અધ્યાય-૧૪-ઘોર યુદ્ધ-અભિમન્યુનું પરાક્રમ
II संजय उवाच II ततः स पांडवानीके जनयन सुमहद् भयम् I वयचरत पृतनां द्रोणो दहन कक्षमिवानालः II १ II
સંજય બોલ્યો-પછી,પાંડવોના સૈન્યમાં મહાન ભય ઉત્પન્ન કરી રહેલા એ દ્રોણાચાર્ય,ઘાસને બાળી નાખતા અગ્નિની જેમ સેનામાં ઘુમવા લાગ્યા.તેમને જોઈને સૃન્જય યોદ્ધાઓ કંપી ઉઠ્યા.ચાલાક હાથવાળા દ્રોણાચાર્યે છોડેલાં બાણો રથીઓ,ઘોડેસ્વારો,
હાથીઓ અને પાળાઓને વીંધી નાખતાં હતાં. તે દ્રોણાચાર્યે તે રણભૂમિ પર સેંકડો કલેવરોથી ભરેલી ભયંકર નદી વહાવી દીધી.
કાળો કેર વર્તાવતા એ દ્રોણાચાર્ય સામે યુધિષ્ઠિર વગેરેએ ચારે બાજુથી ધસારો કર્યો.પણ તેમને ધસી આવતા જોઈને તમારા પરાક્રમી પુત્રો તેમને ચારે બાજુથી રોકવા લાગ્યા.તે સમયનો દેખાવ રૂવાં ઉભા કરી નાખે તેવો હતો.
ત્યાં સેંકડો જાતની માયા (કપટ)ને કરનારા શકુનિએ સહદેવ સામે ધસારો કર્યો ને તેને વીંધ્યો એટલે સામે સહદેવે,શકુનિના ધનુષ્યને,સારથિને અને ઘોડાઓને બાણો વડે વીંધી નાખ્યા,ત્યારે શકુનિ હાથમાં ગદા લઈને રથમાંથી કૂદી પડ્યો ને સહદેવના સારથિને રથ પરથી ગબડાવી પાડ્યો,ને બંને રથ વગરના થયેલા યોદ્ધાઓ વચ્ચે ગદા યુદ્ધ ચાલ્યું.દ્રોણાચાર્યે પાંચાલરાજને વીંધી નાખ્યો તો સામે પાંચાલરાજે પણ તેમને વીંધ્યા.ભીમે વિવિંશતિને વીંધ્યો ત્યારે સામે તેણે ભીમને એકદમ ઘોડા,ધ્વજ અને ધનુષ્ય વગરનો કરી નાખ્યો.ભીમસેન આ સાંખી શક્યો નહિ એટલે તેણે ગદા પ્રહાર કરીને વિવિંશતિના ઘોડાઓને ઢાળી પાડ્યા.
વીર શલ્યરાજ,પોતાના પ્રિય ભાણેજ નકુલને જાણે લાડ લડાવતો હોય ને ખીજવતો હોય,તેમ મંદ હાસ્ય કરીને તેને બાણોથી વીંધવા લાગ્યો.ત્યારે નકુલે પણ સામે બાણો મૂકીને શલ્યને ઘોડા,સારથી અને ધનુષ્ય વગરનો કરીને યુદ્ધભૂમિ પર શંખનાદ કરી મુક્યો.કૃપાચાર્ય અને ધૃષ્ટકેતુ પરસ્પર બાણો વરસાવતા હતા,કૃપાચાર્યે ધૃષ્ટકેતુને આગળ વધતો અટકાવી રાખ્યો,ને તેને સારી રીતે વીંધ્યો.સાત્યકિ અને કૃતવર્મા સામસામે આવી ગયા.કૃતવર્માએ બાણોથી સાત્યકિને વીંધ્યો તો સામે સાત્યકિએ તેને સિત્તોતેર બાણોથી વીંધ્યો.કૃતવર્મા સાત્યકિને જરા પણ કંપાવી શક્યો નહિ.
પાંડવ સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ને સુશર્માને મર્મસ્થાનોમાં અત્યંત પ્રહાર કર્યો એટલે સુશર્માએ સામે તેને હાંસડીના ભાગમાં તોમરનો પ્રહાર કર્યો.વિરાટરાજાએ કર્ણને આગળ વધતો અટકાવી રાખ્યો હતો તે ઘણું આશ્ચર્ય જેવું હતું.દ્રુપદરાજા,ભગદત્ત સામેં યુદ્ધમાં જોડાયો હતો.ભૂરિશ્રવા અને શિખંડી સામસામે ત્રાસ આપનારું યુદ્ધ કરી રહ્યા હતા.બીજી તરફ ભયાનક કર્મ કરનાર રાક્ષસ ઘટોત્કચ અને અલંબુશ અતિ અદભુત યુદ્ધ કરી રહ્યા હતા.જોનારને અતિ વિસ્મય પમાડનાર તે બંને જણા સેંકડો માયાઓ રચતા હતા અને એકબીજાથી અછતા થઈને ઘૂમ્યા કરતા હતા.ત્યાં ચેકિતાન અને અનુવીંદ પણ ભયંકર યુદ્ધ કરી રહ્યા હતા.લક્ષ્મણ,ક્ષત્રદેવ સાથે યુદ્ધમાં જોડાયો હતો ત્યારે પૌરવરાજા ગર્જના કરતો અભિમન્યુ સામે ધસી ગયો.
બંને વચ્ચે ભીષણ સંગ્રામ થયો.પૌરવરાજાએ અભિમન્યુના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે અભિમન્યુએ ઢાલ અને તલવાર હાથમાં પકડીને,ભ્રામિત,ઉદ્ભ્રાંત,આધૂત અને પુનરુત્થાન નામની પટા ખેલવાની અદભુત કળાઓને પ્રદર્શિત કરીને પૌરવરાજના રથ પર ચડી ગયો અને તેને પર પ્રહાર કરીને પૃથ્વી પર ફેંકી દીધો.એ રીતે અભિમન્યુને વશ થયેલા પૌરવરાજને પૃથ્વી પર પડેલો જોઈને જયદ્રથ તેને સાંખી શક્યો નહિ અને સામે ઢાલ તલવાર લઈને તેની સામે કૂદ્યો.જયદ્રથને આવતો જોઈને અભિમન્યુએ પૌરવરાજને છોડી દીધો અને તેની તારાગથી આવતા પ્રહારોને ઢાલથી રોકીને,સિંહ જેમ હાથી સામે ધસે તેમ તેની સામે ધસ્યો.
બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.જયદ્રથની તલવાર અભિમન્યુની ઢાલ પર અથડાઈને ભાંગી પડી એટલે તે જયદ્રથ એકદમ છ પગલાં પાછળ કૂદ્યો અને આંખના પલકારામાં રથમાં બેઠો.હવે સંગ્રામમાંથી મુક્ત થયેલા તે અભિમન્યુને સર્વ રાજાઓ ચારે બાજુથી ઘેરી રહ્યા.જયદ્રથનો ત્યાગ કરીને અભિમન્યુ હવે શત્રુસૈન્યને તપાવવા લાગ્યો.તે સમયે,શલ્યે એક ભયંકર શક્તિ અભિમન્યુ સામે છોડી,કે જે શક્તિને અભિમન્યુએ એકદમ કૂદીને પકડી પાડી અને તે જ શક્તિને તેણે શલ્ય પર પાછી છોડી.
તે શક્તિએ શલ્યના સારથિને રથ પરથી નીચે ગબડાવી પાડ્યો.અભિમન્યુનું પરાક્રમ જોઈને સર્વ 'ધન્ય હો-ધન્ય હો' કહેવા લાગ્યા.પોતાના સારથિના પ્રભાવને જોઈને શલ્ય ગદા લઈને ક્રોધપૂર્વક અભિમન્યુ સામે ધસ્યો.(87)
અધ્યાય-14-સમાપ્ત