અધ્યાય-૮-દ્રોણવધનું સંક્ષિપ્ત કથન
II संजय उवाच II तथा द्रोणमभिघ्नन्तं साश्वसूतरथद्विपान I व्यथिताः पांडवा द्रष्ट्वा न चैनं पर्यवारयन II १ II
સંજય બોલ્યો-આ પ્રમાણે દ્રોણાચાર્ય ઘોડાઓ,હાથીઓ,રથો સાથે પોતાના સૈન્યને લઈને આગળ વધતા હતા તે જોઈને પાંડવો ગભરાઈ ગયા અને તેમને અટકાવી શક્યા નહિ.પછી,યુધિષ્ઠિરે ધૃષ્ટદ્યુમ્ન અને અર્જુનને આજ્ઞા કરી કે 'તમે બરાબર સાવધાન થઈને દ્રોણાચાર્યને ચોતરફથી આગળ વધતા અટકાવો.' ને આ રીતે આજ્ઞા થતાં અર્જુને અને ધૃષ્ટદ્યુમ્ને પોતાના અનુયાયીઓ સાથે દ્રોણાચાર્ય સામે ધસારો કર્યો.ત્યારે તેમને સાથ આપવા બીજા મહારથીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.અને સર્વ પોતપોતાના પરાક્રમો દેખાડવા માંડ્યા.ત્યારે તે સર્વને જોઈને રણમાં અતિ દુર્જય એવા ગુરુ દ્રોણાચાર્ય કોપાયમાન થઇ ને બાણોની વર્ષા કરીને પાંડવોના સૈન્યને વિખેરી નાખીને ચારે બાજુ ઉન્મત્તની જેમ ઘૂમવા લાગ્યા.
કાળની જેમ ધસી આવતા દ્રોણને જોઈને પાંડવ પક્ષના યોદ્ધાઓ આમતેમ ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યા.હે રાજન,ઘરડા છતાંએ જુવાન જેવા એ બળવાન દ્રોણાચાર્ય પાંડવોના સૈન્યમાં ચારે બાજુ ઘૂમીને અનેક યોદ્ધાઓનો નાશ કરવા લાગ્યા.
મહાઉગ્ર પરાક્રમવાળા તે આચાર્યે કેકયોના પાંચ વીરોને તથા પાંચાલ રાજાને બાણો વડે હરાવી દીધા ને પછી યુધિષ્ઠિરના સૈન્ય તરફ ધસ્યા.અર્જુન,ભીમ,સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન,કાશીરાજ અને શિબિ એ સર્વે સાથે મળીને તેમની સામે મોટી ગર્જના કરીને બાણોની વૃષ્ટિ કરી તો સામેં દ્રોણે બાણો મૂકીને તે યોદ્ધાઓના શરીરને ભેદી નાખ્યા ને તેમના હાથી,ઘોડા અને પાળાઓને પણ વીંધી નાખ્યા અને તેમને હંફાવી દીધા હતા.તે મહાત્મા દ્રોણાચાર્યે આવાં બીજાં અનેક પરાક્રમો કરીને અને પ્રલયકાળના સૂર્યની જેમ લોકોને બરાબર તપાવીને જ અહીંથી સ્વર્ગલોક ગયા હતા.
તે શૂર આચાર્યે રણમાં પાંડવોના સેંકડો અને હજારો યોદ્ધાઓને હણી નાખ્યા હતા અને છેવટે ધૃષ્ટદ્યુમ્નને હાથે પડ્યા હતા.તે ધીર દ્રોણ,યુદ્ધમાં પાછા ન હઠે તેવા યોદ્ધાઓની એક અક્ષૌહિણીથી યે કંઈક વધારે એવી સેનાને સંહાર્યા પછી જ પરમ ગતિને પામ્યા હતા.આચાર્ય યુદ્ધમાં માર્યા ગયા ત્યારે સર્વ સૈન્યોનો મહાન શબ્દ થઇ રહ્યો હતો.પાંડવો તો જય મેળવીને સિંહનાદો કરતા હતા અને એ મહાન શબ્દોથી આખી પૃથ્વી કંપી ઉઠી હતી.
અધ્યાય-8-સમાપ્ત