સંશપ્તકવધ પર્વ
અધ્યાય-૧૭-ત્રિગર્તોની પ્રતિજ્ઞા અને અર્જુનનું પ્રયાણ
II संजय उवाच II ते सेने शिबिरं गत्वा न्यविशांपते I यथाभागं यथान्यायं यथागुल्मं च सर्वश II १ II
સંજય બોલ્યો-હે રાજન,તે બંને પક્ષની સેનાઓ પોતપોતાની છાવણીમાં જઈને યથાયોગ્ય વિભાગ પ્રમાણે તથા પોતપોતાનાં પ્રથમથી નિયત કરેલાં સ્થાન પ્રમાણે સર્વસ્થળે વિશ્રાંતિ લેવા લાગી.સૈન્યોને પાછાં વાળી પરમ દુઃખી મનવાળા દ્રોણાચાર્યે દુર્યોધનને જોઈને લજ્જાપૂર્વક તેને કહ્યું કે-'મેં તને પ્રથમ જ કહ્યું હતું કે જ્યાં સુધી અર્જુન યુદ્ધમાં ઉભો હશે ત્યાં સુધી યુધિષ્ઠિરને પકડી શકાય તેમ નથી.તમે અતિશય પ્રયત્ન કરી રહ્યા હતા,છતાં અર્જુને જે પરાક્રમ કરી દેખાડ્યું છે તે પરથી જ તું મારા વચન પર શંકા કરીશ નહિ.હું તને ખરું જ કહું છું કે-કોઈ પણ ઉપાયે જો અર્જુનને યુદ્ધમાંથી દૂર કરવામાં આવે તો જ યુધિષ્ઠિર તારે સ્વાધીન થશે.
માટે આપણામાંનો કોઈ યોદ્ધો,અર્જુનને આહવાન કરીને અન્ય પ્રદેશમાં ખેંચી જાય તેવી ગોઠવણ કર.અર્જુન તે આહવાન કરનારને જીત્યા વિના પાછો ફરશે નહિ,અર્જુનની ગેરહાજરીના સમયનો લાભ લઈને હું પાંડવસેનામાં ભંગાણ પાડીશ અને ધૃષ્ટદ્યુમ્નનાં દેખતા જ હું યુધિષ્ઠિરને પકડી લઈશ.ધર્મરાજ મને પાસે આવેલો જોઈને જો યુદ્ધ કરવું નહિ છોડે તો તારે સમજવું કે તે પકડાયો જ છે.આજે હું યુધિષ્ઠિરને તેના પરિવાર સહીત તારે સ્વાધીન કરીશ.અર્જુન સંગ્રામમાંથી દૂર થાય અને યુધિષ્ઠિર એક મુહૂર્ત પણ જો યુદ્ધમાં ઉભા રહે તો તેનું પરિણામ,પાંડવો પર વિજય મેળવવા કરતાં પણ અધિક ઉત્તમ આવશે.'
દ્રોણાચાર્યનું વચન સાંભળીને ત્રિગર્ત રાજા પોતાના ભાઈઓ સહીત વચમાં બોલી ઉઠ્યો કે-'હે રાજન,અર્જુન હંમેશા અમારો પરાભવ કર્યા કરે છે,અમે નિરપરાધી છીએ છતાં તેણે અમારો પરાભવ કર્યો છે,માટે મેં ક્રોધથી બળીએ છીએ.માટે જો તે અમારી સામે આવે તો અમારા મનમાં જે અમે કરવા ધારીએ છીએ તે કરી શકીએ.અમે જ તેને આજે યુદ્ધમાંથી બહાર કાઢી મારી નાખીશું કે જેથી તમારું પ્રિય થશે અને અમારો પણ યશ થશે.આજે આ પૃથ્વી અર્જુન વિનાની કે ત્રિગર્તો વિનાની થાઓ-એવી અમારી પ્રતિજ્ઞા સત્ય છે ને તે કદી પણ મિથ્યા થશે નહિ'
એ પ્રમાણે સત્યરથ,સત્યવર્મા,સત્યવ્રત,સત્યેષુ અને સત્યકર્મા નામના ત્રિગર્તરાજના પાંચ ભાઈઓ અર્જુન સામે દશ હજાર રથીઓ સાથે ત્યાંથી નીકળી પડ્યા.માલવો તથા તુંડીકેરો પણ ત્રીસ હજાર રથો સાથે યુદ્ધ કરવા તૈયાર થયા.અને ત્રિગર્તદેશમાં આવેલા પ્રસ્થલ નગરનો રાજા સુશર્મા પણ બીજા યોદ્ધાઓ ને દશ હજાર રથો લઈને પોતાના ભાઈઓ સાથે ચાલી નીકળ્યો.વળી બીજા દેશોમાંથી દશ હજાર ઉત્તમ રથીઓ પણ તેમાં જોડાયા.અગ્નિને પ્રજ્વલિત કરીને,તેની સાક્ષીમાં તે યોદ્ધાઓએ રણવ્રત (મારીએ કે મરીએ)લીધું.ને પ્રતિજ્ઞા કરી કે-'જો અમે યુદ્ધમાં અર્જુનનો નાશ કર્યા વિના પાછા ફરીએ તો અમને ઘોર પાપ લાગે અને અને ઘોર લોકની પ્રાપ્તિ થાઓ,ને યુદ્ધમાં અમે આ દુષ્કર કર્મ કરીએ તો ઇષ્ટલોકની પ્રાપ્તિ થાઓ'
આમ કહી તે ત્રિગર્તો યુદ્ધ કરવા નીકળી પડ્યા ને તેમણે અર્જુનને દક્ષિણ દિશામાં યુદ્ધ કરવા બોલાવ્યો.
ત્યારે અર્જુને યુધિષ્ઠિરને કહ્યું કે-'હે રાજન,સંશપ્તકો મને યુદ્ધ કરવા બોલાવે છે.મને જો કોઈ યુદ્ધ કરવા બોલાવે તો
હું પાછો ફરતો નથી એવું મારુ વ્રત છે.આ સુશર્મા પોતાના ભાઈઓ સહીત મને યુદ્ધ કરવા આહવાન કરે છે
માટે મને તેનો વધ કરવાની રજા આપો,હું પ્રતિજ્ઞા કરું છું કે હું તે સર્વનો સંહાર કરીશ'
યુધિષ્ઠિર બોલ્યા-'હે તાત,દ્રોણાચાર્ય શું કરવા ધારે છે-તે તો તેં સાંભળ્યું જ છે,ગમે તે ઉપાયે તેમનું ધાર્યું સત્ય ન થાય તેમ.કર.દ્રોણાચાર્યે મને પકડવાની પ્રતિજ્ઞા કરી છે'
અર્જુન બોલ્યો-'હે રાજન,આજના યુદ્ધમાં સત્યજિત તમારું રક્ષણ કરશે.તે જીવતો છે ત્યાં સુધી દ્રોણાચાર્યની ઈચ્છા ફળશે નહિ.જો કદાચ એ યુદ્ધમાં માર્યો જાય તો તમે બધા એકત્ર થઈને પણ યુદ્ધમાં ઉભા રહેશો નહિ'
તે સાંભળી યુધિષ્ઠિરે અર્જુનને જવા માટે આજ્ઞા આપી.ત્યારે અર્જુન ત્રિગર્તો સામે દોડી ગયો.આમ અર્જુન યુદ્ધમાંથી દૂર થયો એટલે દુર્યોધનનું સૈન્ય પરમ હર્ષયુક્ત થઇ ગયું અને ધર્મરાજાને કેદ કરવા તૈયાર થયું.પછી બંને સેનાઓ ઘણા જોશથી એકબીજા સામે આવી મળી ને તેમની વચ્ચે ભયંકર યુદ્ધ શરુ થયું (49)
અધ્યાય-17-સમાપ્ત
