Jan 24, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1027

 

અધ્યાય-૨૧-આ તે દ્રોણ કે સાક્ષાત કાળ?


II संजय उवाच II ततो युधिष्ठिरो द्रोणं द्रष्ट्वान्तिकमुपागतम I महता शरवर्षेण प्रत्यगृहणादभीतवत II १ II

સંજય બોલ્યો-તે પછી,દ્રોણાચાર્યને લગભગ પોતાની પાસે આવેલા જોઈને યુધિષ્ઠિરે મોટી બાણની વૃષ્ટિ કરી નિર્ભયની જેમ તેમની સામે થયા.દ્રોણને જોઈને સત્યજિત,યુધિષ્ઠિરનું રક્ષણ કરવાની ઈચ્છાથી દ્રોણની સામે ધસ્યો.તેણે તીક્ષ્ણ બાણો છોડીને દ્રોણને વીંધી નાખ્યા અને તેમના સારથી,ઘોડા ને પૃષ્ઠરક્ષકને પણ વીંધી નાખ્યા.શત્રુના આ ચરિત્રને જોઈને દ્રોણાચાર્યે મનમાં વિચાર કર્યો કે-'આને તો હવે મારવો જ પડશે' પછી તેમણે દશ તીક્ષ્ણ બાણોથી સત્યજિતને વીંધી નાખ્યો અને તેના ધનુષ્યનાં ટુકડા કરી નાખ્યા.તે જોઈને પાંચાલવંશના વૃકે,બાણોનો વરસાદ કરી દ્રોણાચાર્યને છાઈ દીધા.

સામે દ્રોણે અનેક બાણો મૂકીને,સારથી અને ઘોડા સહિત વૃકને હણી નાખ્યો.હવે સત્યજિત નવું ધનુષ્ય લઈને દ્રોણાચાર્યને પીડવા લાગ્યો.ત્યારે આચાર્યે અર્ધચંદ્રાકાર બાણ મૂકીને તે સત્યજિતનું મસ્તક કાપી નાખ્યું.પાંચાલોનો શ્રેષ્ઠ મહારથી આમ જયારે યુદ્ધમાં માર્યો ગયો ત્યારે દ્રોણથી ત્રાસ પામેલા યુધિષ્ઠિર રથને દોડાવીને ત્યાંથી નાસવા લાગ્યા.યુધિષ્ઠિરનું રક્ષણ કરવા ઇચ્છતા પાંચાલો,કેકયો,મત્સ્યો-આદિ દ્રોણાચાર્ય સામે ધસ્યા ત્યારે દ્રોણાચાર્ય તે સૈન્યનો સંહાર કરવા લાગ્યા.સૈન્યોનો સંહાર થતો જોઈને વિરાટરાજનો નાનો ભાઈ શતાનીક ત્યાં ચડી આવ્યો.ને સેંકડો બાણો છોડીને તેણે દ્રોણને ઢાંકી દીધા.


કોપાયમાન થયેલા આચાર્યે,ક્ષુરજાતિના બાણ વડે તે શતાનીકનું મસ્તક ધડથી જુદું પાડી દીધું.એ જોઈને સર્વ મત્સ્ય યોદ્ધાઓ ત્યાંથી ભાગી છૂટ્યા.આમ મત્સ્ય યોદ્ધાઓ પરના વિજય પછી,તે આચાર્યે પાંચાલ,સૃન્જય-આદિ યોદ્ધાઓને જીતવા મંડ્યા.

સૈન્યોનો સંહાર કરતા દ્રોણને જોઈને સૃન્જય યોદ્ધાઓ કંપી ઉઠયા.આચાર્યના બાણોએ હાથી,ઘોડા,રથી,પાળાઓનો નાશ કરવા માંડ્યો હતો.મહાધનુર્ધર આચાર્યે પાંડવ સૈન્યને ખળભળાવી મૂકી સર્વ દિશામાં ઘૂમવા માંડ્યું ને શત્રુ સૈન્યનું મહાનિકંદન કાઢવા માંડ્યું હતું.ને તેમણે બીકણોને ત્રાસ ઉપજાવે તેવી ભયંકર ને બીભત્સ દેખાતી લોહીની નદી વહાવી દીધી હતી.


સાક્ષાત કાળની જેમ સૈન્યોનો નાશ કરી રહેલા તે આચાર્ય પર યુધિષ્ઠિર વગેરે યોદ્ધાઓ ચોતરફથી ધસી આવ્યા ને તેમને ઘેરી લીધા.તે વખતે કૌરવ પક્ષના રાજાઓ અને રાજપુત્રો તેમનું રક્ષણ કરવાની ઈચ્છાથી ત્યાં દોડી આવ્યા.પછી,ત્યાં શિખંડી,

ક્ષત્રવર્મા,વસુદાન,ઉત્તમૌજા,ક્ષત્રદેવ,સાત્યકિ,યુધામન્યુ,યુધિષ્ઠિર,ધૃષ્ટદ્યુમ્ન અને ચેકિતાને સાથે મળીને તેમના પર અનેક બાણોથી પ્રહાર કર્યો.ચાલાક હાથવાળા આચાર્યે સામે તે સર્વને એક સાથે અનેક બાણોથી વીંધી નાખ્યા.વસુદાન અને બીજા અનેકને મારી નાખીને,ને સાત્યકિને પણ અનેક બાણોથી વીંધીને તેમણે સત્વર યુધિષ્ઠિર સામે ધસારો કર્યો.એટલે યુધિષ્ઠિર ત્યાંથી નાસવા લાગ્યા.ત્યારે દ્રોણ સામે પાંચાલ્ય નામનો યોદ્ધો આવી ઉભો રહ્યો.દ્રોણે સત્વર જ તેને મોતને શરણ કર્યો.


આમ,પાંચાલોનો યશસ્વી રાજપુત્ર માર્યો ગયો ત્યારે તે સ્થળે 'દ્રોણને મારો-દ્રોણને મારો'એવો મહાન શબ્દ થઇ રહ્યો.

પાંચાલો,મત્સ્યો અને કેકયો અત્યંત કોપાયમાન થઇ ગયા પણ બળવાન દ્રોણાચાર્યે તે સર્વ પાંડવ-સૃન્જય યોદ્ધાઓને 

ગભરાવી મુક્યા.વળી,કૌરવોથી વીંટાયેલા તે દ્રોણાચાર્યે તે યુદ્ધમાં સાત્યકિ,ચેકિતાન,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી-એ સૌ યોદ્ધાઓને ને બીજા અનેક દેશના રાજાઓને જીતી લીધા હતા.નાસભાગ કરતા પાંડવ પક્ષના યોદ્ધાઓનો કૌરવો સંહાર કરવા લાગ્યા ત્યારે પાંચાલ,કેકય અને મત્સ્ય યોદ્ધાઓ,આચાર્યના પ્રહારોથી પીડિત થઈને ધ્રુજી રહ્યા હતા. (65)

અધ્યાય-21-સમાપ્ત