અધ્યાય-૮૫-ધૃતરાષ્ટ્રના ઉદ્દગારો
II धृतराष्ट्र उवाच II श्वोभूते किमकार्पुस्ते दुखःशोक समन्विताः I अभिमन्यौ हते तत्र के वायुद्वयंत मामकाः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,અભિમન્યુનો વધ થયા પછી,બીજે દિવસે શોકથી યુક્ત થયેલા પાંડવોએ શું કર્યું? મારા પક્ષના કયા કયા યોદ્ધાઓ તેમની સામે લડ્યા?અર્જુનનાં પરાક્રમો પ્રથમથી જ જાણનારા કૌરવો તેનો અપરાધ કરીને કેમ નિર્ભય રહ્યા હતા? ક્રોધાયમાન કાળ સરખા એ અર્જુનને યુદ્ધ કરવા આવતો જોઈને મારા પુત્રોએ શું કર્યું? આજના સંગ્રામમાં દુર્યોધન સંબંધમાં શું નવીન બન્યું છે? આજે જ્યાં ત્યાં વિલાપના શબ્દો કાને પડે છે.ભાટચારણો,સ્તુતિપાઠકોના શબ્દો મારે કાને અથડાતા નથી.સર્વે યોદ્ધાઓની છાવણીઓ આજે શાંત કેમ લાગે છે?
હે સૂત,આ ઘોર સંહારની શાંતિ કરવાની ઈચ્છાથી જનાર્દન અહીં સભામાં આવ્યા હતા,તેમની સમક્ષ અને તેમના ગયા પછી પણ હું મૂર્ખ દુર્યોધનને કહ્યા કરતો હતો કે-'તું પાંડવો સાથે સલાહ-સંપ કર.મારુ વચન ન ઉથાપીશ.શ્રીકૃષ્ણ બંને પક્ષમાં શાંતિ ઈચ્છે છે અને તારા હિત માટે જ કહે છે,છતાં તું જો તેમનું અપમાન કરીશ તારો વિજય થશે નહિ' આમ મેં ઘણુંયે કહ્યું પણ તેણે ઉદ્ધતાઇથી મારાં વચનો ન જ માન્યાં ને મને વહેતો મુક્યો.કાળને વશ થઇ તે દુઃશાસન તથા કર્ણના મત પ્રમાણે વર્તવા લાગ્યો હતો.મારો પુત્ર જો હજુ પણ બધા સદ્પુરુષોના મત લઈને વર્તે તો તે ચિરકાળ નિર્ભય થઈને જીવી શકે.
ધર્મની કાળજી રાખનારો પુરુષ તો સર્વ સ્થળે નિત્ય સુખ પામે છે અને મરણ પછી તે પુરુષ કલ્યાણને ને ઈશ્વરકૃપાને મેળવે છે.ખરેખર,પાંડવો આ પૃથ્વી ભોગવવાને યોગ્ય છે,તે પૃથ્વીને મેળવવામાં સામર્થ્યવાળા છે.સમુદ્ર સુધીની પૃથ્વી તેમના બાપદાદાની જ છે.મેં દુર્યોધનને કહ્યું હતું કે-'પાંડવો આપણાથી છુટા થઈને પણ હંમેશાં ધર્મમાર્ગમાં જ રહેશે.મારા એવા જ્ઞાતિભાઈઓ પણ છે કે જેમનું પાંડવો સાંભળશે.વળી,શલ્ય,સોમદત્ત,ભીષ્મ,દ્રોણ,વિકર્ણ,બાહલીક,કૃપાચાર્ય ને ભરતવંશના બીજા મહાત્માઓ તારે માટે પાંડવોને જે કહેશે તે બધું જ તેઓ તે પ્રમાણે કરશે.શ્રીકૃષ્ણ પણ ધર્મનો ત્યાગ કરે તેવા નથી ને પાંડવો તેમને જ અનુસરનારા છે.હું પણ પાંડવોને ધર્મયુક્ત વચનો કહીશ તો તેઓ અન્યથા કરશે નહિ.'
હે સંજય,હું તે દુર્યોધન આગળ ઘણીવાર પ્રલાપ કર્યા કરતો ને યોગ્ય વચન કહ્યા કરતો પણ મારા મૂઢ પુત્ર મારું કંઈ સાંભળ્યું નહિ,માટે મારે માનવું પડે છે કે સમય પલટાયો છે.જે સ્થળે શ્રીકૃષ્ણ અને બીજા સર્વ યોદ્ધાઓ છે ત્યાં આ લોકમાં જીવવાની ઇચ્છાવાળો કયો પુરુષ કદી યુદ્ધ કરે?શત્રુપક્ષના યોદ્ધાઓ જે વેળા દિવ્ય અસ્ત્રોને પ્રગટ કરવા માંડે છે ત્યારે મારા પક્ષમાં દુર્યોધન,કર્ણ,શકુનિ,અને ચોથા દુઃશાસન સિવાય પાંચમો કયો પુરુષ તેને સહન કરી શકે તેમ છે? જે પાંડવોની મધ્યમાં શ્રીકૃષ્ણ રથમાં વિરાજ્યા છે અને અર્જુન લડનારો છે તે પાંડવોનો કદી પરાજય નથી જ.
હાય,દ્રોણ પણ જો માર્યા ગયા છે તો હું માનું છું કે મારા પુત્રોનું ભાવિ,વિદુરના કહેવા મુજબ જ છે.સાત્યકિ ને અર્જુને પરાભવ પમાડેલી અમારી સેનાને જોઈને તથા રથોની બેઠક,રથીઓથી ખાલી થયેલી જોઈને મારા પુત્રો હવે શોક કરે છે એમ હું માનું છું.અર્જુન મારી સેનાને બાળીને ભસ્મ કરશે,હે સંજય,તું યુદ્ધનું સર્વ વૃતાંત મને કહે.આવા સંકટના સમયમાં દુર્યોધન,કર્ણ,દુઃશાસન અને શકુનિએ સામે શું કૃત્ય કરવાની યોજના કરી હતી?મારા સઘળા પુત્રોનું યુદ્ધમાં શું થયું હતું?
તે મને કહે.દુષ્ટબુદ્ધિ,વિવેકરહિત દુર્યોધન એ યુદ્ધમાં અનીતિથી કે નીતિથી વર્ત્યો હતો? (54)
અધ્યાય-85-સમાપ્ત