Jan 10, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1016

 

અધ્યાય-૧૦-ધૃતરાષ્ટ્રના પ્રશ્નો 

 

 II वैशंपायन उवाच II एतत्प्रुष्टा सूतपुत्रं ह्रुच्छोकेनार्दिनो भ्रुशम् I जये निराशः पुत्राणां धृतराष्ट्रोपतत् क्षितो II १ II

વૈશંપાયન બોલ્યા-હૃદયના શોકથી અત્યંત પીડાયેલા ધૃતરાષ્ટ્રે આ પ્રમાણે સૂતપુત્ર સંજયને પૂછ્યું અને પોતાના પુત્રોના વિજય વિષે આમ આશા છોડી દઈ,તે પૃથ્વી પર ગબડી પડયો.ત્યારે દાસીઓ તેમના પાર ઠંડુ જળ છાંટવા લાગી ને પંખો નાખવા લાગી.સર્વ રાણીઓ પણ ત્યાં આવીને તેમને હાથ વડે પંપાળવા લાગી ને તેમને હળવેથી ઉઠાડીને બેસાડ્યા.છતાં તે નિશ્ચેષ્ટ જ બેઠા રહ્યા.થોડી વારે તે ભાનમમાં આવ્યા ત્યારે તે ફરીથી સંજયને કહેવા લાગ્યા કે-

ધૃતરાષ્ટ્ર બોલ્યા-સૂર્યની જેમ રણમાં ધસી આવતા બળવાન યુધિષ્ઠિરને ચઢી આવતા જોઈને કયા યોદ્ધાઓ તેમને દ્રોણથી દૂર લઇ ગયો હતા?તે યુધિષ્ઠિર એકલો પણ પોતાની ઘોર દ્રષ્ટિથી દુર્યોધનના સમગ્ર સૈન્યને બાળી શકે તેમ છે,તો તેને મારા પુત્રોમાંથી કોણે અટકાવ્યો હતો? વેગથી ધસી આવતા,મહાબળવાન,પ્રચંડ શરીરવાળો,બળમાં દશ હજાર હાથીના જેવા ભીમને આપણામાંના કોણે રોક્યો હતો?ગાંડીવધારી અર્જુનના બાણો દુર્યોધન વગેરેના પર વરસવા લાગ્યા ત્યારે તે સર્વના મનમાં શું થયું હતું? તે જોશભેર ધસી આવ્યો ત્યારે આપણું સૈન્ય નાસી તો ગયું નહોતું ને?


અર્જુન તો યુદ્ધમાં દેવોને જીતનારો છે,તેના ગાંડીવના ઘોષને મારા પુત્રો સહન કરી શકશે નહિ.શ્રીકૃષ્ણ જેના રથ હાંકનાર છે તે રથને દેવો કે અસુરો પણ જીતી શકે નહિ.તેમ હું માનું છું.તે આવી પહોંચ્યો ત્યારે કયા ક્ષુદ્ર પુરુષોએ દ્રોણનો ત્યાગ કર્યો હતો? અસીમ બળવાળા પાંડુપુત્ર નકુલ અને સહદેવ જયારે દ્રોણ સામે ધસી આવ્યા ત્યારે તેમને કોને અટકાવ્યા હતા?

યુદ્ધમાં શ્રીકૃષ્ણ અને અર્જુન સમાન,સાત્યકિને કયા શૂરવીરોએ અટકાવ્યો હતો? પંચાલ યોદ્ધાઓમાં ઉત્તમ,ધૃષ્ટદ્યુમ્ન જયારે દ્રોણ પર ચડી આવ્યો ત્યારે કયા યોદ્ધાઓએ તેને ખાળ્યો હતો? 


વળી,જે પોતે એકલો જ ચેદી યોદ્ધાઓથી નોખો થઈને પાંડવોમાં જોડાયો છે તે ધૃષ્ટકેતુ દ્રોણાચાર્ય સામે ચડી આવ્યો ત્યારે તેને કોણે રોક્યો હતો? જયારે કેતુમાન અને શિખંડી,દ્રોણાચાર્ય સામે ચઢી આવ્યા ત્યારે તેમને કોણે રોક્યા હતા?જે વીરમાં અર્જુન કરતાં પણ સર્વ ગુણો અધિક છે અને જેનામાં દિવ્ય અસ્ત્રો,સત્ય ને બ્રહ્મચર્ય સર્વદા રહ્યા છે,તેમ જ જે શ્રીકૃષ્ણ અને અર્જુન સમાન છે,તેજમાં સૂર્ય સમાન છે અને બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન છે તેવો અભિમન્યુ ધસી આવ્યો ત્યારે તેને કોણે રોક્યો હતો? દ્રૌપદીના પાંચે પુત્રો,દ્રોણ સામે ધસી આવ્યા ત્યારે કયા વીર પુરુષોએ તેમને રોક્યા હતા?


ક્ષત્રંજ્ય,ક્ષત્રદેવ,ક્ષત્રવર્મા અને માનદ-નામના ધૃષ્ટદ્યુમ્નના વીર પુત્રો જ્યારે બાળક હતા ત્યારે રમતગમત છોડીને અસ્ત્રો શીખવા માટે ભીષ્મની પાસે ઉત્તમ વ્રત ધારણ કરીને રહ્યા હતા,તેમને દ્રોણ પર ધસારો કરતા કોણે અટકાવ્યા હતા? જે મહાધનુર્ધર ચેકિતાનને યાદવો યુદ્ધમાં એકલો હોય તો પણ સૌથી અધિક માને છે તેને કોણે દ્રોણ સામેથી પાછો હટાવ્યો હતો?

જેણે યુદ્ધમાં કલિંગોની કન્યાનું હરણ કર્યું હતું તે વૃદ્ધક્ષેત્રના પુત્ર અનાધૃષ્ટિને કોણે વાર્યો હતો? પાંડવોની માસીના છોકરા પાંચ કેકયકુમારો,ગુરુ દ્રોણ સામે ધસી આવ્યા ત્યારે તેમને કોણે અટકાવ્યા હતા?