Page list

Feb 3, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1036

 

અધ્યાય-૩૦-માયાવી શકુનિ નાઠો 


II संजय उवाच II प्रियमिन्द्रस्य सततं सखायमतितौजसम् I हत्वा प्राग्ज्योतिषं पार्थः प्रदिक्षणमवर्तत II १ II

સંજય બોલ્યો-અમાપ તેજવાળા ઇન્દ્રના પ્રિય મિત્ર ભગદત્તને મારીને અર્જુન દક્ષિણદિશા તરફ ગયો.ત્યારે ગાંધારરાજ સુબલના પુત્ર વૃષક અને અચલ નામના બે ભાઈઓ યુદ્ધમાં આગળ આવીને અર્જુનને પીડવા લાગ્યા.એટલે અર્જુને તીક્ષ્ણ બાણો વડે વૃષકના ઘોડા,સારથી,ધનુષ્ય,રથ અને ધ્વજના ટુકડા કરી નાખ્યા અને સાથે આવેલા પાંચસો ગાંધાર યોદ્ધાઓને મૃત્યુલોકમાં વિદાય કરી દીધા.ત્યારે વૃષક પોતાના ભાઈના રથમાં ચડી ગયો.અને હવે બંને ભાઈઓ સાથે મળીને અર્જુનને બાણોથી પીડવા લાગ્યા.ત્યારે અર્જુને એક જ બાણ મૂકીને તે બંનેને મારી નાખ્યા.હે રાજન,યુદ્ધમાં પછી પાની નહિ કરનારા તે પોતાના બંને મામાઓને આમ યુદ્ધમાં માર્યા ગયેલા જોઈને તમારા પુત્રોએ દુઃખનાં આંસુ સાર્યા.ને પોતાના બે ભાઈઓને મરણ પામેલા જોઈને સેંકડો માયા રચવામાં કુશળ એવો શકુની ત્યાં આવી પહોંચ્યો ને શ્રીકૃષ્ણ તથા અર્જુનને મોહિત કરવા પોતાની માયા રચવા લાગ્યો.ને તેની માયાના પ્રભાવથી અનેક જાતનાં હથિયારો અર્જુન પર પડવા લાગ્યાં.વળી,ત્યાં અનેક જાતનાં પ્રાણીઓ,પક્ષીઓ ને રાક્ષસો ભુખાળવાં થઈને અર્જુન તરફ ધસવા લાગ્યાં.

ત્યારે દિવ્ય અસ્ત્રોને જાણનારા અર્જુને અનેક બાણો વડે તે હથિયારોનો નાશ કરીને તે અનેક પ્રાણીઓ પર પ્રહાર કર્યો એટલે તે સર્વ પ્રાણીઓ ત્યાંથી ભાગી ગયાં.હવે અર્જુનના રથ સામે ભયંકર અંધકાર છવાઈ ગયો અને તે અંધકારમાંથી આવતી ક્રૂર વાણીઓ અર્જુનનો તિરસ્કાર કરવા લાગી.તે અંધકાર સર્વને ભય કરનાર હતો છતાં,અર્જુને ઉત્તમ તૈજસ અસ્ત્રનો પ્રયોગ કરીને તે અંધકારનો નાશ કરી નાખ્યો.ત્યારે ત્યાં ભયાનક જળપ્રવાહો પ્રગટ થયા.અર્જુને સૂર્યાસ્ત્રનો પ્રયોગ કરીને તે સર્વ જળને સુકવી નાખ્યું.તે સમયે શકુનિએ આવી અનેક જાતની માયાઓ કરી હતી,પણ અર્જુને પોતાના અસ્ત્રોના બળથી તે સર્વનો નાશ કરી નાખ્યો.જયારે પોતાની સર્વ માયાઓ નાશ પામી ત્યારે અર્જુનના બાણોથી માર ખાઈને ત્રાસ પામેલો શકુનિ સામાન્ય મનુષ્યની જેમ,પોતાના વેગવાળા ઘોડાઓ દોડાવીને ત્યાંથી નાસી ગયો.


પછી અર્જુન શત્રુઓ પર પોતાની ઝડપ દેખાડવા મંડ્યો અને કૌરવોની સેનાએ પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો.અર્જુને બાણોનો એવો મારો ચલાવ્યો કે કૌરવોની સેના બે ભાગમાં વહેંચાઈ ગઈ.તે સેનામાંથી કેટલાક દ્રોણાચાર્યને તો કેટલાક દુર્યોધનને શરણે ગયા.ત્યારે રણમાં ઉઠેલી ધૂળને લીધે અર્જુન દેખાતો નહોતો પણ તેના ગાંડીવનો અવાજ આકાશમાં પહોંચતો હતો.જેમ,વાયુ વાદળાંને છિન્નભિન્ન કરી નાખે તેમ,અર્જુન પણ ત્યાં શત્રુસેનાને છિન્નભિન્ન કરી રહ્યો હતો.ઉગ્ર સ્વરૂપને ધારણ કરનારા તે અર્જુનને,શત્રુ સૈન્યના મહાધનુર્ધર પુરુષવ્યાઘ્રો વારી શક્યા નહિ.હે રાજન,અર્જુનના પ્રહારથી તમારા સૈનિકો એટલા વ્યથિત થઇ ગયા હતા કે તેઓ આમતેમ નાસભાગ કરીને ઘણે ભાગે પોતાના યોદ્ધાઓનો જ નાશ કરી રહ્યા હતા.


તે રણભૂમિ પર યોદ્ધાઓ,ઘોડાઓ,હાથીઓ મૂઆ થઈને પડ્યા હતા.રણભૂમિનો દેખાવ ભયંકર બન્યો હતો.માંસભક્ષણ કરવા માટે આવેલાં કૂતરાં,શિયાળવાં અને કાગડાઓના ભયંકર શબ્દો સંભળાતા હતા.અર્જુનના બાણથી પીડાયેલા પિતા પુત્રને,મિત્ર મિત્રને અને પુત્ર પિતાને ત્યાં રણમાં જ મૂકીને નાસવા લાગ્યા હતા.તે યુદ્ધમાં યોદ્ધાઓ એટલા બધા ગભરાઈ ગયા હતા કે તેઓ માત્ર પોતાનું રક્ષણ કરવાની બુદ્ધિવાળા થઈને પોતાના વાહનો ત્યજીને ત્યાંથી ભાગી જતા હતા (42)

અધ્યાય-30-સમાપ્ત