Jan 13, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1017

અધ્યાય-૧૧-ધૃતરાષ્ટ્રના મુખે શ્રીકૃષ્ણનાં કર્મોનું કીર્તન 


II धृतराष्ट्र उवाच II शृणु दिव्यानि कर्माणि वासुदेवस्य संजय I कृतवान यानि गोविन्दा यथा नान्यपुमान क्वचित् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,વાસુદેવનંદન ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય કર્મોનું વર્ણન તું સાંભળ.તે ભગવાન ગોવિંદે જે જે કર્યો કાર્ય છે તેવા કદાચ કોઈ બીજો પુરુષ કદાપિ પણ કરી શકનાર નથી.બાળપણમાં તે જયારે ગોકુળમાં હતા,ત્યારે પોતાના પરાક્રમોથી ત્રણે લોકમાં વિખ્યાત થયા હતા.યમુનાના તટ પરના વનમાં વાયુ સમાન વેગવાન અશ્વરાજ કેશીને તેમણે મારી નાખ્યો હતો.વળી,પ્રલંભ,નરકાસુર,જંભાસુર,આદિ અસુરો ને મામા કંસને પણ તેમણે જ માર્યા હતા.શ્રીકૃષ્ણે દુર્વાસાની આરાધન કરી હતી,કે જેમણે તેમને અનેક વરદાન આપ્યા હતાં.જરાસંઘને તેમણે ભીમસેન દ્વારા માર્યો હતો.

રણમાં તેમને અનેક રાજાઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો.કાલયવનને ને વરુણને પણ તેમણે પરાજિત કર્યા હતા.પાતાળ નિવાસી પંચજન નામના દૈત્યને મારીને તેમણે પાંચજન્ય શંખ પ્રાપ્ત કર્યો હતો.ખાંડવવનમાં અર્જુન સાથે અગ્નિને સંતુષ્ટ કરીને તેમણે આગ્નેય અસ્ત્રચક્રને પ્રાપ્ત કર્યું હતું.ગરુડ પર આરૂઢ થઈને તે ઇન્દ્રભવનમાંથી પારિજાત વૃક્ષ લઇ આવ્યા હતા.પૃથ્વીના રાજાઓમાં એવો એકે ય નથી કે જેને શ્રીકૃષ્ણે જીત્યા ન હોય.


હે સંજય,તે કમલાક્ષ શ્રીકૃષ્ણે મારી સભામાં જે મહાન આશ્ચર્ય કર્યું હતું તે કરવાને બીજો કોણ સમર્થ છે?જે સમયે પ્રસન્ન થઈને મેં ભક્તિપૂર્વક સર્વના ઈશ્વર શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં હતાં તે સમયે જ સર્વ શાસ્ત્ર પ્રત્યક્ષની જેમ મારા જાણવામાં આવી ગયા હતાં.પરાક્રમ અને બુદ્ધિથી યુક્ત એવા તે હૃષીકેશનાં કર્મોનો પર પામી શકાય તેમ જ નથી.


વળી,તે ઉપરાંત,ગદ,સાંબ,પ્રદ્યુમ્ન,વિદુરથ,અવગાહ,અનિરુદ્ધ,ચારુદેષ્ણ,સારણ,ઉલ્મુક,નિશઠ,ઝિલ્લી,વીર્યવાન,બભ્રુ,

પૃથુ,શમીક,અને અરિમેજય-અને બીજા યાદવવીરો બળવાન છે ને તે શ્રીકૃષ્ણની હાકલથી યુદ્ધમાં આવી પાંડવસૈન્યનો આશ્રય કરે તો આપણું સૈન્ય મોટા સંકટમાં આવી પડે.તેમ જ જ્યાં જનાર્દન હોય ત્યાં દશ હજાર હાથીના બળવાળા બલરામ હોય જ.જે વાસુદેવને સર્વ બ્રાહ્મણો સર્વના પિતા કહે છે,તે પાંડવો માટે યુદ્ધ કરશે કે?જો કદાચ તે યુદ્ધ કરવા તૈયાર થાય તો તેમની સામે યુદ્ધ કરે તેવો આપણા સૈન્યમાં કોઈ પણ નથી.જો કદાચ દૈવયોગે કૌરવો પાંડવોને જીતે તો શ્રીકૃષ્ણ ચોક્કસ પાંડવોને માટે પોતાનું ઉત્તમ શસ્ત્ર પકડે જ.ને કૌરવોને રગદોળી નાખીને કુંતીને સર્વ પૃથ્વી સોંપે.

અરેરે,કૌરવોનો જય થાય એવું મને કંઈ દેખાતું જ નથી,


અર્જુન શ્રીકૃષ્ણનો ને શ્રીકૃષ્ણ અર્જુનનો આત્મા છે.બંને યુદ્ધમાં અજિત છે.શ્રીકૃષ્ણમાં અમાપ ગુણો રહેલા છે,પણ દૈવયોગે મોહ પામેલો અને મૃત્યુના પાશમાં સપડાયેલો દુર્યોધન તેમને આ લોકમાં સાક્ષાત કેશવ તરીકે ઓળખી શકતો નથી.શ્રીકૃષ્ણ અને અર્જુન એ બંને પૂર્વકાળના મહાત્મા નર અને નારાયણ છે.તે બંને એક જ સ્વરૂપવાળા છે પણ મનુષ્યો તેમને બે સ્વરૂપે થયેલા જુએ છે.દુરાધર્ષ અને યશસ્વી એવા તે બંને જણા આપણી સેનાનો નાશ કરવા ઈચ્છે તો કેવળ મનથી જ તેઓ સંહાર કરી શકે તેમ છે,પણ તેઓ મનુષ્યાવતારી છે તેથી તેઓ તેવી ઈચ્છા કરતા જ નથી.


હે સંજય,ભીષ્મ અને દ્રોણનો નાશ થયો તે પરથી,લોકોને મોહ ઉપજાવનાર યુગનો ફેરફાર થઇ ગયો હોય તેમ મને લાગે છે.બ્રહ્મચર્યથી,વેદાધ્યયનથી,અનેક ધાર્મિક ક્રિયાઓથી કે કોઈ વિદ્યાથી કોઈ પુરુષ મૃત્યુનું વારણ કરી શકતો નથી.યુદ્ધદુર્મદ એવા ભીષ્મ અને દ્રોણને યુદ્ધમાં માર્યા ગયેલા સાંભળ્યા છતાં હું કેમ જીવી રહ્યો છું?પૂર્વે યુધિષ્ઠિરની જે રાજ્યલક્ષ્મીની અમે ઈર્ષા કરતા હતા,તે જ રાજ્યલક્ષ્મીને આજે અમે ભીષ્મ ને દ્રોણના વધથી ત્યાં જ રહેવા માટે અનુમતિ આપીએ છીએ.અવશ્ય મારે લીધે જ આ કૌરવોનો નાશ આવી પડ્યો છે.


હે સૂત,જયારે મનુષ્યોનો કાળ પાકી ગયો હોય છે ત્યારે,તણખલાં પણ તેમના નાશ માટે વજ્ર જેવાં થઇ જાય છે.જેના કોપથી ભીષ્મ અને દ્રોણ રણમાં રોળાઈ પડ્યા છે તે યુધિષ્ઠિર આ લોકમાં અનંત ઐશ્વર્ય પામ્યો છે.સ્વભાવથી જ ધર્મે યુધિષ્ઠિરનો આશ્રય કર્યો છે અને અધર્મ મારા પુત્રોમાં ભરાયો છે.ને એથી જ આ ક્રૂર કાળ મારો સર્વનાશ કરવા ઉભો થયો છે.હે તાત,હું માનું છું કે મનસ્વી પુરુષો વિચારે છે કૈંક અને તેનું પરિણામ આવે છે બીજું જ.આથી તો અમારા ઉપર ટાળ્યું,ટળે નહિ એવું ને વિચારમાં પણ ના આવે તેવું મહાકષ્ટ આવી પડ્યું છે.હવે તું જે યુદ્ધમાં બન્યું હોય તે કહી સંભળાવ (51)

અધ્યાય-11-સમાપ્ત