Aug 20, 2019

ભાગવત રહસ્ય-૩૮

ઋષિ મુનિઓએ એક વખત ભગવાનને પૂછ્યું-કે-અમને કોઈ સાત્વિક જગ્યા બતાવો. જે ભૂમિ અમને ભજનમાં સાથ આપે.પરમાત્માએ ઋષિ મુનિઓને એક ચક્ર આપ્યું. અને કહ્યું-આ ચક્ર જ્યાં સ્થિર થાય-ત્યાં તપ કરજો.ઋષિ મુનિઓ ચક્ર લઇ ચાલ્યા છે. ફરતાં-ફરતાં નૈમિષારણ્યની ભૂમિ પર આવ્યા છે. ત્યાં ચક્ર સ્થિર થયું.સુધી મુનિઓએ આ ભૂમિ પર તપ કર્યું છે.

(પરમાત્માએ આપણને મન-રૂપી ચક્ર આપ્યું છે-જે સતત ગતિશીલ રહેતું હોય છે--કોઈ સાત્વિક ભૂમિ ઉપર જલ્દી સ્થિર થાય છે. અને જો મન રૂપી- ચક્ર -સ્થિર થાય- તો જ- તપ –સાધન થઇ શકે)
આ નૈમિષારણ એ સાત્વિક ભૂમિ છે. તેમાં અઠ્યાસી હજાર ઋષિઓનું બ્રહ્મ-સત્ર થયું છે.

ભાગવતની કથા એ યજ્ઞ નથી પણ સત્ર છે.યજ્ઞ અને સત્ર વચ્ચે ઘણો તફાવત છે.
યજ્ઞમાં-યજ્ઞ કરનારો જ યજમાન છે. જયારે સત્રમાં દરેક શ્રોતા –એ યજમાન છે.
યજ્ઞમાં માત્ર એક વ્યક્તિને યજ્ઞનું પૂર્ણ ફળ મળે છે. બીજાને યજ્ઞનું પૂર્ણ ફળ મળતું નથી.
યજ્ઞમાં ફળની વિષમતા છે. જયારે સત્રમાં –કથામાં –દરેકને સરખું ફળ મળે છે.
ફળમાં સામ્ય-એનું નામ સત્ર- અને ફળમાં વિષમતા તેનું નામ -યજ્ઞ.
કથામાં હજારો રૂપિયા ખર્ચનારને –અને જે ગરીબથી કંઈ થઇ શકે નહિ-તે-માત્ર વંદન કરે- 
તો તેવા ફક્ત વંદન કરનારને-એમ બંનેને સરખું ફળ મળે છે.

તે બ્રહ્મ-સત્રમાં એકવાર –સૂતજી –પધાર્યા છે.શૌનક્જીએ –સૂતજીને પ્રશ્ન કર્યો છે કે-
જીવમાત્રનું કલ્યાણ શાથી થાય તે કહો. કલ્યાણનું સાચું સ્વરૂપ બતાવો.
કેટલાક માને છે –કે અમે બંગલામાં રહીએ છીએ –એટલે કલ્યાણ થઇ ગયું.
કેટલાક માને છે-કે અમે મોટરમાં ફરીએ છીએ-એટલે કલ્યાણ થઇ ગયું.
પણ રસ્તામાં મોટરમાં પંક્ચર પડે ત્યારે ખબર પડે –કે- કેટલું કલ્યાણ થયું છે.

“મનુષ્ય માત્રનો કલ્યાણ થાય તેવો ઉપાય બતાવો. કળિયુગમાં બુદ્ધિ નો-શક્તિનો-નાશ થયો છે. તેથી 
રોગો બહુ વધ્યા છે. આ યંત્ર યુગમાં લોકોને કામ કરવાની ઈચ્છા થતી નથી. આરામ કરવાથી તન-મન 
બગડે છે. કલિયુગના શક્તિ હીન માણસો પણ જે સાધન કરી શકે તે સાધન બતાવો.
આ કલિયુગના મનુષ્યો મંદ બુદ્ધિવાળા અને મંદ શક્તિવાળા છે. તેથી સાધન કઠણ હશે તો તે કરશે નહિ.
કોઈ સરળ સાધન બતાવો. સાધન સરળ હશે તો તે કરી શકશે.”

કળિયુગના માણસો –ભોગી- છે એટલે તેમને –મંદ બુદ્ધિ-શક્તિ વાળા કહ્યા છે. કળિયુગના માણસો એટલા ભોગી છે કે-એક આસને બેસી –આઠ કલાક ધ્યાન કરી શકશે નહિ.(આઠ મિનીટ કરે તો ય ઘણું!!),
જેનું શરીર સ્થિર નથી-જેની આંખ સ્થિર નથી-તેનું મન સ્થિર થઇ શકતું નથી.
કળિયુગ ના માનવી પોતાને ચતુર-બુદ્ધિ વાળો સમજે છે-પણ વ્યાસજી ના પાડે છે.
સંસારના વિષયો પાછળ પડે તે ચતુર શાનો ?

વ્યવહારના કાર્યમાં મનુષ્ય જેવો સાવધાન રહે છે-તેવો પરમાત્માના કાર્યમાં સાવધાન રહેતો નથી.
પૈસા ગણે ત્યારે બહુ સાવધાન પણ આત્મકલ્યાણના કાર્યમાં ઉપેક્ષા રાખે છે.
જે કરવું જોઈએ તે કરતો નથી-તે બુદ્ધિમાન કહેવાય ?

શાસ્ત્રો તો કહે છે કે- સો કામ છોડી ભોજન કરો-હજાર કામ છોડી સ્નાન કરો-લાખ કામ છોડી દાન કરો-
અને કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરો.-ધ્યાન કરો-સેવા કરો.
ઘરના કાર્યો કર્યા પછી-માળા ફેરવવાની નહિ-પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી બધાં કાર્યો કરવાં.
કળિયુગના મનુષ્યો જે કરવાનું નથી તે પહેલું કરે છે-અને જે કરવાનું છે- તે કરતા નથી.
શું આ મંદ બુદ્ધિ નથી ? એટલે વ્યાસજી એ કળિયુગના માનવી ને મંદ-બુદ્ધિ –શક્તિવાળા કહ્યા છે.

ઈશ્વર વિના સંસારના બધાં વિષયો-પ્રેય(થોડો સમય પ્રિય લાગે અને પછી અણગમો થાય તે) છે.
શ્રેય (જે વિષય -કાયમ પ્રિય લાગે)-માત્ર પરમાત્મા છે.પ્રેયને છોડી -શ્રેયને પકડે-એ –જ બુદ્ધિમાન છે.
બહુ પૈસા મળે તે ભાગ્યશાળી નથી. અતિ સંપત્તિ વધે-એટલે મનુષ્ય પ્રમાદી થાય છે. અતિ સંપત્તિ મળે –
એટલે તેનામાં વિકાર-વાસના વધે છે.પરંતુ-જેને ભજનાનંદી સાધુનો સત્સંગ મળે તે ભાગ્યશાળી છે.
કળિયુગનો માનવી -મંદભાગી –છે. એને ભજનાનંદી સાધુનો સંગ મળતો નથી.
અને કદાચ મળે છે તો તે વધારે ટકતો નથી.

અઠ્યાસી હજાર શ્રોતાઓ છે.પણ લાઉડ-સ્પીકર વગર સર્વ સાંભળી શકે છે.
તે વખતે મંત્ર શક્તિ હતી-હવે યંત્ર શક્તિ થઇ ગઈ છે.
તે વખતે કહે છે કે -કથા એક હજાર વર્ષ ચાલેલી. (પણ વક્તા નો અવાજ બેઠેલો નહિ.)

પહેલા સ્કંધનો-આ પહેલો અધ્યાય-ને પ્રશ્નાધ્યાય પણ કહે છે.
શૌનક્જી એ સૂતજીને અનેક પ્રશ્નો કર્યા છે.
“શ્રેય પ્રાપ્તિનું સાધન શું છે ? તે સમજાવો. શ્રીકૃષ્ણ પ્રગટ કેમ થયા ? તેનું કારણ કહો.
ભગવાનના સ્વધામ પધાર્યા પછી કળિયુગમાં અધર્મ વધી જશે –તો ધર્મ કોના શરણે જશે ?
પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો. એવી પ્રેમથી કથા કહો કે-જેથી અમારા હૃદય પીગળે.”

પરમાત્માનાં દર્શનની આતુરતા વગર સંત મળતા નથી. પ્રભુકૃપાથી સંત મળે છે.
સ્વાદ ભોજનમાં નહિ પણ ભુખમાં છે. મનુષ્યને પરમાત્માને મળવાની ભુખ ન જાગે, ત્યાં સુધી,
સંત મળે તો પણ તેણે સંતમાં –સદભાવ થતો નથી. તેનું એક જ કારણ છે કે-
જીવ ને ભગવત-દર્શનની ઈચ્છા જ થતી નથી.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
     INDEX PAGE