અધ્યાય-૧૮-ત્રિગર્તોના નાશનું મંગલાચરણ-સુધન્વા માર્યો ગયો
II संजय उवाच II ततः संशप्तका राजन समे देशे व्यवस्थिताः I व्युह्यानिकं रथैरेव चन्द्राकारं मुदापुता:II १ II
સંજય બોલ્યો-હે રાજન,ત્યાર પછી હર્ષમાં આવી ગયેલા સંશપ્તક યોદ્ધાઓ પોતાના સૈન્યને રથો વડે ચંદ્રાકારે ગોઠવીને સપાટ પ્રદેશમાં ઉભા રહ્યા.અર્જુનને સામે આવતો જોઈને તેઓએ મોટા શબ્દથી હર્ષનાદો કરી મુક્યા.તેમને હર્ષમાં આવેલા જોઈને અર્જુને મંદહાસ્ય કરીને શ્રીકૃષ્ણને કહ્યું કે-હે દેવકીપુત્ર,યુદ્ધમાં મરવાની ઈચ્છાથી આવેલા આ ત્રિગર્તભાઈઓને તમે જુઓ.આ રડવાના સમયે તેઓ હર્ષયુક્ત થયેલા છે.આ પાપી પુરુષોને દુર્લભ એવા દિવ્યલોકને તેઓ આજે પામશે'
અર્જુને આમ કહીને પોતાના દેવદત્ત શંખને હાથમાં લીધો ને ઘણા જ જોરથી તેને ફૂંક્યો.તેના અવાજથી ત્રાસ પામેલી સંશપ્તકોની સેના જાણે પથ્થરની બનેલી હોય તેમ જડ બનીને ઉભી રહી.ત્યાર પછી ભાનમાં આવીને સ્થિર થઈને તે બધાએ એકી સાથે બાણોનો પ્રહાર કર્યો.તે બાણો પાસે આવે તે પહેલા જ અર્જુને તેમને છેદી નાખ્યાં.ને સામે અનેક બાણોથી તેમના પર પ્રહાર કર્યો.ક્રોધાયમાન થયેલા ત્રિગર્તોએ બાણવૃષ્ટિ કરીને શ્રીકૃષ્ણ અને અર્જુનને ઢાંકી દીધા.સુબાહુએ ત્રીસ બાણોથી અર્જુનને મુગુટ પ્રદેશમાં વીંધ્યો ત્યારે અર્જુને તેના પર બાણો વરસાવી તેને છાઈ દીધો.ને પછી અર્જુને જુદાંજુદાં બાણો મૂકી સુશર્મા,સુરથ,સુધર્મા,સુધનુ-આદિને વીંધી નાખી તેમના ધ્વજોને અને તેમના બાણોને છેદી નાખ્યા.
વળી,અર્જુને સુધન્વાનું પણ ધનુષ્ય કાપી નાખ્યું ને તેના ઘોડાઓને મારી નાખ્યા ને તેના મસ્તકને પણ ધડ પરથી ગબડાવી પાડ્યું.આમ જયારે સુધન્વા પડ્યો ત્યારે તેના અનુયાયી યોદ્ધાઓ ત્રાસ પામીને દુર્યોધનના સૈન્ય તરફ પલાયન થવા લાગ્યા.ત્યારે અર્જુન તે નાસભાગ કરતી સેનાનો અવિચ્છીન્ન બાણોથી નાશ કરવા લાગ્યો.ત્રિગર્તોના સૈન્યમાં આમ ભંગાણ પડ્યું.ત્યારે ત્રિગર્તરાજ સુશર્મા ક્રોધાયમાન થઈને પોતાના મહારથીઓને કહેવા લાગ્યો કે-
'હે શૂરા યોદ્ધાઓ,તમે ક્યાં નાસી જાઓ છો?તમારે ભય રાખવો યોગ્ય નથી,તમે સર્વ સૈન્ય સમક્ષ સોગન લઈને પ્રતિજ્ઞા કરી છે તો દુર્યોધનના સૈન્યમાં જઈને તમે શું કહેશો?યુદ્ધમાં આમ નાસી જવાથી આપણે હાંસીપાત્ર થઈશું માટે આપણે એકત્ર થઈને પોતપોતાના બળ પ્રમાણે યુદ્ધ કરીશું,તમે પાછા વાળો'
સુશર્માએ આમ કહ્યું એટલે તે સંશપ્તક વીરો પુનઃ પાછા ફર્યા અને તેમાંની નારાયણ ને ગોપાલ નામની ટુકડીઓ 'મૃત્યુ થતા પણ પાછા હટવું નહિ'એવો નિશ્ચય કરીને યુદ્ધ માટે સજ્જ થઇ ગઈ (31)
અધ્યાય-18-સમાપ્ત