Aug 21, 2019

ભાગવત રહસ્ય-૩૯

વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ –તેમ-શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ.શ્રવણ (સાંભળવાના) ના ત્રણ પ્રધાન અંગ છે.
શ્રદ્ધા- શ્રોતાએ શ્રદ્ધા-એકાગ્રતાથી કથા સાંભળવી જોઈએ
જીજ્ઞાસા-શ્રોતામાં જાણવાની –જીજ્ઞાસા- હોવી જોઈએ.(માત્ર કુતુહુલતા ના ચાલે)
નિર્મત્સરતા –શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ (ઈર્ષા) ના હોવો જોઈએ.

કથામાં દીન થઈને જવું જોઈએ. પાપ છોડો.અને “મને ભગવાનને મળવાની –તીવ્ર-આતુરતા છે-“
એવી ભાવના કરો તો કૃષ્ણના દર્શન થાય.

પ્રથમ સ્કંધમાં શિષ્યનો અધિકાર બતાવ્યો છે.પરમાત્માની કથા વારંવાર સાંભળશો તો પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે.શૌનક મુનિએ સૂતજીને કહ્યું-ભગવત કથામાં અમને શ્રધ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મોનાપુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવા મળે છે.

શ્રવણ - ભક્તિ – પહેલી છે.રુકિમણીએ(કૃષ્ણને લખેલા) પોતાના પત્રમાં લખ્યું છે-
તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઇ.(શ્રુત્વા-સાંભળવું –એવો - શબ્દ ત્યાં છે)
ભગવાનના ગુણો સાંભળવાથી-ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે.

શ્રોતામાં વિનય હોવો જોઈએ (શૌનક મુનિની જેમ) અને વકતામાં પણ વિનય હોવો જોઈએ.
સૂતજી વક્તા બન્યા છે અને વિનય દાખવે છે. પ્રથમ શ્રોતાઓને ધન્યવાદ આપ્યો છે. અને પછી 
સૂતજી કહે છે –કે-કથા સાંભળીને તમારે જે કરવું જોઈએ તે- તો તમે કરો જ છો. તમે શાંતિથી શ્રવણ કરો છો –એટલે મારું મન ભગવાનમાં સ્થિર થાય છે. તમે બધું જાણો છો –પણ મારા પર ઉપકાર કરવા પૂછો છો.
તમે જ્ઞાની છો-પ્રભુ પ્રેમમાં પાગલ છો-પણ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે.

પ્રભુના ગુણોનું કોણ વર્ણન કરી શકે ? પણ કથા કરી હું મારી વાણીને પવિત્ર કરીશ.
શિવમહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંતે પણ આવું જ કહ્યું છે-
શિવ તત્વનું વર્ણન –કોણ કરી શકે ? પણ હું તો મારી વાણીને પવિત્ર કરવા બેઠો છું.
આરંભમાં સૂતજી-શુકદેવજીને વંદન કરે છે,તે પછી નારાયણને વંદન કરે છે.

ભરતખંડના દેવ –નરનારાયણ –છે.શ્રીકૃષ્ણ ગોલોક ધામમાં પધાર્યા છે. એટલે પ્રભુના સર્વ અવતારોની સમાપ્તિ થાય છે.પણ-આ નરનારાયણ –અવતારની સમાપ્તિ થઇ નથી-અને થવાની નથી.
ભારતની પ્રજા નું કલ્યાણ કરવા આજે પણ તે કલાપ ગ્રામ (હિમાલય) માં તપશ્ચર્યા કરે છે.
તેઓ ત્યાગનો-તપશ્ચર્યાનો-આદર્શ બતાવે છે.

પરદેશમાં ભૌતિક સુખ (ભોગ)ના સાધનો વધારે હશે. પણ ભારતમાં ભોગી મોટો ગણાતો નથી.
જે ત્યાગી છે તે મોટો ગણાય છે.શ્રી શંકરાચાર્યજી નરનારાયણનાં સાક્ષાત દર્શન કરે છે. અને પછી કહે છે કે-હું તો યોગી-બહુ જ તપશ્ચર્યા –કર્યા પછી આપણા દર્શન કરી શક્યો.પણ કળિયુગના ભોગી મનુષ્યો આપનાં દર્શન કરી શકે-તેવી કૃપા કરો.

પ્રત્યક્ષ નરનારાયણ-હિમાલયમાં –કલાપ ગ્રામમાં છે. પણ ત્યાં આપણા જેવા સાધારણ માનવી જઈ શકે નહિ.
શંકરાચાર્યને ભગવાને –તે વખતે આદેશ કર્યો કે-બદ્રીનારાયણમાં નારદ-કુંડ છે.ત્યાં સ્નાન કરો-ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે-તેની સ્થાપના કરો.મારી આ મૂર્તિના જે દર્શન કરશે-તેણે મારાં પ્રત્યક્ષ દર્શન કર્યા જેટલું પુણ્ય-ફળ મળશે.બદ્રીનારાયણની સ્થાપના શંકરાચાર્યે (શંકર સ્વામી) એ કરી છે.

બદ્રીનાથની જાત્રા જેણે કરી હશે-તેને ખબર હશે-બદ્રીનાથ જતાં વિષ્ણુ-પ્રયાગ અને ત્યાંથી આગળ જોષીમઠ
આવે છે. જોષીમઠમાં ગંગા કિનારે એક વૃક્ષ છે.પંડા ઓ બતાવે છે-કે-આ વૃક્ષ નીચે બેસીને ૧૨૦૦ વર્ષ પહેલાં,
શંકરાચાર્યે તપ કર્યું હતું.આ વૃક્ષ નીચે બેસીને શંકરાચાર્યે –વિષ્ણુસહસ્ત્ર નામ પર ભાષ્ય લખ્યું.
શંકરાચાર્યનો પહેલો ગ્રંથ છે-આ-વિષ્ણુ-સહસ્ત્રનામની ટીકા-

કહે છે કે-જે જાય બદરી-તેની- કાયા જાય સુધરી.
પણ મનથી માનસ દર્શનનું બહુ પુણ્ય લખ્યું છે. મનથી નારાયણને પ્રણામ કરો-વંદન કરો.
બદ્રીનારાયણના મંદિરની સેવા (પૂજા) છે તે તપસ્વીની સેવા છે.(નારાયણના તપસ્વી સ્વરૂપ ની).
ઠાકોરજીના અભિષેક માટે અલક નંદાનું ઠંડું જળ આવે છે. ચરણથી ગાળા સુધી ચંદનની અર્ચા કરવામાં 
આવે છે. પદ્માસન વાળી-નારાયણ એકલા બેઠા છે. લક્ષ્મીજીની મૂર્તિ બહાર છે.

નારાયણ બતાવે છે-કે-“મારે જગતને તપશ્ચર્યાનો આદર્શ બતાવવો છે.”
તપશ્ચર્યા માં –સ્ત્રીનો(કે પછી સ્ત્રીને- પુરુષનો) -દ્રવ્યનો-બાળકનો –સંગ બાધક છે. તે તપમાં વિઘ્ન કરે છે.
નારાયણે લક્ષ્મીજીને કહ્યું કે-તમે બહાર બેસીને ધ્યાન કરો-હું અંદર બેસીને ધ્યાન કરીશ.
એક ભક્તે બદ્રીનારાયણના પુજારીને પૂછ્યું કે-આવી સખત ઠંડીમાં-ઠાકોરજીને ચંદનની અર્ચાથી સેવા કેમ?
પૂજારીએ કહ્યું-અમારા ઠાકોરજી તપશ્ચર્યા બહુ કરે છે-તેથી શક્તિ વધે છે-એટલે ઠાકોરજીને ગરમી બહુ થાયછે.-એટલે ચંદનની અર્ચા કરવામાં આવે છે.

સૂતજી-નારાયણને વંદન કરી –સરસ્વતીને –વ્યાસજીને વંદન કરે છે.
અને તે પછી કથાનો આરંભ કરે છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE