Jan 14, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1018

 

અધ્યાય-૧૨-દ્રોણાચાર્યની પ્રતિજ્ઞા 


II संजय उवाच II हंत ते कथयिष्यामि सर्व प्रत्यक्षदर्शिवान I यथा सैन्यपतद्द्रोणः सुदितः पांडुस्रुंजयेः II १ II

સંજય બોલ્યો-હે રાજન,પાંડવો અને સૃન્જયોએ દ્રોણાચાર્યને કેવી રીતે માર્યા તે બધું મેં પ્રત્યક્ષ જોયું છે,તે તમને કહું છું.

સેનાપતિના પદનો સ્વીકાર કર્યા પછી,દ્રોણાચાર્યે સર્વ સૈન્યના મધ્યમાં તમારા પુત્રને કહ્યું કે-'હે રાજન,ભીષ્મપિતામહ પછી તેં આજે મને સેનાપતિપદે નીમ્યો છે,તો તું તે કર્મનું યોગ્ય ફળ પામ.તારી શી કામના હું પૂર્ણ કરું?તારી ઇચ્છામાં આવે તે તું માગી લે' તે સાંભળી દુર્યોધને કર્ણ અને દુઃશાસન સાથે મંત્રના કરીને આચાર્યને કહ્યું કે-'તમે યુધિષ્ઠિરને જીવતો પકડી મારી પાસે લાવો'

દ્રોણાચાર્યે કહ્યું કે-'હે દુર્યોધન,શા માટે તું તેના વધની ઈચ્છા કરતો નથી? ખરે,ધર્મરાજનો કોઈ શત્રુ નથી,તેથી જ તું તેને જીવતો પકડવા ઈચ્છે છે?આવી ઈચ્છાથી તું તારા કુળની રક્ષા કરે છે? યુદ્ધમાં પાંડવોને જીતીને તેમને પાછું રાજ્ય સોંપીને તું અન્યોન્ય ભ્રાતૃસ્નેહ કરવા ઈચ્છે છે?યુધિષ્ઠિરને ધન્ય છે,તેનો જન્મ સાર્થક છે અને તે અજાતશત્રુ કહેવાય છે તે પણ સત્ય જ છે,કારણકે તું તેમના પર આટલો બધો સ્નેહ રાખે છે' ત્યારે તમારા પુત્રના હૈયામાં હંમેશાં રહેલો કુટિલ ભાવ નીકળી પડ્યો.


દુર્યોધન બોલ્યો કે-'હે આચાર્ય,યુધિષ્ઠિરનો વધ કરવાથી યુદ્ધમાં મારો વિજય થવાનો નથી.જો તેને મારી નાખવામાં આવે તો પાંડવો અમને સર્વને હણી નાખે.દેવો પણ રણમાં પાંડવોને જીતી શકે તેમ નથી,એટલે જે કોઈ તેઓમાંથી બાકી રહે તે અમને બાકી રહેવા દે જ નહિ.માટે જો યુધિષ્ઠિરને મારી આગળ પકડી લાવવામાં આવે તો ફરીથી તેમને જુગારમાં જીતીને જંગલમાં કાઢી મૂકીએ,તો તેને અનુસરનારા પાંડવો પણ જંગલમાં ચાલ્યા જશે.આમ થવાથી દીર્ઘકાળ સુધી મારો વિજય રહેશે.'

દુર્યોધનનો આવો કુટિલ અભિપ્રાય જોઈને દ્રોણે મનમાં વિચાર કરીને છળપૂર્વક દુર્યોધનને વર આપતાં કહ્યું કે-


'જો યુદ્ધમાં અર્જુન યુધિષ્ઠિરનું રક્ષણ નહિ કરે તો તું માની લેજે કે યુધિષ્ઠિર તારે વશ થયો જ છે.હે તાત,ઇન્દ્ર સહીત દેવાસૂરો પણ અર્જુનને રણમાં જીતી શકે તેમ નથી માટે એ અર્જુનની આંખ આગળ યુધિષ્ઠિરને પકડી લાવવાની હામ હું ધરી શકતો નથી.અવશ્ય અર્જુન મારો શિષ્ય છે અને જય મેળવવો કે મરવું એવા નિશ્ચય વાળો છે.વળી તેણે ઇન્દ્ર અને રુદ્ર પાસેથી દિવ્ય અસ્ત્રો મેળવ્યાં છે અને તારા પર ક્રોધથી પૂર્ણ છે,માટે તેના દેખતાં યુધિષ્ઠિરને કેદ કરવાનો ઉત્સાહ હું કરી શકતો નથી.જો કોઈ ઉપાયે અર્જુનને રણમાંથી દૂર કરી શકાય તો તારે સમજી લેવું કે તેં ધર્મરાજને જીત્યો જ છે.એટલે જો અર્જુનને એક મુહૂર્ત વાર પણ યુધિષ્ઠિરથી દૂર કરવાં આવે તો જ યુધિષ્ઠિરને પકડવાનું કાર્ય શક્ય થઇ શકશે.'


દ્રોણાચાર્યે જયારે આ મુજબ છળપૂર્વક પ્રતિજ્ઞા કરી ત્યારે તમારા સર્વ મૂરખ પુત્રો યુધિષ્ઠિરને કેદમાં પકડાયેલો જ માની બેઠા.દુર્યોધન જાણતો હતો કે દ્રોણાચાર્યને પાંડવો પર પ્રીતિ છે તેથી તેમની એ પ્રતિજ્ઞાને સ્થિર કરવા માટે તેણે યુધિષ્ઠિરને પકડવા સંબંધી એ વિચારને બધે ફેલાવી દીધો.ને યુધિષ્ઠિરને કેદ કરવાની દ્રોણની પ્રતિજ્ઞાને સર્વ સૈન્યોમાં જાહેર કરાવી (31)

અધ્યાય-12-સમાપ્ત