Page list

May 25, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1141

 

અધ્યાય-૧૪૪-ભૂરિશ્રવાની ઉત્પત્તિ અને સાત્યકિની પ્રશંસા 


II धृतराष्ट्र उवाच II अजितो द्रोणराधेयविकर्णकृतवर्मभि:I तीर्णः सैन्यार्णव वीरः प्रतिश्रुत्य युधिष्ठिरे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-એ વીર સાત્યકિને દ્રોણ,કર્ણ,વિકર્ણ અને કૃતવર્મા સુદ્ધાં કોઈ રોકી શક્યા ન હતા અને એ સૈન્યરૂપ મહાસાગરને તરી ગયો હતો તો તે સાત્યકિને ભૂરિશ્રવાએ પોતાને તાબે કરીને કેમ કરી બલાત્કારે પૃથ્વી પર પાડી દીધો હતો?

સંજય બોલ્યો-હે રાજા,શિનીકુમાર સાત્યકિની અને ભૂરિશ્રવાની ઉત્પત્તિ તમે પ્રથમ સાંભળો તો તમારો સંશય દૂર થશે.પૂર્વે સોમ નામનો અત્રિનો પુત્ર હતો,તે સોમને બુધ નામનો ને બુધને પુરુરવા નામનો એક પુત્ર થયો હતો.પુરુરવાનો આયુ,આયુનો નહુષ,નહુષનો યયાતિ,યયાતિનો યદુ,યદુનો દેવમીઢ,દેવમીઢનો શૂર,શૂરનો વસુદેવ નામનો પુત્ર હતો.તે જ યાદવવંશમાં શિનિ નામનો એક યાદવવીર જન્મ્યો હતો.હે રાજન,એક સમયે દેવકરાજાની પુત્રીના સ્વયંવરમાં સર્વ રાજાઓનું સંમેલન હતું,ત્યાં વસુદેવ અને શિનિ પણ ગયા હતા,ત્યારે શિનિએ સર્વ રાજાઓનો પરાજય કરીને વસુદેવને માટે દેવકીનું હરણ કરીને પોતાના રથમાં બેસાડી દીધી,તે જોઈને શૂરવીર સોમદત્ત તે સાંખી શક્યો નહિ.


પછી,તે બંને વચ્ચે અર્ધા દિવસ સુધી આશ્ચર્યકારક યુદ્ધ ચાલ્યું.છેવટે શિનિએ સોમદત્તને બલાત્કારે પૃથ્વી પર પટકી પાડ્યો ને તેની ચોટલી પકડીને,તને પગથી લાત મારીને,મ્યાનમાંથી તલવાર ખેંચીને તેનો શિરચ્છેદ કરવાનો વિચાર કર્યો,પરંતુ દયાને લીધે તેને છોડી દીધો.સર્વ રાજાઓની વચ્ચે પોતાની એવી શરમજનક અવસ્થા થવાથી સોમદત્તે તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને તેમની પાસે વર માગ્યો કે-હું એવા પુત્રને ઈચ્છું છું કે જે શિનિના પુત્રને હજારો રાજાના મધ્યમાં પૃથ્વી પર પાડી નાખે અને તેને પગની લાત મારે' તે વખતે મહાદેવે તેને 'તથાસ્તુ' કહીને વરદાન આપ્યું હતું.


મહાદેવના વરદાનથી સોમદત્તને ભૂરિશ્રવા નામનો પુત્ર થયો હતો.અને મહાદેવના વરદાનના કારણે જ તે ભૂરિશ્રવા સાત્યકિને જીતી ગયો હતો.બાકી જગતના ઉત્તમ નરવીરો પણ સાત્યકિને રણમાં જીતી શકે તેમ નથી.કારણકે યાદવો રણમાં દેવો,દાનવો કે ગંધર્વોને પણ યુદ્ધમાં જીતનારા હોય છે ને કદી શત્રુને આધીન થતા નથી.તેઓ જ્ઞાતિનું કદી અપમાન કરતા નથી અને વૃદ્ધોની આજ્ઞામાં રહે છે.તેઓ કદી બ્રહ્મદ્રવ્ય,ગુરુદ્રવ્ય અને જ્ઞાતિદ્રવ્યનું ભક્ષણ કરતા નથી,ને આપત્તિ સમયમાં જેઓ પોતાનું રક્ષણ કરનારા છે તેમની તેઓ કદી હિંસા કરતા નથી.હે રાજન,તમને જે સંશય હતો તે વિષે મેં તમને કહ્યું.(29)

અધ્યાય-144-સમાપ્ત