Aug 23, 2019

ભાગવત રહસ્ય-૪૧

ભક્તિમાં આનંદ છે.કદીક ભક્તિ માં આનંદ આવતો નથી-તો તેનું કારણ એ છે કે ભક્તિ બરાબર થતી નથી.માનવ ભક્તિ કરે છે-પણ મોટે ભાગે-ધનથી-શરીરથી –ભક્તિ કરે છે.મનથી કરતો નથી.વાણી ભગવાનનાં નામનો ઉચ્ચાર કરે પણ મન જો ભગવાનનું સ્મરણ ના કરે તો-તેનો કોઈ અર્થ નથી.સેવામાં- ક્રિયા –એ મુખ્ય નથી. –ભાવ- એ મુખ્ય છે. ભાવથી ભક્તિ સફળ થાય છે.

સર્વ વિષયો મનમાંથી હટાવો-તો સેવામાં જરૂર આનંદ આવશે.શ્રીકૃષ્ણ વિના બધું તુચ્છ છે-શ્રીકૃષ્ણ વિના બધું દુઃખ રૂપ છે.-એવું દ્રઢ જ્ઞાન થશે –તો ભક્તિ થશે.
પરમાત્મા સાથે પ્રેમ કેળવવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો જ પડશે.
“પ્રેમ ગલી અતિ સાંકરી-તામે દો ન સમાય” ત્યાં બંને નો મેળ નથી.
જગતનો સંબંધ મનથી ન છોડો-ત્યાં સુધી-બ્રહ્મ સંબંધ થતો નથી.

સંસારને છોડવાનો નથી.પણ -સંસારના વિષયો સુખ આપે છે-તે-સમજ- છોડવાની છે. મોહ છોડવાનો છે.
વ્રત-માં ત્યાગ- કરવાની આજ્ઞા આપી છે-તે-કાયમના ત્યાગ માટે.
ધીરે ધીરે-સંયમને વધારો-વૈરાગ્યને વધારો-ત્યારે ભક્તિમાં અનેરો આનંદ આવશે.

એક વખત એક ચોબાજી –મથુરાથી ગોકુલ જવા નીકળ્યા. યમુનાજીમાં હોડીમાં જવાનું હતું.ચોબાજી –ભાંગ ના નશામાં-હોડીમાં બેઠા-હલેસાં મારવા માંડ્યા.હોડી હાલક ડોલક થાય છે-ચોબાજી બોલે છે-નાવ અભી ગોકુલ પહુંચ જાયેગી. આખી રાત નાવ ચલાવી-સવાર પડ્યું- ચોબાજી વિચારવા લાગ્યા-આ મથુરા જેવું વળી કયું ગામ આવ્યું ?-કોઈને પૂછ્યું –કે આ કયું ગામ ? તો ઉત્તર મળ્યો-મથુરા.ચોબાજીનો નશો ઉતર્યો-પોતાની મૂર્ખતા સમજાઈ-નશાની અસરમાં (અમલમાં) નાવને બાંધેલી દોરી-તો-છોડવાનું જ ભૂલી ગયેલા.

આ કથા ચોબાજીની માત્ર નથી.આપણા સર્વ ની છે.ભાંગનો નશો ચડે છે-તેમ-એક એક ઇન્દ્રિય-સુખનો નશો ચડે છે. સંસારના વિષય સુખનો નશો ચડે છે.પૈસાના નશામાં –મનુષ્ય મંદિરમાં જાય છે.થોડા પૈસા ફેકે છે.સામે કૈક માગે છે. પણ-તે નશામાં ને નશામાં પ્રભુના સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી. તેથી દર્શનમાં આનંદ આવતો નથી.

માનવ-કાયા –એ-નાવડી છે. વાસના-વિષયો રૂપી દોરીથી –તે સંસાર સાથે ગાંઠથી બંધાયેલી છે.તે ગાંઠને છોડવાની છે.સંસારનું સુખ એ –દુઃખ રૂપ છે-એમ વારંવાર મન ને સમજાવો.તો મન ત્યાંથી હટી જશે.
ભક્તિમાં અનેરો આનંદ આવશે.સંસાર સુખ રૂપ નથી, દુઃખરૂપ છે. ધીરે ધીરે વૈરાગ્યને વધારી-ભક્તિ વધારજો.વૈરાગ્ય વગર ભક્તિ રડે છે. 

ભોગ ભક્તિમાં બાધક છે.ભોગમાં પ્રત્યેક ક્ષણે આનંદ ઓછો થાય છે. જયારે-ભક્તિમાં પ્રત્યેક ક્ષણે આનંદ વધતો જાય છે.આંખનો -જીભનો-મનનો –સંયમ વધારો. જે જોવાની અતિ જરૂર લાગે તે જ જુઓ. બોલ્યા વગર છુટકો જ ના હોય ત્યારે બોલો. સંયમ વગર સુખી થવાતું નથી-ભક્તિમાં આગળ વધી શકાતું નથી.
વૈરાગ્ય વગર-જ્ઞાન અને ભક્તિની શોભા નથી. ત્રણે સાથે વધે તો ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે.

જ્ઞાનમાર્ગમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવાનો હોય છે. ભક્તિમાર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુમાર્ગમાં વાળવાની હોય છે.
લૌકિક (સામાન્ય) જ્ઞાનમાં દ્વૈત છે. પણ –ઈશ્વર સ્વરૂપના જ્ઞાનમાં અદ્વૈત છે.
ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે જ્ઞાતા(જ્ઞાન મેળવનાર) અને જ્ઞેય(સત્ય જ્ઞાનવાળા-પ્રભુ) એક બને છે.
સેવા-સ્મરણ કરતાં તન્મયતા થાય છે.ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. તેથી જીવ ઈશ્વરમાં મળી જાય છે.
તે પછી તે એમ કહી શકતો નથી કે –ઈશ્વરને હું જાણું છું.કે એમ પણ કહી શકતો નથી કે-હું ઈશ્વરને નથી જાણતો.

ગોપી સર્વમાં કૃષ્ણને નિહાળી-જીવભાવ ભૂલી ગઈ હતી.
લાલી મેરે લાલ કી,સબ જગ રહી સમાઈ, લાલી દેખન મૈ ગઈ,મૈ ભી હો ગઈ લાલ.
શ્રુતિ વર્ણન કરે છે કે-ત્યાં “હું” રહેતું નથી કે “તું” રહેતું નથી. વૃત્તિ બ્રહ્માકાર થાય છે.
  
      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE