May 24, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1140

 

અધ્યાય-૧૪૩-ભૂરિશ્રવાનો વધ 


 II संजय उवाच II स बाहुर्न्ययतदभूमौ सखड्गः सशुभांगदः I आदध्जीवलोकस्य दुःखमदभुतमुत्तमः II १ II

સંજય બોલ્યો-ભૂરિશ્રવાનો તે ઉત્તમ હાથ તલવાર અને સુંદર બાજુબંધ સહીત પૃથ્વી પર પડ્યો,તે જોઈને પ્રાણીમાત્ર અત્યંત ખિન્ન થઇ ગયાં.પોતાના શરીરને અર્જુને નકામું કરી નાખ્યું,એટલે ભૂરિશ્રવા સાત્યકિનો ત્યાગ કરીને અર્જુનની નિંદા કરતાં તેને કહેવા લાગ્યો કે-'હે કુંતાપુત્ર,ખેદની વાત છે કે તેં આ ક્રૂર કર્મ કર્યું છે.કારણકે મારી નજર ન હતી ને હું બીજા કાર્યમાં આસક્ત હતો ત્યારે તેં મારા બાહુને કાપી નાખ્યો છે.ધર્મપુત્ર યુધિષ્ઠિરને તું શું કહીશ?શું તું એમ કહીશ કે ભૂરિશ્રવા બીજા કાર્યમાં આસક્ત હતો ત્યારે મેં દગો કરીને તેને મારી નાખ્યો છે? 

તું અસ્ત્રોના ધર્મને જાણનારો છે છતાં તારી સામે યુદ્ધ નહિ કરનારા મને તેં રણમાં કેમ પ્રહાર કર્યો? આવું અતિ દુષ્કર પાપકર્મ તો નીચ પુરુષો જ આચરે છે.સાત્યકિને માટે તેં આજે આ અતિ ક્ષુદ્ર કર્મ કર્યું છે,તેમાં અવશ્ય વાસુદેવનો જ મત હોવો જોઈએ કારણકે તારામાં આવું નીચ કર્મ ઘટતું નથી.હે પાર્થ,યાદવ અને અંધક કુળના રાજાઓ સદા સંસ્કારહીન,દુષ્ટ કર્મો કરનારા અને સ્વભાવથી જ નિંદાયેલા છે,તો તેવાઓને તેં પ્રમાણરૂપ કેમ માન્યા છે?'


અર્જુન બોલ્યો-ખરેખર,મરણ પામતા પુરુષની બુદ્ધિનો પણ નાશ થઇ જાય છે.હે રાજા,આ સમયે તેં જે કહ્યું તે બધું અનર્થક-અઘટિત છે.તું સંગ્રામોના ધર્મને જાણે છે,ને મને પાંડવને ને શ્રીકૃષ્ણને જાણે છે છતાં તું કેમ નિંદા કરે છે?તું જાણે છે કે હું અર્જુન કદી અધર્મ નહિ કરું,છતાં તું કેમ મોહવશ થાય છે?મારો શિષ્ય,સંબંધી ને મિત્ર,કે જે અમારે માટે પ્રાણની પરવા કર્યા વિના યુદ્ધ કરવા આવ્યો છે તો હું તે સાત્યકીની રક્ષા કેમ ન કરું?જો હું સાત્યકિને મારી નજર સમક્ષ મરણ પામતો જોઉં ને તેની રક્ષા ન કરું તો મને વ્યર્થ પાપ જ લાગે.ને આ કારણથી જ મેં તેની રક્ષા કરી છે તો તું શા માટે ક્રોધ કરે છે?


તું મારી નિંદા કરીને કહે છે કે-'તું બીજાની સાથે યુદ્ધમાં જોડાયો હતો ત્યારે મેં તને છેતરીને માર્યો છે'તો તેમ કહેવામાં તારી બુદ્ધિની ભ્રાંતિ જ છે.કારણકે મેં તને પ્રહાર કર્યો ત્યારે તું કવચને ધુણાવતો હતો,રથ પર ચડતો હતો અને શત્રુઓ જોડે યુદ્ધ કરતો હતો.રથો,ઘોડાઓ,હાથીઓ અને પાળાઓથી ભરપૂર એવા આ સૈન્ય સાગરમાં જ મેં તને પ્રહાર કર્યો છે.તો પોતાના તથા પારકા યોદ્ધાઓની સમક્ષ સાત્યકિ સાથેના ભેટામાં તારો એકલાનો જ એકલા સાત્યકિ સાથે સંગ્રામ થયો છે તે વાત કેમ સંભવે?સાત્યકિ અનેક યોદ્ધાઓને જીતીને થાકેલો હતો ઘણો પીડાયેલો હતો,ને વધારામાં તું તલવારથી તેનો શિરચ્છેદ કરવા ઈચ્છતો હતો,ત્યારે સંકટમાં પડેલા તેનું રક્ષણ તેનો ગુરુ ને મિત્ર કેમ ન કરે?ખરે,આ બાબતમાં તો તું તારી પોતાની જ નિંદા કર કારણકે તું તારું પોતાનું રક્ષણ કરી શક્યો નથી તો જે મનુષ્ય તારો આશ્રય કરે તેનું તો તું કેવી રીતે રક્ષણ કરી શકે?' 


સંજય બોલ્યો-પછી,તે ભૂરિશ્રવા રણમાં મરણ સુધીનું અનશનવ્રત સ્વીકારીને,બ્રહ્મલોકમાં પ્રયાણ કરવાની ઈચ્છા કરીને,પોતાના પ્રાણોને વાયુઓમાં હોમ્યા,ચક્ષુ ઇન્દ્રિયોને સૂર્યમાં એકાગ્ર કરીને મનને જળમાં હોમ્યું.મહાઉપનિષદ્દમાં કહેલા જ્ઞાનનું ચિંતન કરીને તે યોગયુક્ત થઈને મુનિવ્રત સ્વીકારી બેઠો.ત્યારે સર્વ કૌરવો તેની પ્રશંસા કરવા લાગ્યા ને અર્જુનની નિંદા કરવા લાગ્યા.એટલે અર્જુન કહેવા લાગ્યો કે-સર્વ રાજાઓ મારા મહાન વ્રતને જાણે જ છે કે-જે કોઈ મારો માણસ મારા બાણના અનુસંધાનમાં હોય છે તેને મારવા કોઈ શક્તિમાન નથી,આ વિચાર કરીને પણ મારી નિંદા કરવી યોગ્ય નથી.વળી,પોતે ધર્મ સમજ્યા વિના બીજાના ધર્મ સંબંધી નિંદા કરવી તે પણ સાચી નથી.ભૂરિશ્રવા,હાથમાં તલવાર લઈને સાત્યકિને મારી નાખવા ઈચ્છતો હતો,તે સમયે મેં તેનો હાથ કાપી નાખ્યો તે નિંદ્ય કર્મ નથી.શસ્ત્રહીન ને રથ રહિત થયેલા અને કવચ વિનાના અભિમન્યુને કયો મનુષ્ય ધર્મકૃત્ય માની શકે તેમ છે?' ત્યારે ભૂરિશ્રવા નીચું મુખ કરીને શાંત થઇ ગયો.


અર્જુન બોલ્યો-'હે શલના મોટાભાઈ,મને મારા ભાઈઓ તરફ જેવી પ્રીતિ છે તેવી જ તારા પર પણ છે.માટે હું અને શ્રીકૃષ્ણ તને અનુજ્ઞા આપીએ છીએ કે-ઉશીનર પુત્ર શિબિરાજ જે પ્રમાણે પુણ્યલોકમાં ગયો છે તે પ્રમાણે તું પણ પુણ્યવંતોના લોકમાં જા' 

સંજય બોલ્યો-તેવામાં સાત્યકિ એકદમ ઉભો થઈને હાથમાં તલવાર લઈને ભૂરિશ્રવાના મસ્તકને કાપી નાખવાની ઈચ્છા કરી.

તે ભૂરિશ્રવા,અર્જુનના હાથે લગભગ હણાઈ ગયો હતો અને મુનિવ્રત રૂપી બીજા કાર્યમાં રોકાયો હતો ત્યારે સાત્યકિ તેને મારવા તૈયાર થયો હતો.તે વખતે શ્રીકૃષ્ણે,અર્જુને ને બીજા મહારથીઓએ તેને ઘણો વાર્યો પણ તેમની પરવા ન કરતાં,ક્રોધે ભરાયેલા સાત્યકિએ તેના મસ્તકને કાપી નાખ્યું.ત્યારે સર્વ તેના કાર્યની નિંદા કરવા લાગ્યા.


ત્યારે સાત્યકિ બોલ્યો કે-ધર્મનો વાદવિવાદ ચલાવીને તમે બધા મને કહી રહયા છો કે મારે ભૂરિશ્રવાનો વધ કરવો જોઈએ નહિ,પણ જે સમયે અભિમન્યુને તમે બધાએ એકઠા મળીને મારી નાખ્યો ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો હતો? ને મારી એ પ્રતિજ્ઞા છે કે જે કોઈ મારો તિરસ્કાર કરીને મને રણમાં દબાવી દે ને મને પગની લાત મારે તે મારા શત્રુને મારે મારવો જ.પછી ભલે ને તે મુનિવ્રત સ્વીકારીને બેઠો હોય.મારુ આ કૃત્ય યોગ્ય જ છે' સાત્યકિના એ કથન પર તે વખતે સર્વ કૌરવો કંઈ બોલ્યા નહિ પણ મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યા.છતાં તે વધને કોઈ અભિનંદન પણ આપતો નહોતો.(72)

અધ્યાય-143-સમાપ્ત