Jan 9, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1015

 

અધ્યાય-૯-ધૃતરાષ્ટ્રનો શોક


 II धृतराष्ट्र उवाच II किं कुर्वाणं रणे द्रोणं जघ्नुः पांडवसृञ्जयाः I तथा निपुणमस्त्रेपु सर्वशस्त्रभृतामपि II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-સર્વ શાસ્ત્રધારીઓમાં અને સર્વ અસ્ત્રોમાં નિપુણ એવા દ્રોણાચાર્યને,પાંડવો અને સૃન્જયોએ મારી નાખ્યા તો તે વેળાએ તે રણસંગ્રામમાં શું કરતા હતા?શું તે વેળાએ તેમનો રથ ભાંગી ગયો હતો?તેમનું ધનુષ્ય ભાંગી ગયું હતું?કે પછી તે પોતે  જ તે સમયે પ્રમાદી બની ગયા હતા તેથી તે મૃત્યુ પામ્યા હતા?કેમ કે તે મહારથી શત્રુઓથી ગાંજ્યા જાય તેવા નહોતા.

બ્રાહ્મણશ્રેષ્ઠ,ઇન્દ્રિયનિગ્રહી,અસ્ત્રપારંગત,દિવ્ય અસ્ત્રોને ધારણ કરનાર,અવિચલ અને યુદ્ધમાં દારુણ કર્મ કરતા તે આચાર્યને ધૃષ્ટદ્યુમ્ને શી રીતે મારી નાખ્યા? ધૃષ્ટદ્યુમ્ન તેમને મારી શક્યો,એથી અવશ્ય દૈવ જ પુરુષાર્થ કરતાં મહાન છે એમ મારુ માનવું છે.તેમને મરણ પામેલા સાંભળીને આજે હું શોકના વેગને રોકી શકતો નથી.

હાય,મારું કાળજું વજ્જરનું જ ઘડેલું હોવું જોઈએ,કારણકે આજે દ્રોણાચાર્યને મરણ પામેલા સાંભળીને પણ તે સો ટુકડામાં ચિરાઈ જતું નથી ! ગુણ મેળવવાની ઈચ્છા કરતા બ્રાહ્મણો અને રાજપુત્રો,બ્રહ્માસ્ત્ર તથા અનેક જાતના દૈવાસ્ત્રો માટે જે આચાર્યની ઉપાસના કરતા હતા,ત આચાર્યનું મૃત્યુએ કેવી રીતે હરણ કર્યું?તેમના મરણને હું સહન કરી શકતો નથી.તે આચાર્ય દુષ્ટોને શિક્ષા કરનારા હતા અને ધાર્મિકોના રક્ષક હતા.જે શત્રુતાપન આચાર્યે દુર્યોધન જેવા કૃપણને માટે પણ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે,જેના પરાક્રમ પર મારા મંદબુદ્ધિ પુત્રોને જીતની આશા રહી હતી અને જે બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા હતા તે આચાર્ય દ્રોણ કેવી રીતે માર્યા ગયા?


ઉત્તમ ઘોડાઓ જોડેલા અને સુવર્ણથી મઢેલા ઉત્તમ રથમાં બેસીને તે દ્રોણાચાર્યે યુદ્ધમાં શું કર્યું હતું?એ રૌદ્રકર્મી દ્રોણાચાર્યની પાછળ કયા કયા મહારથીઓ યુદ્ધમાં સાથે ચાલ્યા હતા? દિવ્ય અસ્ત્રોને છોડી રહેલા તે દ્રોણાચાર્યને જોઈને પાંડવો તો હંમેશા પલાયન જ કરી જતા હશે કે પછી ધૃષ્ટદ્યુમ્નરૂપ બાંધવાની દોરી રાખીને તેમને દ્રોણને ચારે બાજુથી ઘેરી લીધા હશે! અર્જુને સીધી ગતિવાળા બાણો મૂકીને દ્રોણની મદદે રહેલા સર્વ મહારથીઓને અટકાવી રાખ્યા હશે અને ત્યાર પછી જ ધૃષ્ટદ્યુમ્ન દ્રોણ પર ચઢી આવ્યો હશે !અર્જુનના રક્ષણ હેઠળ રહેલા ધૃષ્ટદ્યુમ્ન વિના તે આચાર્ય દ્રોણનો બીજો કોઈ વધ કરી શકે એમ હું જોતો નથી.બ્રાહ્મણો ને ક્ષત્રિયોના આધારરૂપ એવા એ વૃદ્ધ બ્રાહ્મણ કેવી રીતે શસ્ત્રથી મરણ પામ્યા?પહેલાં હું પાંડવોને દુઃખ દેતો હતો,તે વેળા દયા કરવાને અયોગ્ય એવા તે કુંતીના પુત્રો પર એ દ્રોણ દયા કરતા હતા,તે કર્મનું છેવટે તેમને આ જ ફળ મળ્યું?


આ દુનિયાનો કોઈ પણ પુરુષ વિજયની ઈચ્છાથી દ્રોણાચાર્યની સામે જાય તો તે અવશ્ય જીવતો રહે જ નહિ.તેવા તે પુરુષોમાં વ્યાઘ્ર જેવા ને પરાક્રમવાળા દ્રોણાચાર્યના નાશને હું સાંખી શકતો નથી.તે અપામ બળવાળા દ્રોણાચાર્યને યુદ્ધમાં ધૃષ્ટદ્યુમ્ન કેવી રીતે મારી ગયો? તે દ્રોણનું કોણ કોણ રક્ષણ કરતા હતા?તેમના માટે કોણે કોણે શરીરનો ત્યાગ કર્યો હતો? તેમનું રક્ષણ કરનારા ક્ષત્રિયોએ રણમાં ભય પામીને તેમનો ત્યાગ તો કર્યો નહોતો ને? ને પછી એકલા પડેલા એ આચાર્યને શત્રુઓએ મારી નાખ્યા હતા કે શું?હે સંજય,આર્ય પુરુષનું કર્તવ્ય એ જ છે કે-મહાકષ્ટકારક આપત્તિમાં પણ તેણે મહાપરાક્રમ કરવું જોઈએ,ને તે કર્તવ્ય તેમનામાં હતું.હે સંજય,મારુ મન મૂંઝાય છે,તું આટલેથી અટકાવ,મને ફરી ભાન આવશે ત્યારે હું તને ફરી પૂછીશ.

અધ્યાય-9-સમાપ્ત