Feb 5, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1038

 

અધ્યાય-૩૨-બીજો દિવસ સમાપ્ત-યુદ્ધનું ભયંકર સ્વરૂપ 


II संजय उवाच II प्रतिघातं तु सैनस्य नामृष्यत वृकोदर I सोभ्याहनद गुरुं पष्टया कर्ण च दशभिः शरैः II १ II

સંજય બોલ્યો-દ્રોણાચાર્યથી થતો સૈન્યનો આ નાશ,ભીમસેન સહન કરી શક્યો નહિ,તેણે ગુરુને સાઠ બાણોથી અને કર્ણ પર  દશ બાણોથી પ્રહાર કર્યો.ત્યારે દ્રોણાચાર્યે સામે તીક્ષ્ણ બાણોથી તેના મર્મસ્થાનમાં પ્રહાર કર્યો.વળી,કર્ણ,અશ્વત્થામા ને દુર્યોધને પણ સાથે મળીને ભીમ પર બાણોનો વરસાદ કરી તેને છાઈ દીધો.ભીમસેને સામો પ્રહાર કરીને તેમને વીંધ્યા.ક્રોધમાં આવી ગયેલા તે સર્વેએ બાણોના પ્રહારથી ભીમને મરણતુલ્ય અવસ્થાએ પહોંચાડી દીધો.તે જોઈને યુધિષ્ઠિરે પોતાના યોદ્ધાઓને આજ્ઞા આપી કે-'જાઓ ભીમને બચાવો' તેમની આજ્ઞાથી સાત્યકિ,નકુલ અને સહદેવ,ભીમ પાસે આવી પહોંચ્યા.

પછી,સર્વેએ સાથે મળીને દ્રોણાચાર્યના સૈન્યમાં ભંગાણ પાડવાનો ઉદ્યમ કર્યો.ત્યારે દ્રોણાચાર્ય એ સર્વની સામે ટક્કર ઝીલવા માંડ્યા.પરસ્પર અતિ દારુણ યુદ્ધ થયું.તે યુદ્ધ અત્યંત મર્યાદાહીન ચાલ્યું હતું.સારથી વિનાના રથો અંકુશ વિનાના હાથીઓ ચોમેર ઘુમીને સૈન્યનો ઘાણ વાળતા હતા.સૈન્ય સેળભેળ થઈ ગયું હતું ને કોણ કોને મારે છે તેની સમજ પડતી નહોતી.ઠેરઠેર ભાગેલા રથો,ધડ વિનાના શરીરો,મરેલા ઘોડા હાથીઓથી ને તેમના લોહીથી રણભૂમિ ખરડાઈ ગઈ હતી.ત્યાંનો સર્વ પ્રદેશ સૈન્યથી ઊડતી રજથી ઢંકાઈ ગયો હતો,ને મર્યાદાનું લગાર પણ નામ ન હતું.માત્ર સંહાર જ ચાલી રહ્યો હતો.


તે વખતે સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન 'આ સમય જ ખરો છે માટે ઉતાવળ કરો' એમ કહી રહ્યો હતો.ત્યારે તેની આજ્ઞાને માન આપીને સર્વ પાંડવો દ્રોણાચાર્યના રથ પર જ તૂટી પડ્યા.ત્યારે સામે દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વત્થામા,જયદ્રથ,અવંતીકુમારો,અને શલ્ય એ સર્વે સાથે મળીને પાંડવ સૈન્યને વારવા માંડયા.પાંડવ અને પાંચાલ યોદ્ધાઓ દ્રોણાચાર્યના બાણથી સખ્ત પીડાતા હતા છતાં તેમણે દ્રોણાચાર્યને છોડ્યા જ નહિ.ક્રોધે ભરાયેલા દ્રોણે સેંકડો બાણો છોડીને શત્રુ સૈન્યનો મોટો સંહાર કરી નાખ્યો.એ જ અરસામાં સંશપ્તકોને જીતીને અર્જુન તે સ્થળે આવી પહોંચ્યો.


અર્જુને આવીને પોતાના શસ્ત્રોના તેજથી તે સર્વ કૌરવ સૈન્યને બાળવા માંડ્યો.તેના હજારો બાણોથી હાથી,ઘોડા અને રથી યોદ્ધાઓ મરવા લાગ્યા.કેટલાએક યોદ્ધાઓ ત્યાંથી પલાયન થઇ ગયા.નાસભાગ કરતા કૌરવ સૈન્યે કર્ણને મદદ માટે બૂમો મારી એટલે કર્ણ ત્યાં 'ડરશો નહિ' કહેતો આવી પહોંચ્યો.અને અર્જુન સામે જતાં જ અગ્ન્યાસ્ત્ર પ્રગટ કર્યું.ત્યારે અર્જુને તે બાણને વચમાં જ તોડી નાખ્યું ને સામે ગર્જનાપૂર્વક બાણો છોડવા મંડ્યો.ત્યારે ભીમ અને સાત્યકિ,કર્ણ સામે આવી પહોંચ્યા.

કર્ણે બાણોની વૃષ્ટિથી એ ત્રણેના અસ્ત્રોનું નિવારણ કર્યું ને ત્રણેનાય ધનુષ્યો કાપી નાખ્યા.


ત્યારે તે શૂરાઓએ કર્ણ સામે શક્તિઓ ફેંકીને ગર્જના કરી.કર્ણે તે શક્તિઓને વચ્ચે જ કાપી નાખી અને અર્જુન સામે બાણો છોડવા માંડ્યા.સામે અર્જુને સાત બાણોથી કર્ણને વીંધી નાખ્યો,ને બીજા તીક્ષ્ણ બાણો મૂકી તેના નાના ભાઈને અને શત્રુંજય નામના બીજા ભાઈને પણ મારી નાખ્યો.વળી એક ભલ્લ બાણથી તેના ત્રીજા ભાઈ વીપાટનો પણ શિરચ્છેદ કર્યો.આમ અર્જુને એકલે હાથે જ,ધૃતરાષ્ટ્રપુત્રોના દેખતાં કર્ણના ત્રણ ભાઈઓને મારી નાખ્યા.તેવામાં ભીમસેન હાથમાં તલવાર લઈને રથમાંથી કૂદી પડ્યો અને કર્ણના પક્ષના પંદર યોદ્ધાઓને કાપી નાખ્યા ને પાછો ઝટપટ રથમાં બેસીને,દશ બાણો વડે કર્ણને અને પાંચ બાણો વડે તેના સારથી તથા ઘોડાઓને વીંધી નાખ્યા.


ધૃષ્ટદ્યુમ્ને પણ હાથમાં ઉત્તમ તલવાર લઈને ચંદ્રવર્મા તથા નિષધના રાજા બૃહત્ક્ષેત્રને મારી નાખ્યો ને તુરત રથમાં બેસી જઈને તોતેર બાણોથી કર્ણને વીંધી નાખ્યો ને રણમાં મોટી ગર્જના કરી મૂકી.સાત્યકિએ પણ બે ભલ્લ બાણોથી કર્ણના ધનુષ્યને કાપી નાખ્યું.ને પુનઃ ત્રણ બાણો વડે કર્ણની છાતી ને બે હાથ પર પ્રહાર કર્યો.તે વેળા દુર્યોધન,દ્રોણાચાર્ય અને જયદ્રથે આવીને કર્ણને ઉગારી લીધો.ને બીજા અનેક યોદ્ધાઓ તેની સહાય કરવા દોડી આવ્યા.સામે સાત્યકિનું અર્જુન-આદિએ રક્ષણ કર્યું.

પરસ્પર થયેલા તે દારુણ યુદ્ધમાં અનેકોનો સંહાર થયો.મરણ પામેલા યોદ્ધાઓ,હાથીઓ,ઘોડાઓથી યુદ્ધભૂમિ વિકરાળ લાગતી હતી.ત્યાં માંસાહારી પશુપક્ષીઓ ને રાક્ષસોને આનંદ ઉપજાવનારો ભયંકર ને બીભત્સ સંહાર વર્તી રહ્યો હતો.

ત્યારે સૂર્ય જયારે અસ્તાચળ પર્વત પ્રત્યે આરૂઢ થયો ત્યારે તે બંને સૈન્યો લોહીથી રેબઝેબ થયેલા એકબીજાના અવયવો જોતાં જોતાં પોતપોતાની છાવણી તરફ પાછાં વળ્યાં.(80)

અધ્યાય-32-સમાપ્ત 

સંશપ્તક પર્વ સમાપ્ત