અધ્યાય-૧૯-અર્જુનનાં દિવ્યાસ્ત્રો
II संजय उवाच II द्रष्ट्वा तु संनिवृतौंस्तान् संशप्तकगणान पुनः I वासुदेव महात्मार्जुनः समभापत II १ II
સંજય બોલ્યો-આમ સંશપ્તકયોદ્ધોની ટુકડી ફરી યુદ્ધ કરવા માટે પાછી ફરેલી જોઈને અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-
'હે હૃષીકેશ,આપણા રથને તે સંશપ્તકોની ટુકડી સામે હંકારો.મને લાગે છે કે તેઓ જીવતા સંગ્રામ છોડશે નહિ.આજે તેમને હું રણમાં રોળી નાખીશ' ત્યારે શ્રીકૃષ્ણે મંદહાસ્ય કરીને અર્જુનની ઈચ્છા પ્રમાણે રથને હાંક્યો.સામે ક્રોધાયમાન થયેલી સંશપ્તકોની ટુકડીએ અનેક પ્રકારના આયુધોને હાથમાં લઈને અર્જુનને બાણોના સમૂહથી છાઈ દીધો ને અર્જુનને ઘેરી લીધો.
ત્યારે અર્જુને ક્રોધસૂચક ભ્રમર ચઢાવીને પોતાનો દેવદત્ત શંખ ફૂંકીને,શત્રુઓનો નિકંદન કાઢનારું વિશ્વકર્મા દેવનું અસ્ત્ર સાંધ્યુ.એટલે ત્યાં જુદાંજુદાં અનેક હજાર રૂપો પ્રગટ થયાં.ત્યાં પોતાના સરખાં અનેક રૂપોથી મોહિત થયેલા તે યોદ્ધાઓ એકબીજાને અર્જુન માનીને પોતાનાઓને જ હણવા મંડી પડ્યા.ને અર્જુન દિવ્ય અસ્ત્રથી મોહિત થયેલા તે ત્રિગર્તો પરસ્પર પ્રહાર કરીને નાશ પામવા લાગ્યા.તે પછી વિશ્વકર્માનું અસ્ત્ર શત્રુઓએ છોડેલાં હજારો બાણોને ખાક કરીને તે વીરોને યમરાજાના ઘેર પહોંચાડવા લાગ્યું.અર્જુને શત્રુ યોદ્ધાઓને અનેક બાણો મૂકીને ગભરાવી નાખ્યા.
એમ છતાં,તે યોદ્ધાઓ કાળથી પ્રેરાઈને અર્જુન પર અનેક પ્રકારની બાણજાળો છોડી રહ્યા હતા,કે જેથી તે રણપ્રદેશ એટલો બધો ઢંકાઈ ગયો હતો કે અર્જુન,શ્રીકૃષ્ણ ને તેમનો રથ-એમાંનું કંઈ પણ દેખાતું નહોતું.તેમને ત્યાં નહિ જોવાથી તે યોદ્ધાઓ મૉટે મોટેથી 'અર્જુન ને શ્રીકૃષ્ણ માર્યા ગયા' એમ કહેવા લાગ્યા.ને વાદિન્ત્રો વગાડવા લાગ્યા.તે સાંભળી,અર્જુને સત્વર વાયવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો કે જેથી શત્રુઓએ ફેંકેલી બાણવૃષ્ટિ દૂર થઇ ગઈ.વાયુદેવે અત્યંત વેગથી ઘોડા,રથો,હાથીઓ સહીત તે સંશપ્તક યોદ્ધાઓને ચારે બાજુ ઉડાડવા માંડ્યા.ત્યારે અર્જુને ઝપાટાબંધ બાણવૃષ્ટિ કરીને શત્રુઓનો વિનાશ કરવા માંડ્યો.
સમગ્ર રણભૂમિ સેંકડો મસ્તકો વિનાના ઢાળોથી ગીચ થવાથી ભયાનક ભાસતી હતી.અર્જુનનું તે યુદ્ધ રમખાણ રૌદ્ર ને બીભત્સ દેખાતું હતું.અર્જુનના ઝપાટામાં આવતા રથીઓ ને હાથીસ્વારો એટલા બધા ગભરાઈ ગયા હતા કે તેઓ બેભાન થઈને અર્જુનની સામા આવી જતા હતા ને મૃત્યુને શરણ થતા હતા.મરણ પામેલા તે મહારથીઓથી છવાઈ ગયેલી તે આખી રણભૂમિ જાણે ચોતરફથી પ્રેતમય થઇ હોય તેવી દેખાતી હતી.
આમ,જયારે અર્જુન ત્રિગર્તોની સેનાનો સંહાર કરી રહ્યો હતો તે સમયે દ્રોણાચાર્યે યુધિષ્ઠિર સામે ચડાઈ કરી હતી.ત્યારે પાંડવ યોદ્ધાઓ પણ યુધિષ્ઠિરનું રક્ષણ કરવા માટે સૈન્યને વ્યૂહરચનામાં ગોઠવીને દ્રોણાચાર્ય સામે ધસી ગયા હતા.તે વેળાએ તે બંને સૈન્યો વચ્ચે તુમુલ યુદ્ધ થઇ રહ્યું હતું.(39)
અધ્યાય-19-સમાપ્ત