજીના સંકલ્પથી પ્રભુએ નારદજીને ત્યાં આવવા પ્રેરણા કરી છે. કિર્તન કરતાં કરતાં નારદજી ત્યાં પધારે છે.વ્યાસજી ઉભા થયા.સુંદર દર્ભ નું આસન બેસવા માટે આપ્યું છે. તેમની પૂજા કરી છે.
નારદજીએ –વ્યાસજીને-કુશળ પ્રશ્નો પૂછ્યા. વ્યાસજીના મુખ પર ચિંતાની લાગણીઓ જોઈ –નારદજી કહે છે-કે-તમને ચિંતામાં જોઈ આશ્ચર્ય થાય છે. તમે આનંદમાં નથી.

     
      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE