Jan 11, 2020

ભાગવત રહસ્ય-૧૫૫

ચિત્રકેતુ રાજાએ પછી તપશ્ચર્યા કરી અને ભગવાનના નામના જપ કર્યા. સગુણ ભગવાનના દર્શન થયા.રાજા મહાયોગી-મહાસિદ્ધ થયો. પ્રભુએ કૃપા કરી તેને પોતાનો પાર્ષદ બનાવ્યો.એક દિવસ તે આકાશમાં વિહાર કરતો હતો.ફરતો ફરતો તે કૈલાશધામમાં આવ્યો. જોયું તો શિવજીની ગોદમાં પાર્વતીજી બેઠાં છે.તેમને આ પ્રમાણે બેઠેલા જોઈ ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો.

ચિત્રકેતુ સંસારી-ભાવથી શિવ-પાર્વતીને જુએ છે.પણ જો પ્રત્યેક સ્ત્રી-પુરુષને નારાયણરૂપે જુએ તો વાસના થાય નહિ.ચિત્રકેતુના ચરિત્ર પરથી એવું લાગે છે-કે-કેવળ સગુણનો સાક્ષાત્કાર કરે –તેથી મન શુદ્ધ થતું નથી.
(ચિત્રકેતુને સગુણના દર્શન થયાં હતા-અર્જુન પણ પરમાત્માના સગુણ સ્વરૂપમાં પ્રેમ કરે છે.પણ નિર્ગુણનો અનુભવ કરતો નથી. તેથી અર્જુનને વિશાદ થયો છે)

સગુણનો પ્રેમ અને નિર્ગુણનો અનુભવ એ સાથે થવા જોઈએ.અને આમ થાય તો માયાનું બંધન તૂટે છે.
નિર્ગુણ -પરમાત્માનો જો –સર્વમાં –અનુભવ- થાય –અને- સગુણમાં -પ્રેમ -થાય,તો જ જીવ શિવ બને છે.શિવજીનું આમ બેસવાનું કારણ છે.એકવાર ફરીથી કામદેવે શિવજી સામે યુદ્ધ કરવાની ઈચ્છા બતાવી. અને કહે છે- કે –સમાધિમાં બેસીને મને બાળ્યો-એમાં શું આશ્ચર્ય? સમાધિમાં રહી કોઈ પણ જીવ મને હરાવી શકે. મારા મનમાં વસવસો રહી ગયો છે.તમે પાર્વતીજીને આલિંગન આપો- અને હું બાણ મારું-તે છતાં તમે નિર્વિકાર રહો-તો આપ મહાન દેવ. (મહાદેવ) અને તમને વિકાર આવે તો હું મહાદેવ.

શિવજી સંમત થયા-પાર્વતીજીને આલિંગન આપી-અર્ધ-નારી-નટેશ્વર બન્યા.
કામે ઘણા પ્રયત્નો કર્યા-અંતે બાણ ફેંકી મહાદેવને શરણે આવવું પડ્યું.
શિવ-પાર્વતી નિર્વિકાર હતાં પણ ચિત્રકેતુની આંખ માં વિકાર હતો.
ચિત્રકેતુ ભક્ત છે-પણ તેની ભક્તિને જ્ઞાન નો સાથ નથી.તેથી તે શિવજીની નિંદા કરે છે.
કોઈને લૌકિક ભાવથી જોશો નહિ, સંસારના ચિત્રને ભગવદભાવથી જુઓ.મનમાં ખોટાં ચિત્રો લાવો નહિ.
સંસારને લૌકિક ભાવથી જુએ-તેની વૃત્તિ બહિર્મુખ થાય છે.
ત્રાસ આપનારી-બહિર્મુખવૃત્તિ-એ વૃત્રાસુર છે.તેને જ્ઞાનના વજ્રથી કાપી નાખો.

શિવ-પાર્વતીને આમ લૌકિક ભાવથી જોતાં –ચિત્રકેતુનું પતન થયું છે. શિવજીને કાંઇ બુરું ન લાગ્યું-જેને માથે ગંગા-જ્ઞાનગંગા હોય તેને નિંદા અસર કરતી નથી. પણ પાર્વતીજીથી આ સહન ન થયું-તેમણે ચિત્રકેતુને શાપ આપ્યો છે-ઉદ્ધત-તારો અસુરયોનિમાં જન્મ થાઓ.તું રાક્ષસ થઈશ.ચિત્રકેતુએ માતાજીની ક્ષમા માગી છે-એટલે-દેવીએ કહ્યું-તે જન્મમાં તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે.

પાર્વતીના શાપથી ચિત્રકેતુ વૃત્રાસુર તરીકે જન્મ્યો.
મન-ચિત્રકેતુ-શુભ કલ્પનાઓ કરે (ચિત્રકેતુ એ વૃત્રાસુરના જન્મમાં કરેલી તેમ)
તો અંતે સુખી થાય અને દુષ્ટ કલ્પનાઓ કરે તો દુઃખી થાય છે.
નારદ-અંગિરા જેવા સંતોના સમાગમથી મન ઉર્ધ્વગામી બને છે.

દિતિના બે પુત્રો મરણ પામ્યા. દિતિને થયું કે-ઇન્દ્રે જ મારા પુત્રોને માર્યા છે. તેથી તેણે સેવાથી પતિને પ્રસન્ન કર્યા.કશ્યપઋષિ એ ઇન્દ્ર ને મારનાર દીકરો થાય –એવું એક વર્ષનું પુંસવન વ્રત દિતિને બતાવ્યું.
પુંસવન વ્રતની વિધિ માં –માર્ગશીર્ષ મહિનામાં શુક્લપક્ષ વિષે પડવાના દિવસથી સ્ત્રીએ પતિની આજ્ઞા લઇને
સર્વકામના પૂરું કરનારું વ્રત શરુ કરવું. વ્રત કરનારી સ્ત્રીએ નિરંતર સવારમાં વહેલા ઉઠી-પ્રાતઃકર્મોથી પરવારી-સૌભાગ્ય શણગાર સજી-બે ધોળાં વસ્ત્રો પહેરવાં-અને સવારમાં ભોજન અગાઉ 
લક્ષ્મીજી સાથે નારાયણની પૂજા કરીને –નમસ્કાર કરવા.અનેક પ્રકારે સ્તુતિ કરવી.
તે પછી સૌભાગ્યવતી સ્ત્રી અને પતિનું પૂજન કરવું.

ચંચળ મનને ઈશ્વરમાં સ્થિર કરવાનું સાધન વ્રત છે. વ્રતના દિવસે મન ચંચળ ન થાય અને ઈશ્વરમાં સ્થિર થાય –તેમ મન ને ઈશ્વરમાં પરોવી રાખવાનું.દિતિએ વ્રત કર્યું-પણ વ્રતના નિયમોનું પાલન નહિ કરવાથી વ્રતનો ભંગ થયો.એક દિવસ આચમન લીધા વિના –પગ ધોયા વિના ઉચ્છિષ્ટ અવસ્થામાં દિતિ સુઈ ગયા.આ તકનો લાભ લઇ-ઇન્દ્ર દિતિના ગર્ભ માં પેસી જઈ ગર્ભના ૪૯ ટુકડા કર્યા. ગર્ભના બાળકોએ ઇન્દ્ર ને પ્રાર્થના કરી-એટલે ઇન્દ્રે તેમને જતા કર્યા.તેથી મરુતગણો ની ઉત્પત્તિ થઇ. 

દિતિએ ભેદભાવ રાખ્યો-તેથી વ્રતમાં ભંગ થયો.પણ છેવટે દિતિએ ઇન્દ્રમાં કુભાવ રાખ્યો નહિ.અને તેને કહ્યું-આ મારા છોકરાઓ છે-તેમની ગણના દેવોમાં થશે.(મરુતગણો)
મરુતગણોની ઉત્પત્તિ કહીને છઠ્ઠા સ્કંધની કથા પૂરી કરી.

છઠ્ઠો સ્કંધ સમાપ્ત

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE