અધ્યાય-૧૪૨-અર્જુને કરેલો ભૂરિશ્રવાનો બાહુચ્છેદ
II संजय उवाच II तमापततं संप्रेक्ष्य सात्त्वतं युद्धदुर्मदम् I क्रोधाद्भूरिश्रवा राजन सहसा समुपाद्रवत II १ II
સંજય બોલ્યો-હે રાજન,તે પછી,યુદ્ધ દુર્મદ સાત્યકિને ધસી આવતો જોઈ,ભૂરિશ્રવા ક્રોધપૂર્વક તેની સામે ધસી ગયો ને તેને કહેવા લાગ્યો કે-'આજે તું મારી નજરે આવી ચડ્યો છે તે બહુ સારું થયું.આજના રણમાં હું લાંબા વખતથી ઈચ્છેલા મારા અભિલાષને પૂર્ણ કરીશ.આજે તું જો રણસંગ્રામનો ત્યાગ નહિ કરે તો મારી પાસેથી છૂટવાનો નથી.'ત્યારે સાત્યકિએ સામે કહ્યું કે-'આ રણમાં મને કોઈ વાણીના બકવાદથી ડરાવી શકે તેમ નથી,જે મને હથિયાર વિનાનો કરે તે જ મને મારી શકે તેમ છે.આજે હું તને માર્યા વિના રણમાંથી નિવૃત્ત થઈશ નહિ.તું આજે આ લોકમાં ઘણા સમયથી ઈચ્છેલા યુદ્ધને થવા દે.'
જોતજોતામાં તે બંને સામસામે આવી ગયા ને તેમનું અદભુત યુદ્ધ શરુ થયું.લાંબા સમય સુધીના પરસ્પર પ્રહારોથી બંને જણ અત્યંત ઘાયલ થયા હતા.છેવટે બંને એ પરસ્પર રથના ઘોડાઓને મારી નાખીને પરસ્પરનાં ધનુષ્ય કાપી નાખ્યાં.ત્યારે તેઓ સામસામે ઢાલ અને તલવારથી યુદ્ધ કરવા લાગ્યા.તે બંનેની ઢાલો ને તલવાર પણ નાશ પામી ત્યારે તેઓ બાહુયુદ્ધ કરવા લાગ્યા.
બત્રીસ પ્રકારનાં જે મલ્લયુદ્ધો હોય છે તે સર્વ તે બંને મહાબળવાનોએ લડી બતાવ્યાં હતાં.છેવટે ભૂરિશ્રવાએ સાત્યકિને ઊંચકીને પૃથ્વી પર પછાડ્યો.આ દ્રશ્યને જોઈને શ્રીકૃષ્ણે,અર્જુનને સાત્યકીનું રક્ષણ કરવાનું કહ્યું.
પછી,ભૂરિશ્રવાએ જયારે મ્યાનમાંથી તલવાર ખેંચીને અને સાત્યકિની ચોટલી પકડીને,છાતી પર પ્રહાર કરીને તેનું મસ્તક કાપી નાખવાની ઈચ્છા કરી.તે વખતે સાત્યકિએ જોર કરીને વેગથી મસ્તકને ઘુમાવવા લાગ્યો.જેમ,કુંભાર ચાકરાને દાંડીથી ઘુમાવે તેમ,સાત્યકિ,પોતાના કેશ પકડનાર ભૂરિશ્રવાના બાહુને ઘુમાવી રહ્યો હતો.તે દ્રશ્યને જોનાર શ્રીકૃષ્ણ,અર્જુનને સાત્યકીનું રક્ષણ કરવાનું કહી રહ્યા હતા ત્યારે અર્જુન બોલ્યો-'હે કૃષ્ણ,મારી દ્રષ્ટિ સિંધુરાજમાં જ ચોંટી છે,તેથી હું સાત્યકિને જોઈ શકતો નથી છતાં સાત્યકિને માટે કોઈનાથી ન બને તેવું પરાક્રમ હું કરી બતાવું છું' આમ કહી અર્જુને વાસુદેવના વચનને માન્ય કરીને,ગાંડીવમાં અસ્ત્રાની ધાર જેવું એક તીક્ષ્ણ બાણ સાંધીને છોડ્યું કે જે બાણે ભૂરિશ્રવાના બાહુને તલવાર સાથે કાપી નાખ્યો.(72)
અધ્યાય-142-સમાપ્ત