May 22, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1138

 

અધ્યાય-૧૪૧-સાત્યકિને અર્જુનનાં દર્શન 


 II संजय उवाच II तमुद्यतं महाबाहु दुःशासनरथं प्रति I त्वरितं त्वरणीयेषु धनंजयजयैशीणम् II १ II

સંજય બોલ્યો-દુઃશાસનના રથ પ્રત્યે સજ્જ થયેલા,ઝડપથી કરવા યોગ્ય કાર્યોમાં ત્વરા વાળા અને અર્જુનના વિજયની ઈચ્છા રાખીને અનંત સેના સમુદ્રમાં દાખલ થયેલા એ મહાબાહુ સાત્યકિને જોઈને ત્રિગર્ત યોદ્ધાઓ,મોટા રથ સમુદાય વડે તેને ઘેરી વળ્યા.અને ક્રોધપૂર્વક સંખ્યાબંધ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.પણ સત્યપરાક્રમી સાત્યકિએ સામે બાણોનો મારો ચલાવીને એ પચાસ રાજકુમારોને જીતી લઈને એ ભારતી સેનાના મધ્ય ભાગમાં પ્રવેશ કર્યો.એ રણમાં અમે તે સાત્યકિનું અદભુત રણકૌશલ્ય અમે જોયું હતું કારણકે તે થોડીવાર પશ્ચિમમાં તો થોડીવારમાં પૂર્વમાં પણ ઘૂમી રહેલો દેખાતો હતો.સર્વ દિશાઓમાં જાણે નૃત્ય કરતો હોય તેમ તે પોતાના રથમાં ઘૂમી રહ્યો હતો ને વિનાશ સર્જાવતો હતો.

તેની યુદ્ધ કુશળતા જોઈને ત્રિગર્તયોદ્ધાઓ સંતપ્ત થઈને પોતાના સ્વજનો પ્રત્યે પાછા ફર્યા એટલે શૂરસેન દેશના યોદ્ધાઓ આગળ આવીને અનેક બાણો મૂકીને સાત્યકિને અટકાવવા લાગ્યા.ત્યારે સાત્યકિએ એક મુહૂર્તમાં જ તેમનો પરાજય કર્યો ને પછી સામે આવેલી તરી ન શકાય તેવી કલિંગોની સેના સામે યુદ્ધ કરીને,તેમને વટાવીને થોડા સમયમાં જ અર્જુનની પાસે જઈ પહોંચ્યો.ને અર્જુનનાં દર્શન કરીને શાંત થયો.તેને આવતો જોઈને કેશવ અર્જુનને કહેવા લાગ્યા કે-'અરે ઓ પાર્થ શિનીકુમાર તારા પગલે અહીં આવે છે.તારા એ પરાક્રમી શિષ્ય અને મિત્રે સર્વ યોદ્ધાઓને તણખલાતોલ ગણીને તેમને જીતીને,કૌરવ યોદ્ધાઓને ઘોર ઉપદ્રવ કરાવીને તારી પાસે આવે છે.હે ફાલ્ગુન,દ્રોણાચાર્ય,કૃતવર્મા,દુર્યોધન ને તેના ભાઈઓનો પરાજય કરીને ને જલસંઘનો વધ કરીને એ સાત્યકિ,યુધિષ્ઠિરના કહેવાથી જ ઝટપટ અહીં આવી રહ્યો છે.


અર્જુને કહ્યું-હે કેશવ,આ સમયે સાત્યકિ અહીં આવે તે મને જરાયે પ્રિય લાગતું નથી.કેમ કે સાત્યકિ વિનાના ધર્મરાજનું ત્યાં શું થયું હશે?તેણે ધર્મરાજનું રક્ષણ કરવું જોઈએ.સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે,જયદ્રથને હજી મારવાનો છે,ને અહીં સાત્યકિનું રક્ષણ કરવાની મારી એક જવાબદારી વધશે.તે સાત્યકિ થાકેલો જણાય છે.ને સામે ભૂરિશ્રવા સહાયવાળો ને થાકેલો નથી.ભૂરિશ્રવા સામે ભેટીને તે ક્ષેમકુશળ તો રહેશે ને?હું માનું છું કે,સાત્યકિને અહીં મોકલીને ને આચાર્યના ભયનો ત્યાગ કરીને ધર્મરાજાએ મોટી ભૂલ કરી છે.તે ક્ષેમકુશળ હશે કે નહિ તેનો મને સંશય રહે છે (37)

અધ્યાય-141-સમાપ્ત