Jan 15, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1019

 

અધ્યાય-૧૩-અર્જુને યુધિષ્ઠિરને આપેલું આશ્વાસન 


II संजय उवाच II सांतरे तु प्रतिज्ञाते राज्ञो द्रोणेन निग्रहे I ततस्ते सैनिकाः श्रुत्वा तं युधिष्ठिरनिग्रहम् II १ II

સંજય બોલ્યો-આમ જયારે દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પકડવાની છળભરી પ્રતિજ્ઞા કરી,તે સાંભળીને સર્વ સૈનિકો ચોતરફ સિંહનાદો કરવા લાગ્યા ને બાહુઓ ઠોકવા લાગ્યા.દ્રોણાચાર્યની એ પ્રતિજ્ઞાને ધર્મરાજે ગુપ્તચરો દ્વારા તુરત જ જાણી લીધી અને પોતાના સર્વ ભાઈઓ ને બીજાઓને એકઠા કરીને તેમણે અર્જુનને કહ્યું કે-'તમે એવી નીતિ રચો કે તેથી દ્રોણાચાર્યની એ ધારણા સફળ થાય નહિ.જો કે દ્રોણાચાર્યે છળવાળી પ્રતિજ્ઞા કરી છે.ને તે છળનો ભાર તેમણે તારા પર સ્થાપ્યો છે.માટે તું મારી પાછળ રહીને યુદ્ધ કરજે કે જેથી દુર્યોધન દ્રોણાચાર્ય દ્વારા પોતાની ઈચ્છાને સંપૂર્ણ કરી ન  શકે'

અર્જુન બોલ્યો-'હે રાજન,જેમ મારે આચાર્યનો વધ કરવાનો ન હોય,તેમ મારે તમારો ત્યાગ પણ ન જ કરવાનો હોય.દુર્યોધન તમને સંગ્રામમાં પકડીને રાજ્ય ઈચ્છે છે પણ આ મનુષ્યલોકમાં તે એ ઈચ્છાને કદી પામવાનો નથી જ.કદાચ નક્ષત્રો સહીત આકાશ નીચે તૂટી પડે,પૃથ્વીના કકડા થઇ જાય,તો પણ હું હું જીવતો હોઉં અને દ્રોણાચાર્ય તમને પકડી શકે એ નહિ જ બને.માટે તમારે ભય રાખવાનો ન હોય.ભલે દ્રોણાચાર્ય અસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ છે પણ તમારે ભય રાખવો નહિ.વળી,બીજું પણ હું તમને કહું છું કે-મારી પ્રતિજ્ઞા નિશ્ચળ હોય છે.મને યાદ નથી કે મારી પ્રતિજ્ઞા કદી જૂઠી થઇ હોય,માટે તમે નિર્ભય રહો.'


સંજય બોલ્યો-'હે મહારાજ પછી.પાંડવોની છાવણીમાં શંખો,ભેરીઓ,મૃદંગો અને આનકો વાગવા લાગ્યા.પાંડવોનો સિંહનાદ થઇ રહ્યો અને ધનુષ્યની દોરીના ટંકારવોના આકાશ ફાડી નાખે તેવા નાદો થવા લાગ્યા.જે સાંભળીને તમારા સૈન્યમાં પણ વાદિન્ત્રો વાગવા લાગ્યા.તમારા ને શત્રુઓના સૈન્યો વ્યૂહમાં ગોઠવાયા અને ધીમે ધીમે અન્યોન્ય સામે યુદ્ધ કરવા ધસ્યા.

રુંવાં ઊભાં થઇ જાય તેવું તુમુલ યુદ્ધ શરુ થયું કે જેમાં સૃન્જયો દ્રોણના સૈન્યનો નાશ કરવાને મથી રહ્યા,છતાં સફળ થયા નહિ કેમ કે તે સૈન્ય આચાર્ય દ્રોણના રક્ષણ તળે હતું.તે જ પ્રમાણે તમારા સૈન્યના રથીઓ અર્જુનના રક્ષણ તળે રહેલી પાંડવોની સેનાને મથી શક્યા નહોતા. 


એકલા એવા દ્રોણાચાર્યના બાણો સર્વ દિશામાં જતાં હતા અને પાંડવોની સેનાને ત્રાસ પમાડતાં હતાં.પાંડવોનો કોઈ પણ યોદ્ધો યુદ્ધમાં કોપાયમાન થયેલા દ્રોણાચાર્યને જોઈ શકતો નહોતો.પ્રતાપી દ્રોણાચાર્યે પાંડવોના સૈન્યને મોહિત કરી નાખ્યું અને એકદમ તીક્ષ્ણ બાણો મૂકીને તેમને ધૃષ્ટદ્યુમ્નના સૈન્યને વીંધવા માંડ્યું.સીધી ગતિવાળાં બાણો છોડીને તેમણે આકાશને ઢાંકી દીધું અને જે સ્થળે ધૃષ્ટદ્યુમ્ન હતો તે જ સ્થળે પાંડવોની સેનાને સંહારવા માંડી (29)

અધ્યાય-13-સમાપ્ત