અધ્યાય-૧૫-શલ્યને રણમાંથી દૂર લઇ જવો
II धृतराष्ट्र उवाच II बहूनि सुविचित्राणि द्वन्द्वयुद्धामि संजय I त्वयोक्तानि निशम्याहं स्पृहयामि स्वचक्षुपाम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,તેં અનેક પ્રકારના અદભુત દ્વંદ્વયુદ્ધો મને કહ્યાં તે સાંભળીને,હું ચક્ષુવાળા મનુષ્યોના
દૃષ્ટિસુખને ઈચ્છું છું.લોકમાં આશ્ચર્યરૂપ એવા આ કૌરવ-પાંડવના યુદ્ધને મનુષ્યો ગાયા જ કરશે.આ યુદ્ધને
સાંભળતાં મને તૃપ્તિ થતી જ નથી માટે તું હવે શલ્ય અને અભિમન્યુના યુદ્ધ વિષે આગળ કહી સંભળાવ.
સંજય બોલ્યો-પોતાના સારથિને માર્યો ગયેલો જોઈને શલ્ય,પોતાની ગદા લઈને રથ પરથી નીચે કૂદીને અભિમન્યુ સામે ધસ્યો ત્યારે તેને જોઈને તેની સામે ભીમ ગદા લઈને તેની સામે ધસ્યો.અભિમન્યુ પણ મોટી ગદા લઈને તેની સામે ચડી આવ્યો ત્યારે ભીમે તેને રોકી રાખ્યો ને પોતે શલ્ય સામે યુદ્ધ કરવા જોડાયો.એ યુદ્ધમાં શલ્ય સિવાય બીજો કોઈ યોદ્ધો ભીમસેનના વેગને સહન કરવા ઉત્સાહ કરી શકે તેવો નહોતો.શલ્ય અને ભીમ ત્યાં ગર્જના કરતા આખલાઓની જેમ મંડાળાકારે ઘૂમી રહ્યા હતા.
ભીમે જયારે શલ્યની મોટી ગદા પર સખત પ્રહાર કર્યો ત્યારે તેની મહારૌદ્ર ગદામાં ભંગાણ થયું.તેમ છતાં તે બંનેનું ગદાયુદ્ધ ચાલુ જ રહ્યું.શલ્યે ભીમને ડાબા ને જમણા પડખામાં ઘાયલ કર્યો તો પણ તે જરા પણ કંપ્યો નહોતો.તે બંને મંડલાકારે ઘુમીને સામસામા આવીને આઠ પગલાં કૂદીને એકબીજા પર સખત પ્રહાર કર્યો.કે જેથી તે બંને એકસાથે પૃથ્વી પર પટકાઈ પડ્યા.
ત્યારે વિહવળ થઇ શ્વાસ લેતા એ શલ્યની પાસે કૃતવર્મા એકદમ આવી પહોંચ્યો ને તેને પોતાના રથમાં બેસાડીને તુરત જ રણમાંથી દૂર લઇ ગયો.તેને જોઈને ભીમ થોડો વિહવળ થયો પણ પલકવારમાં ગદા લઈને ઉભો થઇ રહ્યો.શલ્યને નાસી ગયેલો જોઈને તમારા પુત્રો ભયભીત થયા.ને સૈન્ય નાસભાગ કરવા લાગ્યું. જીતથી હર્ષિત થયેલા પાંડવો મોટા સિંહનાદો કરવા લાગ્યા.(37)
અધ્યાય-15-સમાપ્ત