Aug 28, 2012

ભાગવત રહસ્ય-૧૦૨

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     

સ્કંધ ત્રીજો-૨૦ (સર્ગ લીલા)

આ શરીર ને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,છતાં વિવેક રહેતો નથી.
શરીર ની ચામડી ઉખડી જાય –તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખ માં માનવી સુખ માને છે.

સંસારનું સુખ –દરાજ(ચામડી નો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.
દરાજ ને જેટલો વખત ખંજવાળો –ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખ ના ઝેર થી દરાજ વધે છે.

જગત ના પદાર્થો માં આનંદ નથી,આનંદ નો આભાસ માત્ર છે. આ જગત દુઃખરૂપ છે.
ગીતા માં કહ્યું છે-
ક્ષણભંગુર(અનિત્ય).સુખ વગરના, આ જગત ને પ્રાપ્ત કરીને –પણ-તું મારું જ ભજન કર (ગીતા-૯-૩૩)

જે સુખ- વિષય અને ઇન્દ્રિયોના સંયોગ થી થાય છે,તે આરંભમાં (ભોગકાળમાં) અમૃત સમાન લાગે છે, પણ પરિણામ માં તે
વિષ (ઝેર) સમાન છે, એટલે –આ સુખ ને રાજસ-સુખ કહેવામાં આવ્યું છે. (ગીતા-૧૮-૩૮)

મા, જો શરીર માં આનંદ હોય-તો તેમાં થી પ્રાણ નીકળી ગયા પછી-તેને લોકો સાચવી કેમ રાખતા નથી ?
ઉલટું કહે છે-જલ્દી લઇ જાવ,નહીતર વજન વધી જશે. પત્ની, પણ એના પતિના મૃત શરીર ની નજીક જતાં ડરે છે.

શરીર માં આંખ,નાક કાન,મોઢું અને ચામડીમાં થી દુર્ગંધ જ આવે છે,છતાં માનવી કહે છે-શરીર સુંદર છે,શરીર સુખ આપે છે.

વિષયો જડ છે. જડ પદાર્થ માં આનંદ કેવી રીતે હોઈ શકે ? જડ પદાર્થ માં આનંદ-ચૈતન્ય (પ્રભુ) ના સ્પર્શ થી ભાસે છે.

જીવ -જીવ ને મળે તો સુખ થાય છે, પણ મડદાને મળવા થી સુખ થતું નથી.(મડદામાં જીવ નથી)
શરીર -શરીર ને મળે જો સુખ થતું હોય તો મડદાને મળવાથી સુખ થવું જોઈએ.
બે શરીરના સ્પર્શ થી સુખ નથી મળતું –પણ બે પ્રાણ (જીવ) ભેગા થાય છે, એક થાય છે,એટલે સુખ જેવું લાગે છે.
જો બે પ્રાણ મળવાથી સુખ થાય છે-તો અનેક પ્રાણો જેમાં મળેલા છે –તે પરમાત્મા ને મળવાથી કેટલો આનંદ થાય !!!

બહિર્મુખ (બહાર ભટકતું) મન જયારે અંતર્મુખ બને,એકાગ્ર થાય ત્યારે આત્માનું તેમાં પ્રતિબિંબ પડે છે, ને જ્યાં સુધી મન ની
એકાગ્રતા રહે (તરંગ વગરનું રહે) ત્યાં સુધી આનંદ નો ભાસ થાય છે. પણ મન ચંચળ છે, જેવા મન માં તરંગ થયા, જેવું મન વ્યગ્ર
થયું કે –તે આનંદ ઉડી જાય છે.
આનંદ એ આત્મા નું સહજ સ્વરૂપ છે, જેવી રીતે પાણી ની શીતળતા તેનું સહજ સ્વરૂપ છે તેમ.
પાણી ને અગ્નિ અડે તો તે ગરમ થાય છે-પણ અગ્નિ દૂર જવાથી પાછું ઠંડું થાય છે.
એમ આનંદ આત્મા માં જ છે-અંદર જ છે. અને જો આત્મા અને પરમાત્માનું મિલન થાય તો પરમાનંદ છે.

દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે,દીવાનું તેલ ખૂટે એટલે દીવો શાંત બને છે. તે પ્રમાણે જ-
મન માં સંસાર હોય-ત્યાં સુધી જ મન બળે છે. મન માં સંસાર ના રહે તો –મન શાંત થાય છે.

ધ્યાન માં રાખો-કે-બહાર નો સંસાર દુઃખ આપતો નથી,પણ મન માં રહેલો સંસાર દુઃખ આપે છે.
નિંદ્રામાં જેમ મન –નિર્વિષય થાય છે-તેવું-જ જો જાગ્રત અવસ્થામાં પણ મન-નિર્વિષય રહે તો –શાંતિ મળે છે.
નિંદ્રામાં જેવું નિર્વિષય મન રહે છે-તેવું મન બનાવવું હોય તો-મન ના વિકારો ને બહાર ધકેલી દો કે મન માં બીજું કાંઇક ભરો.
જેમ કે મન ને પરમાત્મા ના પ્રેમ થી  ભરી દો-એટલે ત્યાં રહેલો સંસાર નીકળી જશે.

સંસાર માં જો આનંદ હોય તો –તેને છોડી ને કોઈ ને સુવાની ઈચ્છા થાય જ નહિ.
નિંદ્રામાં નથી કંઈ ખાવાનું મળતું,નથી પીવાનું મળતું,નથી પૈસો મળતો,-પણ અલૌકિક શાંતિ-આનંદ મળે છે. તે શાંતિ કોણ આપે છે ?
અતિકામી,અતિલોભી હોય પણ સર્વ કંઈ છોડીને –સુઈ જાય ત્યારે તેને શાંતિ મળે છે.
ગમે તેટલી સુખ-સંપત્તિ હોય-પણ તેને જો નિંદ્રા ન આવે તો –તે દુઃખી થાય છે.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE