અભિમન્યુ વધ પર્વ
અધ્યાય-૩૩-અભિમન્યુના વધનો સંક્ષેપ
II संजय उवाच II पूर्वमस्मासु भग्नेषु फ़ाल्गुनेनामितौजसा I द्रोणे च मोघसंकल्पे रक्षिते च युधिष्ठिरे II १ II
સંજય બોલ્યો-અતુલ તેજવાળા અર્જુને આપણી સેનામાં પ્રથમ જ ભંગાણ પાડ્યું અને દ્રોણનો સંકલ્પ વ્યર્થ કરીને યુધિષ્ઠિરનું રક્ષણ કર્યું.વળી,તમારા પુત્રોનો યુદ્ધમાં પરાજય થયો,તેમનાં કવચો તૂટી ગયાં હતાં ને તેઓ ધૂળથી ભરાઈ ગયા હતા,ત્યારે દ્રોણાચાર્યની સંમતિ પ્રમાણે તેઓ સૈન્યોને પાછાં વાળી છાવણી તરફ જવા લાગ્યા.તે પછી બીજા દિવસનું સવાર થયું ત્યારે દુઃખી મનવાળો દુર્યોધન વિનય અને અભિમાન સાથે દ્રોણાચાર્યને સર્વ યોધ્ધાઓના દેખતાં કહેવા લાગ્યો કે-
'હે દ્વિજશ્રેષ્ઠ,અવશ્ય અમે તો આપણા શત્રુપક્ષમાં જ છીએ ખરુંને?કારણકે યુધિષ્ઠિર આજે આપણી લગભગ પાસે આવી ચઢ્યો હતો છતાં આપે તેને પકડ્યો નહિ.મારા પર પ્રસન્ન થઈને આપ યુધિષ્ઠિરને પકડી લાવવાનો વર આપી બેઠા હતા છતાં પણ આપ પાછળથી ફરી ગયા છો.આપ જેવા આર્ય પુરુષો તો ભક્તોની આશાનો કોઈ પણ રીતે ભંગ કરતા નથી'
ત્યારે દ્રોણાચાર્ય અપ્રસન્ન થયા અને બોલ્યા કે-'હું સદા તારું પ્રિય કરવામાં જ આસક્ત રહું છું છતાં,તારે મને અપ્રિયકર ગણવો ઉચિત નથી.અર્જુનના રક્ષણ તળે રહેલા શત્રુને દેવો,અસુરો કે સમગ્ર ભુવનના લોકો જીતવાને સમર્થ નથી.જ્યાં જગતના સ્ત્રષ્ટા અને અર્જુન સાથે છે ત્યાં સાક્ષાત શંકર પ્રભુ સિવાય કોનું બળ ચાલી શકે?છતાં આજે હું તને એક વાત કહું છું જે અન્યથા થવાનું નથી,આજે હું કોઈ એક મહારથીને અવશ્ય મારીશ.આજે હું એવી વ્યૂહરચના કરીશ કે જેને દેવો પણ ભેદી શકશે નહિ,માટે તમે અર્જુનને કોઈ પણ ઉપાયે રણમાંથી દૂર કરો.કારણકે અર્જુનને આ યુદ્ધનું સંપૂર્ણ જ્ઞાન છે'
જયારે દ્રોણાચાર્યે એ પ્રમાણે કહ્યું ત્યારે સંશપ્તકોની ટુકડીઓએ ફરીથી અર્જુનને દક્ષિણ દિશામાં આવવાનું કહેણ મોકલ્યું.તે પછી,અર્જુનનો શત્રુઓ સાથે એવો સંગ્રામ મચ્યો હતો કે તેને કોઈએ ક્યાંયે જોયો નહિ હોય.આ તરફ દ્રોણાચાર્યે રચેલો વ્યૂહ તીવ્ર પ્રકાશ સમાન દેખાતો હતો અને તેની સામે કોઈ જોઈ શકતું નહોતું.હે રાજન,યુધિષ્ઠિરની આજ્ઞાથી અભિમન્યુએ તે અભેદ્ય ચક્રવ્યૂહને અનેક સ્થળેથી છિન્નભિન્ન કરી નાખ્યો હતો.ને દુષ્કર પરાક્રમ કરીને હજારો વીરોનો સંહાર કરી નાખ્યો હતો.
પણ,આખરે દ્રોણ,અશ્વત્થામા,કૃપ,કર્ણ,ભોજ અને શલ્ય એ છ યોદ્ધાઓએ તેને યુદ્ધમાં ઘેરી લીધો હતો અને પરિણામે તે અનાયાસે દુઃશાસનના પુત્રના હાથમાં આવી પડ્યો હતો.તે સ્થળે અભિમન્યુએ પોતાના પ્રાણોને ત્યજ્યા હતા.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,અર્જુનના તે બાલવયના પુત્રને રણમાં માર્યો ગયેલો સાંભળીને મારુ હૃદય અત્યંત ફાટી જાય છે.
અંત સુખમાં રહેનારો તે બાળક અભિમન્યુ નિર્ભય થઈને જયારે રણમાં ઘૂમી રહ્યો હતો ત્યારે અસ્ત્રમાં કુશળ એવા ઘણા વીર પુરુષોએ એકત્ર થઈને તેને કેવી રીતે મારી નાખ્યો હતો?સૈન્ય વ્યુહને તોડનારો તે અભિમન્યુએ કેવી રીતે યુદ્ધ કર્યું હતું?
સંજય બોલ્યો-રથ સૈન્યને તોડી પાડનાર,ને કેટલાયે વીરોને અભિમન્યુએ મારી નાખ્યા હતા,કે જેને લીધે તમારા પક્ષના યોદ્ધાઓમાં જે ભય ઉત્પન્ન થયો હતો તે વિષે હવે હું તમને કહું છું તે તમે સાંભળો (28)
અધ્યાય-33-સમાપ્ત