અધ્યાય-૮૬-ધૃતરાષ્ટ્ર પ્રત્યે સંજયનાં વચનો
II संजय उवाच II हंत ते संप्रवक्ष्यामि सर्व प्रत्यक्षदर्शिवान् I शुश्रुश्वस्व स्थिरो भूत्वा तव ह्यपनयो महान् II १ II
સંજય બોલ્યો-મેં બધું પ્રત્યક્ષ જોયું છે માટે હું તમને કહું છું તે તમે સ્થિર થઈને સાંભળો.ખરું જોતાં તો પાંડવોના સંબંધમાં તમે જ મોટી અનીતિ કરી છે.આ તમારો વિલાપ પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવો છે.તમે શોક ન કરો.કાળે નિર્માણ કરેલી અદભુત યોજના ઓળંગી શકાય તેમ નથી,આ પ્રમાણેનું ભાવિ પ્રથમથી જ નિર્માણ થયેલું હોવું જોઈએ.જો તમે પહેલેથી જ તમારા પુત્રોને જુગાર રમતાં અટકાવ્યા હોત તો આ સંકટ આવત જ નહિ.તમે એક પિતાને છાજે તેવું કર્તવ્ય કરીને તમારા પુત્રને સન્માર્ગે દોર્યો હોત અને ધર્મપૂર્વક વર્ત્યા હોત તો આ સંકટ ન જ આવત.
હે રાજન,તમે લોકમાં બુદ્ધિમાન છો પણ સનાતન ધર્મનો ત્યાગ કરીને દુર્યોધન,કર્ણ ને શકુનિને અનુસર્યા.તમારા પ્રલાપો મેં સાંભળ્યા,પણ આંતરિક દ્રષ્ટિએ તમે ધનલોભી જ હતા,તેથી તમારાં તે વચનો વિષ ઘોળેલા મધ જેવાં જ હતાં.તે સમયે શ્રીકૃષ્ણ,તમને જ બહુ માનતા હતા,પણ તેમને જયારે ખબર પડી કે તમે રાજધર્મથી ભ્રષ્ટ થયા છો ત્યારથી તમને માનતા નથી.જે સમયે તમારા પુત્રો પાંડવોને ન કહેવાના વચનો કહેતા હતા તે સમયે તમે તેની ઉપેક્ષા કરતા હતા અને તેમને બોલવા જ દેતા હતા.આ તો હાથનાં કરેલ જ હૈયે વાગ્યાં છે.
હે રાજન,હવે જયારે ખરો કટોકટીનો સમય આવી પહોંચ્યો છે ત્યારે તમે તમારા પુત્રોની નિંદા કરો છો અને તેમના દોષો કહો છો,પણ આજે હવે તે બધું નકામું છે.આજે મોટા મોટા ક્ષત્રિયો પાંડવોની સેનામાં પ્રવેશ કરીને તમારે માટે યુદ્ધ કરે છે.અર્જુન અને શ્રીકૃષ્ણ જે સેનાનું રક્ષણ કરી રહ્યા છે તે સેના સામે કૌરવો સિવાય બીજો કોણ લડી શકે તેમ છે?અવસરને ઓળખનાર રાજાઓ જેટલું કરી શકે છે,તેટલું ક્ષાત્રધર્મમાં લીન થયેલા શૂરા કૌરવો પણ કરી રહ્યા છે.હવે,પાંડવોની સેના સામે કૌરવોનું જે અતિસંકટ ભર્યું યુદ્ધ જે પ્રમાણે થઇ રહ્યું છે તે તમે સાંભળો.(23)
અધ્યાય-86-સમાપ્ત
અધ્યાય-૮૭-કૌરવોની વ્યૂહરચના
II संजय उवाच II तस्यां निशायां वयुष्टायां द्रोणः शस्त्रभृतां वरः I स्वान्यनीकानि सर्वाणि प्राक्रामदव्युहितं ततः II १ II
સંજય બોલ્યો-રાત્રિ વીતી પ્રભાત થયું,એટલે દ્રોણચાર્યે સર્વ સૈન્યોને વ્યૂહમાં ગોઠવવાનો પ્રારંભ કર્યો.એ સમયે પરસ્પરનો વધ કરવા ઇચ્છતા યોદ્ધાઓ ક્રોધમાં આવી અને ગર્જનાઓ કરતા હતા.ને ઘૂમી રહ્યા હતા.કેટલાક કૌરવ યોદ્ધાઓ તિરસ્કાર વાણીથી 'અરે,તે અર્જુન ક્યાં છે?પેલો ભીમસેન ક્યાં છે?' એમ કહી તેઓ રણમાં શત્રુઓનું તેડું કરી રહ્યા હતા.સૈન્યો બરોબર ગોઠવાઈ ગયાં એટલે દ્રોણાચાર્યે જયદ્રથને કહ્યું કે-'તું ભૂરિશ્રવા,કર્ણ,અશ્વત્થામા,શલ્ય ને વૃષસેન-એ પાંચ યોદ્ધાઓ સાથે એક લાખ ઘોડેસ્વારો,સાઠ હજાર રથીઓ,ચૌદ હજાર હાથીઓ ને એકવીસ હજાર પાળાઓને લઈને,મને છોડીને છ કોષ દૂર પાછળ ઉભો રહેજે,ત્યાં તને ઇન્દ્ર સહિત દેવો પણ તારો પરાભવ કરવા શક્તિમાન નથી.તું ધૈર્ય રાખજે'
એમ આચાર્યના કહેવાથી સિંધુરાજ તેમના કહેવા મુજબના સ્થાને જઈને ઉભો.ત્યારે તમારા પુત્રો દુર્મર્ષણ,દુઃશાસન,વિકર્ણ આદિ જયદ્રથનું રક્ષણ કરવા સર્વ સૈન્યોના મોખરે ઉભા રહ્યા હતા.તે દિવસે દ્રોણાચાર્યે 'ચક્રશકટ'નામનો વ્યૂહ રચ્યો હતો.તેની લંબાઈ ચોવીસ કોશની હતી તથા પાછળના ભાગમાં તેનો વિસ્તાર દશ કોશનો હતો.વળી,તેમણે તે વ્યુહના પાછળના ભાગમાં એક પદ્માકાર વ્યૂહ રચ્યો હતો અને તેની અંદર અતિ દુર્ભેદ્ય એવો 'સુચીવ્યૂહ' રચ્યો હતો.
વ્યૂહરચના કરીને દ્રોણાચાર્ય આગળ ઉભા રહ્યા હતા.ત્યાં સુચીવ્યુહના મોખરામાં કૃતવર્મા ને પછી અનુક્રમે સુદક્ષિણ,દુર્યોધન ને કર્ણ ઉભા હતા.એક લાખ યોદ્ધાઓ શકટવ્યુહના મુખનું રક્ષણ કરતા ઉભા હતા ને તે બધાની પાછળ જયદ્રથ બાજુમાં ઉભો હતો.શકટવ્યૂહના મુખમાં દ્રોણાચાર્યના રથને જોઈને કૌરવો ને દુર્યોધન ઘણા હર્ષમાં આવી ગયા ને ત્યાં સિંહનાદો થઇ રહ્યા.(34)
અધ્યાય-87-સમાપ્ત