More Labels

Aug 27, 2012

ભાગવત રહસ્ય-૧૦૧

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     

સ્કંધ ત્રીજો-૧૯ (સર્ગ લીલા)

હવે કપિલ ગીતા નો પ્રારંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે.

દીકરો મા ને ઉપદેશ આપે છે.
ભાગવત નું આ અગત્યનું પ્રકરણ છે.
તેના નવ અધ્યાય છે. કપિલ ગીતા  નો પ્રારંભ અધ્યાય -૨૫ થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ છે.
ત્રણ અધ્યાય માં પહેલાં વેદાંત નું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિ નું વર્ણન કર્યું છે.તે પછી સંસારચક્ર નું વર્ણન આવે છે.

એક દિવસ માતા દેવહુતિ એ વિચાર્યું-કે-જયારે કપિલ નો જન્મ થયેલો ત્યારે બ્રહ્માજી એ કહેલું કે-
આ બાળક સાક્ષાત નારાયણ નોં અવતાર છે. આ બાળક મા નો ઉદ્ધાર કરવા આવ્યો છે. તેમને હું પ્રશ્ન પૂછીશ તો તે જવાબ આપશે.
દેવહુતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે.સદભાવ થી વંદન કરી કહ્યું-આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે.

કપિલ ભગવાન કહે છે-કે- મા સંકોચ ના રાખો.તમારે જે પૂછવું હોય તે પૂછો.મા,તમે જે પુછશો,તેનો ઉત્તર હું કહીશ.
દેવહુતિ એ પ્રથમ શરણાગતિ લીધી છે. (ઈશ્વરની શરણાગતિ વગર ઉદ્ધાર થતો નથી.)

દેવહુતિએ પ્રશ્ન કર્યો છે-કે-આ જગતમાં સાચો આનંદ છે કે નહિ ? અને હોય તો ક્યાં છે ? તે બતાવો.
જે આનંદ નો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો. જગતમાં સાચું સુખ શું છે ? તે કહો.
આં ઇન્દ્રિયો ના લાડ અનેક વખત કર્યા છે,શરીર રોગી  થાય છે,પણ વાસના શાંત થતી નથી. મન ને શાંતિ મળતી નથી.
આ ઇન્દ્રિયો બહુ ત્રાસ આપે છે. આ વાસના મને બહુ પજવે છે.

વૃદ્ધાવસ્થામાં પણ વાસના જુવાન રહે છે. વાસના એ ભિખારણ જેવી છે,તેને જેમ જેમ ખવડાવો,તેમ તેમ તેની ભુખ વધે છે.
આ વાસના રાક્ષસી એવી છે-એને જે ખવડાવે છે-તેને જ તે ખાઈ જાય છે. ઇન્દ્રિયો રોજ રોજ નવા વિષયો  માગે છે,
જીભ રસસુખ તરફ ખેંચે છે,આંખ રૂપ ના સુખ તરફ ખેંચે છે,ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે છે,
ઇંદ્રિયો થોડું સુખ આપે છે-પછી દુઃખ ના ખાડા માં ધકેલી દે છે.

કેટલાંક લોકો યાદ રાખે છે-કે-બે મહિનાથી ઢોકળાં ખાધાં નથી. અરે...તમે બે માસ થી ઢોકળાં ખાધાં નથી તે યાદ રાખો છો –પણ-
આજ સુધી માં કેટલાં ખાધાં તે યાદ રાખતા નથી.આજ સુધી માં બે ચાર મણ ઢોકળાં પેટ માં ગયાં હશે.
કદાચ ઢોકળાં ખવડાવી જીભ ને રાજી કરો તો –આંખો કહેશે-બે માસ થી ફિલ્મ જોઈ નથી. આ વિચાર કરો ત્યાં સ્ત્રી કહે કે-પાડોશીઓ
તો મહિના માં બે-ચાર વાર જોવા જાય છે. આ નવું ફિલ્મ તેઓ ક્યારના ય જોઈ આવ્યા,આપણે ક્યારે જઈશું ?
સુધરેલા લોકો માને છે-કે-હોટેલ નું ખાઈએ,અને સિનેમા જોવા જઈએ –એટલે અમે સુખી છીએ. સાચાં સુખની કોઈને ખબર નથી.
કેટલાંક કહે છે-કે અમે ધાર્મિક ફિલ્મો જોઈએ છીએ. પણ શું રામ નો પાઠ ભજવનાર રામ જેવો હોય છે ?
કેટલાંક કહે આખો દિવસ કામ કરીને થાક લાગ્યો હોય તો કોઈ મનોરંજન તો જોઈ ને ? શૃંગાર ના ચિત્રો જોવાથી મનોરંજન થતું
નથી પણ મન બગડે છે,મન ચંચળ થાય છે,મન ની શક્તિઓ નો નાશ થાય છે. ફિલ્મ જોવાથી થાક ઉતરતો નથી,પણ થાક લાગે છે.

શંકર સ્વામી એ એક જગ્યાએ –આ ઇન્દ્રિયો ને ચોર કહી છે. વિવેક રૂપી ધન –ઇન્દ્રિયો ચોરી ને લઇ જાય છે.
ઇન્દ્રિયો ચોર કરતા યે વધુ ખરાબ  છે, ચોર તો જેના આધારે હોય – જેના ઘરમાં રહેતો હોય-તેના ત્યાં ચોરી કરતો નથી, જયારે
ઇન્દ્રિયો તો –પોતાના પતિ આત્મા ને છેતરે છે.(ઇન્દ્રિયો આત્મા ના આધારે રહે છે.)
આત્મા શક્તિ આપે છે-------બુદ્ધિ ને,   બુદ્ધિ-મન ને,    અને મન-ઈન્દ્રિયોને.
ઇન્દ્રિયો -જે આત્મા ના આધારે, જીવે છે-તે આત્મા નું જ વિવેકરૂપી ધન લુંટી ને લઇ જાય છે.

દેવહુતિ –કપિલ ભગવાનને કહે છે-મને શાંતિ નો માર્ગ બતાવો, હું સ્ત્રી છું, હું સમજી શકું તેવી સરળ ભાષામાં સમજાવો.

કપિલ ભગવાન ને આનંદ થયો. બોલ્યા: મા તેં સુંદર પ્રશ્ન કર્યો છે.
કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા –એ-જ મહાન દુઃખ છે. જે સંસાર ના જડ પદાર્થો સુખ આપે છે-તે જ દુઃખ આપે છે.
જેને બીજાથી સુખ મળે છે,તે દુઃખી થાય છે. સંસાર સુખ-દુઃખ થી ભરેલો છે. જેને સુખ ભોગવવું છે,તેને દુઃખ ભોગવવું પડે છે.
સુખ ની પાછળ દુઃખ ઉભું જ છે. સુખ-દુઃખ સગા ભાઈઓ છે.
આનંદ એ બહાર નથી,આનંદ એ તો અંદર છે.પરમાત્મા આનંદ સ્વરૂપ છે,પરમાત્મા સર્વ માં ચૈતન્યરૂપે રહેલા છે.
મા,આનંદ કોઈ જડ પદાર્થ માં રહી શકતો નથી. આનંદ એ તો આત્મા નું સ્વરૂપ છે.
અજ્ઞાન થી મનુષ્ય, જડ પદાર્થ માં આનંદ શોધે છે. સંસાર ના પદાર્થો જડ હોવાથી જીવ ને આનંદ આપી શકતા નથી.
તે આનંદ આપતા નથી,પણ થોડું સુખ આપે છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા નથી તેને આનંદ મળે છે.
જે સુખ આપે છે-તે દુઃખ પણ આપશે. પરંતુ ભગવાન હંમેશા આનંદ આપશે.
આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે,ચેતન પરમાત્મા આનંદ આપે છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE