અધ્યાય-૨૦-સૈન્યોનો કચ્ચરઘાણ
II संजय उवाच II परिणाम्य निशां तां तु भरद्वाजो महारथः I उक्त्वा सुबहु राजेन्द्र वचनं वै सुयोधनम् II १ II
સંજય બોલ્યો-હે રાજેન્દ્ર,તે રાત્રિના બીજે દિવસે મહારથી દ્રોણાચાર્યે,દુર્યોધનને ઘણાં વચનો કહીને અર્જુન તથા સંશપ્તકોનો સામસામો ભેટો કરાવ્યો એટલે અર્જુન તે સંશપ્તકોનો વધ કરવા માટે ચાલી નીકળ્યો હતો.ત્યારે પોતાના સૈન્યની વ્યૂહરચના કરીને દ્રોણાચાર્ય ધર્મરાજને પકડવાની ઈચ્છાથી પાંડવોની સેના પ્રત્યે ધસી ગયા.તેમણે ગરુડવ્યૂહ રચ્યો હતો.સામે યુધિષ્ઠિરે મંડલાર્ધ નામનો વ્યૂહ રચ્યો હતો.ગરુડવ્યૂહના મોખરે દ્રોણ હતા અને તેના મસ્તકના પ્રદેશમાં પોતાના અનુચર ભાઈઓ સહીત દુર્યોધન ઉભો હતો.તેના ચક્ષુના સ્થાનમાં કૃપ અને કૃતવર્મા ઉભા હતા.
કામ્બોજ,કેકયો,શૂરસેનો આદિ-અનેક દેશના રાજાઓ ગ્રીવાના સ્થાને ઉભા હતા.ભૂરિશ્રવા,શલ્ય,સોમદત્ત અને બાહલીક રાજા તે વ્યૂહના જમણા પડખે તો અવંતિકુમારો,સુદક્ષિણ આદિ અશ્વસ્થામાને આગળ કરીને ડાબા પડખે ઉભા હતા.તેના પુંછડાના ભાગમાં કર્ણ,કલિંગો,માગધો-આદિ અનેક રાજાઓ સાથે પોતાના પુત્ર અને બાંધવો સહીત ઉભો હતો.જયદ્રથ,ભીમરથ,
નિષધરાજ આદિ અનેક દેશના રાજાઓ વ્યુહના વક્ષઃસ્થળ (છાતી)ના પ્રદેશમાં ઉભા હતા.તે વ્યુહના મધ્યભાગમાં ભગદત્ત,સૂર્યની જેમ શોભતો હતો.જીતવાને અશક્ય એવા આ વ્યુહને જોઈને યુધિષ્ઠિરે ધૃષ્ટદ્યુમ્નને કહ્યું કે-
'હે ધૃષ્ટદ્યુમ્ન,આજે હું જે રીતે દ્રોણાચાર્યને હાથે કેદ ન થાઉં તેવી નીતિ તમે રચો'
ધૃષ્ટદ્યુમ્ને કહ્યું-હે રાજન,દ્રોણ ગમે તેટલો પ્રયાસ કરે તો પણ તમે તેને સ્વાધીન થશો નહિ.આજે હું તેમને અટકાવી રાખીશ,જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તમારે ઉદ્વેગ કરવાનો ન હોય.દ્રોણ કોઈ પણ રીતે મને રણમાં જીતી શકે તેમ નથી'
આમ કહીને તે બાણોનો વરસાદ કરી દ્રોણ સામે ધસી ગયો.તેને આવતો જોઈને દ્રોણનું મન એક ક્ષણવાર ઉદાસ થઇ ગયુ.ત્યારે દુર્મુખ તમનું પ્રિય કરવાની ઈચ્છાથી તેને આગળ વધતો રોકવા લાગ્યો.તેમની વચ્ચે તુમુલ ઝપાઝપી થઇ રહી.એ બંને યુદ્ધ કરવામાં રોક્યા હતા ત્યારે દ્રોણાચાર્યે યુધિષ્ઠિરના સૈન્યને અનેક પ્રકારે મથી નાખ્યું ને છિન્નભિન્ન કરી નાખ્યું.
બંને સૈન્ય વચ્ચે અતિ ભયંકર યુદ્ધ થયું.હાથી,ઘોડા,રથ અને યોદ્ધાઓના શરીરોથી વ્યાપ્ત થએલી તે રણભૂમિ માંસ અને લોહીના કાદવવાળી થઇ ગઈ.સારથી ને રથી યોદ્ધાઓ વિનાના રથો,સવાર વિનાના ઘોડાઓ,ને માર્યા ગયેલા મહાવતોવાળા હાથીઓ ભયાતુર થઈને મરજીમાં આવે તેમ આમતેમ દોડતા હતા.તે યુદ્ધ એટલી તુમુલ થઇ પડ્યું હતું કે તેમાં કંઈ જ જણાતું નહોતું.ને તેથી જ તે યુદ્ધમાં પિતા,પુત્રને કે પુત્ર,પિતાને હણી નાખતો હતો.એ પ્રમાણે અનેક યોદ્ધાઓનો નાશ કરનારું ઘોર સ્વરૂપવાળું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે દ્રોણાચાર્ય શત્રુઓને મોહ પમાડી યુધિષ્ઠિર તરફ ઘસતા હતા.(63)
અધ્યાય-20-સમાપ્ત