Jan 19, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1022

 

અધ્યાય-૧૬-પહેલો દિવસ સમાપ્ત 


II संजय उवाच II तदबलं सुमहदीर्णं त्वदीयं प्रेक्ष्य वीर्यवान I दधारैको रणे राजन वृषसेनोस्त्रमायया II १ II

સંજય બોલ્યો-હે રાજન,તમારા સૈન્યને નાસભાગ થતું જોઈને પરાક્રમી વૃષસેન (કર્ણનો પુત્ર) એકલો જ પોતાની અસ્ત્રકુશળતાથી સર્વને રોકી રહ્યો હતો.તેનાં બાણો દશે દિશામાં જતાં હતાં.ને તેણે ઘાયલ કરેલા રથીઓ અને ઘોડેસ્વારો ટપોટપ પૃથ્વી પર પડતા હતા.ત્યારે નકુલનો પુત્ર શતાનિક તેની સામે ધસી આવ્યો અને દશ નારાચ બાણોથી તેને વીંધી નાખ્યો.સામે વૃષસેને શતાનિકના ધનુષ્યને કાપી નાખ્યું ને તેની ધજાને ઢાળી દીધી એટલે દ્રૌપદીના પુત્રો પોતાના એ ભાઈનું રક્ષણ કરવા માટે ત્યાં ધસી આવ્યા ને બાણોના સમૂહથી તે કર્ણના પુત્રને એકદમ અદશ્ય કરી દીધો.

તેવામાં ગર્જના કરતા અશ્વસ્થામા વગેરે મહારથીઓ દ્રૌપદીના પુત્રો સામે દોડી આવ્યા,ને અનેક પ્રકારના બાણો મૂકીને તેમને છાઈ દીધા.એટલે તેમનું રક્ષણ કરવા પાંચાલો,કેકયો,મત્સ્યો આદિ હથિયારો ઉગામીને તેમની સામે યુદ્ધ કરવા આવી ઉભા.તેઓની વચ્ચે પરસ્પર મહાઘોર યુદ્ધ શરુ થયું.તે પછી,યુધિષ્ઠિરનું સૈન્ય નાસભાગ કરતા તમારા સૈન્યનો સંહાર કરવા માંડ્યું,ત્યારે દ્રોણાચાર્ય બોલી ઉઠયા કે-'હે શૂરા યોદ્ધાઓ,તમે નાસભાગ ન કરો' એમ કહીને તે પાંડવોના સૈન્યમાં પેઠા અને યુધિષ્ઠિર સામે ધસી ગયા.યુધિષ્ઠિરે,દ્રોણાચાર્યને બાણોથી વીંધવા લાગ્યા એટલે દ્રોણાચાર્યે તેમના ધનુષ્યને કાપી નાખ્યું ને પોતે આગળ ઘસતા રહ્યા.એ વેળા,યુધિષ્ઠિરના ચક્રનું રક્ષણ કરનારા પાંચાલના કુમારે દ્રોણાચાર્યને આગળ વધતા રોકી રાખ્યા.ને તેમની છાતીને એક બાણથી વીંધી.સામે દ્રોણે પણ તે ચક્રરક્ષક કુમારને મસળી નાખ્યો.ને પાંડવ સૈન્યના મધ્યમાં આવીને સર્વ દિશાઓમાં ઘુમવા લાગ્યા.


તેમણે શિખંડીને,નકુલને,સહદેવને,યુધિષ્ઠિરને,દ્રૌપદીપુત્રોને,સાત્યકિને,વિરાટરાજને અનેક બાણોથી વીંધી નાખીને જોશભેર ધસારો કરીને યુધિષ્ઠિરને પકડી લેવા આગળ વધવા માંડ્યું.ત્યારે યુગંધરે તેમને આગળ વધતા અટકાવવાનો મહાપ્રયત્ન કર્યો.સામે દ્રોણે તેને એક ભલ્લ બાણ મારીને તેની બેઠક પરથી નીચે ઢાળી દીધો ને યુધિષ્ઠિરને વીંધી નાખ્યા.ત્યારે યુધિષ્ઠિરના રક્ષણ માટે વિરાટ,દ્રુપદ,કેકયકુમારો,સાત્યકિ,શિબિ,પાંચાલયોદ્ધો વ્યાઘ્રદત્ત ને સિંહસેન આવી પહોંચ્યા અને દ્રોણાચાર્યના માર્ગને ઘેરી વળ્યા.વ્યાઘ્રદત્તે દ્રોણચાર્યને પચાસ તીક્ષણ બાણોનો પ્રહાર કરીને વીંધ્યા ત્યારે સિંહસેન ત્યાં આવીને દ્રોણને એકાએક વીંધી નાખી ખડખડાટ હસવા લાગ્યો.ત્યારે કોપાયમાન થયેલા દ્રોણે બે ભલ્લ બાણો મૂકીને સિંહસેનના મસ્તકને ધડથી જુદું પાડી દીધું.ને બાણોનો વરસાદ કરીને પાંડવોના સર્વ મહારથીઓને ઢાંકી દઈને તે યુધિષ્ઠિરના રથ પાસે આવીને ઉભા.


ત્યારે યુધિષ્ઠિરના સૈન્યમાં 'આજે રાજા મૂઆ મૂઆ' એવો કોલાહલ થઇ રહ્યો.તેવામાં રથના ગડગડાટથી પૃથ્વીને ગજાવી મુકતો અર્જુન ત્યાં વેગપૂર્વક આવી પહોંચ્યો.કૌરવોને હટાવતો હટાવતો તે દ્રોણાચાર્યના સૈન્ય પર ધસી ગયો ને બાણોથી ચારે દિશાને ભરી મૂકી.રણભૂમિ પર ત્યારે જાણે અંધકાર છાઈ રહ્યો.ત્યાં કોઈ એકબીજાને ઓળખી શકતા નહોતા.એટલે દુર્યોધને પોતાનાં સૈન્યોને પાછાં વળી લીધાં.પોતાના શત્રુઓને ત્રાસ પામેલા તથા યુદ્ધ કરવામાં મન વિનાનાં જાણીને અર્જુને પણ પોતાના સૈન્યોને છાવણી તરફ પાછાં વાળ્યાં.ત્યારે જીતથી હર્ષમાં આવેલા પાંડવ અને સૃન્જય યોદ્ધાઓ અર્જુનની સ્તુતિ કરી રહ્યા.(54)

અધ્યાય-16-સમાપ્ત 

દ્રોણાભિષેક પર્વ સમાપ્ત