Feb 4, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1037

 

અધ્યાય-૩૧-નીલરાજાનો વધ 


  II धृतराष्ट्र उवाच II तेश्वनिकेषु भग्नेषु पांडुपुत्रेण संजय I चलितानां द्रुतानां च कथमासीन्मनो हि वः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-પાંડુપુત્ર અર્જુને જયારે સૈન્યમાં ભંગાણ પાડ્યું ત્યારે આમતેમ નાસભાગ કરીને ચલિત થયેલાઓનું 

મન કેવું થઇ ગયું હતું?કોઈ સ્થળે પણ સ્થિતિને નહિ જોનારાં સૈન્યોમાં જે વેળા ભંગાણ પડ્યું હશે તે વેળા 

તેમને પુનઃ શત્રુઓ સામે ગોઠવવાં અશક્ય થયાં હશે,માટે તે સંબંધમાં જે બન્યું હોય તે મને કહે.

સંજય બોલ્યો-ત્યારે પણ હે રાજન,તમારા પુત્રનું પ્રિય કરનારા વીરપુરુષો તો પોતાના યશનું લોકમાં રક્ષણ કરીને દ્રોણની પાછળ જ જવા લાગ્યા.ને આર્યપુરુષોને યોગ્ય જ યુદ્ધ કર્મો કરવા લાગ્યા.શત્રુઓ પર ક્રૂર વર્તન કરનારા પાંચાલો 'દ્રોણને મારો,દ્રોણને મારો' એમ પોતાના સૈનિકોને પ્રેરણા કરતા હતા ત્યારે તમારા પુત્રો 'દ્રોણનો વધ ન થવા દો ' એ પ્રમાણે પ્રેરણા કરતા હતા,એ પ્રમાણે કૌરવ અને પાંડવ વચ્ચે દ્રોણના નામનો જ જાણે જુગાર ચાલી રહ્યો હતો.તે યુદ્ધમાં પાંડવોને શત્રુઓ કંપાવી શક્યા નહિ પણ પાંડવો તો પૂર્વે પોતાને થયેલાં દુઃખોનું સ્મરણ કરીને શત્રુ સૈન્યને કંપાવવા લાગ્યા હતા.


હે મહારાજ,કોઈ પણ વૃદ્ધ પુરુષોને પૂર્વે તે પ્રકારનો સંગ્રામ,ના કદી જોયો હોય કે સાંભળ્યો હોય તેવો હતો.પરસ્પર યોધ્ધાઓના સંહાર કરતા સૈન્યો આમતેમ ઘૂમી રહ્યા હતા અને તેમના અતિશય ભારથી પૃથ્વી જાણે કંપવા લાગી હતી.ત્યારે યુદ્ધમાં ઘૂમી રહેલા દ્રોણાચાર્યે હજારો તીક્ષણ બાણો મૂકીને પાંડવોના સૈન્યમાં ભંગાણ પાડવા માંડ્યું.દ્રોણાચાર્ય સામે ધૃષ્ટદ્યુમ્ન જાતે જ આવીને તેમને ખાળતો હતો.હે રાજન,તે વખતે દ્રોણ અને ધૃષ્ટદ્યુમ્નનું અતિ અદભુત યુદ્ધ થઇ રહ્યું હતું અને તે યુદ્ધની કોઈ ઉપમા જ નથી એમ મારુ માનવું છે.તે વખતે નીલરાજા આગળ આવીને કૌરવોની સેનાનો નાશ કરવા લાગ્યો,ત્યારે અશ્વત્થામા તેને કહેવા લાગ્યો કે-'અનેક યોદ્ધાઓને મારવાથી તારા હાથમાં શું આવવાનું છે? આવ મારી એક ની જ સામે લડ'


ત્યારે નીલરાજાએ આગળ આવીને અશ્વથામાને વીંધી નાખ્યો ત્યારે તેણે પણ નીલરાજાના ધનુષ્ય,ધ્વજ અને છત્રને કાપી નાખ્યું.એટલે તે નીલરાજા હાથમાં તલવાર અને ઢાલ લઈને કૂદી પડ્યો અને તેણે અશ્વત્થામાના મસ્તકને ધડથી જુદું કરવાની ઈચ્છા કરી.પણ અશ્વત્થામાએ એક ભલ્લ બાણ મૂકીને તે નીલરાજાના મસ્તકને ધડથી છૂટું પાડી દીધું.અશ્વથામાએ આમ નીલરાજાને મારી નાખ્યો ત્યારે પાંડવોની સેનાએ અતિશય વ્યથાતુર થઇ ગઈ.પાંડવ પક્ષના મહારથીઓ વિચાર કરવા લાગ્યા કે-'આ વખતે અર્જુન હોય તો જ આપણા બધાનું રક્ષણ કરે' પણ અર્જુન તો દક્ષિણ દિશામાં બાકી રહેલા સંશપ્તકોનો તથા નારાયણી ટુકડીનો નાશ કરી રહ્યો હતો (29)

અધ્યાય-31-સમાપ્ત